પર્યાવરણ બચાવવા ડો. ધ્વનીએ ક્રોકરી બેન્ક શરૂ કરી નિઃશુલ્ક વાસણ આપવાનું અભિયાન શરૂ કર્યું છે
પ્લાસ્ટીકનો વપરાશ અટકાવવા માટે વડોદરાની ડો. ધ્વની ભાલાવતે ક્રોકરી બેન્ક શરૂ કરી નિઃશુલ્ક વાસણ આપવાનું અભિયાન શરૂ કર્યું છે. તેણે જણાવ્યું હતું કે, લોકો શક્ય તેટલો ઓછો પ્લાસ્ટીકનો ઉપયોગ કરે અને પર્યાવરણની રક્ષા કરે. તે મારો મુખ્ય ઉદ્દેશ્ય છે.
પ્લાસ્ટિક નુકસાન કરતું હોવાથી અભિયાન આદર્યુ
શહેરના દિવાળીપુરામાં રહેતી અને ડેન્ટીસ્ટનો અભ્યાસ પૂરો કર્યા બાદ ઇન્ટેનશીપ કરતી 22 વર્ષિય ડો. ધ્વની ભાલાવતે જણાવ્યું હતું કે, વડોદરા સહિત સમગ્ર દેશમાં પ્લાસ્ટીકનો બેફામ ઉપયોગ થઇ રહ્યો છે. દેરકે નાના-મોટા શુભ-અશુભ પ્રસંગોમાં પ્લાસ્ટીકની ચમચીથી લઇ જમવાની ડીશો સહિતની વસ્તુઓનો ઉપયોગ થઇ રહ્યો છે. પ્લાસ્ટીક પર્યાવરણને તો નુકશાન કરીજ રહ્યું છે. સાથે મુંગા પશુઓ માટે જીવલેણ સાબિત થઇ રહ્યું છે.
આર્ટીકલ વાંચીને શરૂઆત કરી
ક્રોકરી બેન્ક શરૂ કરવાના આઇડીયા વિષે ડો. ધ્વનીએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલાં એક આર્ટીકલ વાંચ્યો હતો. જેમાં દિલ્હીની એક વ્યક્તિએ પ્લાસ્ટીકનો વપરાશ અટકાવવા માટે ક્રોકરી બેન્ક શરૂ કરી હતી. તે આર્ટીકલ વાંચ્યા બાદ મને પણ ક્રોકરી બેન્ક શરૂ કરવાનો આઇડીયા આવ્યો હતો. અને તે આઇડીયા મેં અમલમાં મૂક્યો છે. મારું માનવું છે કે, સમાજ માટે કંઇક કરવું જોઇએ. તે બાબતને ધ્યાનમાં લઇ મેં ક્રોકરી બેન્ક શરૂ કરી છે. ક્રોકરી બેન્ક શરૂ કરવામાં મને મારા પરિવાર અને મિત્રોની મદદ મળી છે.
બચતમાંથી શરૂઆત કરી
ક્રોકરી બેન્ક કેવી રીતે ચલાવો છો? તેવા પ્રશ્નના જવાબમાં ડો. ધ્વની ભાલાવતે જણાવ્યું કે, મેં મારી બચત, પરિવાર અને મિત્રોની મદદથી 50 થાળી, 50 વાટકી અને 50 ચમચી વસાવી છે. જે કોઇને નાના પ્રસંગ માટે જોઇએ તેઓ મારા મોબાઇલ ફોન ઉપર સંપર્ક કરે છે. તેઓ પાસેથી હું સામાન્ય ડિપોઝીટ અને તેઓનું આઇ.ડી. પ્રૂફ લઉં છું. પ્રસંગ પૂરો થાય ત્યારે તે વ્યક્તિ મને વાસણો ધોઇને પરત કરી જાય છે.