લાખો લોકોની આંખો બચાવીને 36 વર્ષથી ગરીબોના સેવા યજ્ઞની ધૂણી ધખાવનાર ડો. કાતરિયા સાહેબ

ધરાઈ ગામના વતની વિરાભાઈ કાતરિયાએ આંખના સર્જન તરીકેનો અભ્યાસ પૂર્ણ કરીને 1983ના વર્ષમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં એમના સેવા યજ્ઞની શરુઆત કરી હતી. ડો. વી.સી.કાતરિયા છેલ્લા 36 વર્ષથી સેવાની ધૂણી ધખાવીને મોરબીમાં બેઠા છે.

કેટલાય સરકારી નોકરી કરતા ડોક્ટરો સરકારી દવાખાને જેટલા હાજર રહે છે એના કરતાં પોતાના અથવા બીજાના ખાનગી દવાખાને વધુ હાજર રહેતા હોય છે જ્યારે ડો.કાતરિયા સાહેબ રોજ સવારે 7 વાગે હોસ્પિટલ આવી જાય અને છેક સાંજે 7 વાગે ઘરે જાય. રોજના સરેરાશ 500થી વધુ દર્દીઓને તપાસે અને 50થી વધુ દર્દીઓના ઓપરેશન કરે.

સમગ્ર સૌરાષ્ટ્રના જુદા જુદા ગામડાના ગરીબ દર્દીઓનો મોરબીમાં રોજ દરિયો ઉભરાય. અત્યાર સુધીમાં ડો.કાતરિયા સાહેબે આવા 20 લાખ જેટલા ગરીબ દર્દીઓને તપસ્યા છે અને 2.5લાખ જેટલા દર્દીઓના આંખના ઓપરેશન કર્યા છે. એમની કર્તવ્યનિષ્ઠાની કદર રૂપે ગુજરાત સરકારે 1998ની સાલમાં મોરબીમાં ખાસ આંખના સરકારી દવાખાનાની શરૂઆત કરી.

રોજનું 12 કલાકથી વધુ કામ કર્યા બાદ જ્યારે રજા આવે ત્યારે સ્વાભાવિક છે કે માણસ બહાર ફરવા માટે જાય. ડો. કાતરિયા રજાના દિવસે અંતરિયાળ ગામડાઓમાં જઈને કેમ્પો કરે અને મોરબી સુધી ના પહોંચી શકનાર દર્દીઓની આંખોની સારવાર સામે ચાલીને કરે. એમની 36 વર્ષની નોકરીમાં રજાના દિવસોમાં જ 1000થી વધુ કેમ્પઓનું આયોજન કર્યું છે અને એમાં 3 લાખથી વધુ દર્દીઓ તપાસ્યા છે.

જો આવી મહેનત ખાનગી ડોક્ટર તરીકે કરે તો કરોડો રૂપિયાની કમાણી થાય ક્યારે ડો.કાતરિયાએ કરોડોની કમાણી કરવાના બદલે લાખો ગરીબોની આંખના તેજ આપીને ભગવાનના રાજીપાની કમાણી કરી છે. એવું સાંભળ્યું છે કે ડો.કાતરિયા પાસે એની માલિકીની કાર પણ નથી. જો કે એ ઘરથી હોસ્પિટલ ચાલીને જ જાય છે. પગારની આવકમાંથી પણ જરૂર મુજબ ગરીબોને મદદ કરે એટલે બીજી કોઈ મિલકતો પણ નથી વસાવી. સૌથી મોટી મિલકત લોકોના આશીર્વાદ.

2017માં ગયા વર્ષે ડો. કાતરિયા વય મર્યાદાને કારણે નિવૃત થયા પણ જેને સેવાની ટેવ પડી હોય એ કામ વગર કેવી રીતે રહી શકે ? સરકારને એમની સેવાઓ ચાલુ રાખવા દેવા વિનંતી કરી અને સરકારે એમની વિનંતી માન્ય રાખીને એમને નોકરીમાં એક્સ્ટનશન આપ્યું છે. નિવૃત્તિ બાદ પણ આ માણસ રોજના 12 કલાક કામ કરે છે.

ડો. કાતરિયા સાહેબ પ્રસિદ્ધિથી પર રહીને પોતાની સેવા કરી રહ્યા છે. દ્વારકાવાળો મુરલીધર એના આ આહીર દીકરાના કામને જોઈને કેવો હરખાતો હશે !

– શૈલેશભાઇ સગપરીયા

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો