અમેરિકામાં 1300 કરોડનું દાન કરનાર આ પટેલ વડોદરા પાસે બનાવશે યૂનિવર્સિટી
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં આફ્રિકાના ઝામ્બિયામાં જન્મેલા અને મૂળ વડોદરા જિલ્લાના મોટા ફોફળિયાના વતની ડો.કિરણ પટેલે ગુજરાતમાં યૂનિવર્સિટી શરૂ કરવાની પોતાની ઇચ્છા દર્શાવી છે. તેમણે જણાવ્યું કે પોતાના ગામમાં સ્કૂલો, યૂનિવર્સિટી શરૂ કરવી છે. વડોદરાના હરવણ પાસે 100 એકર (220 વીઘા) જમીન લીધી છે જેની પર ટૂંક સમયમાં યૂનિવર્સિટીનું કામ શરૂ થશે. તેમણે વધુમાં કહ્યું કે તેઓને પાટીદાર હોવાનું ગૌરવ છે. પરંતુ દરેક વ્યક્તિને અપલિફ્ટમેન્ટ મળે તે પણ જરૂરી છે. તેઓએ જણાવ્યું કે તેમનું ફોકસ એજ્યુકેશન અને હેલ્થ પર છે. તેઓએ યુવાનો માટે હાર્ડવર્ક, પેશન અને પરસિસટન્ટ જરૂરી છે તેમ જણાવતાં કહ્યું કે મુશ્કેલીઓ આવે તો પણ ડરવાની જરૂર નથી.
મોટા ફોફળિયાના વતની ડો.કિરણ પટેલે ગુજરાતમાં યૂનિવર્સિટી શરૂ કરવાની પોતાની ઇચ્છા દર્શાવી છે
કર્યુ છે 1300 કરોડનું દાન
યુએસમાં ફ્લોરિડા સ્ટેટના ટેમ્પામાં વસતાં ડોક્ટર દંપતી કિરણ સી. પટેલ અને તેમના જીવનસાથી પલ્લવી પટેલે મેડિકલ શિક્ષણને વધુ મજબૂત કરવા નોવા સાઉથ-ઈસ્ટર્ન યુનિવર્સિટી (એનએસયુ)ને ૨૦૦ મિલિયન ડોલરનું માતબર દાન આપ્યું છે. ભારતીય ચલણમાં આ આંકડો માંડવામાં આવે તો અંદાજે ૧,૩૧૨ કરોડ રૂપિયા થાય છે.
ફોફળિયાના વતની
ડો. કિરણ પટેલ મૂળ વડોદરાના શિનોર પાસેના મોટા ફોફળિયાના વતની છે. તેમનો જન્મ જોકે આફ્રિકાના ઝામ્બિયામાં થયો હતો. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ અમેરિકાના દક્ષિણી રાજ્ય ફ્લોરિડાના ટેમ્પામાં સ્થાયી થયા છે. અગાઉ કાર્ડિયોલોજિસ્ટ તરીકે કાર્યરત ડો. કિરણ પટેલ ટેમ્પા ખાતે જ ફ્રિડમ હેલ્થ કંપની ચલાવી રહ્યાં છે. તેમના પત્ની પલ્લવી પટેલ પીડિયાટ્રિશિયન છે. ડોક્ટર દંપતી ફ્લોરિડાના ટેમ્પમાં પ્રેક્ટિસ કરે છે અને તેમની આવી સામાજિક પ્રવૃત્તિઓને કારણે ફ્લોરિડા રાજ્યમાં ઘણુ ઉંચુ નામ ધરાવે છે.