ડોક્ટર બનેલા પટેલ, આ રીતે બન્યા IAS ઓફિસર
અમદાવાદ: પિતા તાલુકા વિકાસ અધિકારી (TDO) તો પુત્ર જિલ્લા વિકાસ અધિકારી (DDO), આ સાંભળતા જ અનુભવીઓના મુખે એ કહેવત યાદ આવી જશે કે ‘બાપ કરતા બેટો સવાયો’. ડો. ધવલ પટેલ અત્યારે આણંદ જિલ્લા કલેક્ટર તરીખે ફરજ બજાવે છે. જોકે આ અગાઉ રાજકોટ ડીડીઓ તરીકે ફરજ બજાવી હતી તે દરમિયાન તેમના પિતા કિરીટભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતાં.
ડો. ધવલ પટેલ પિતા કરતાં તો સવાયા પૂરવાર થયા જ્યારે આજે ઘણાં યુવાનો તેમના પિતા કરતાં ઊંચી પોસ્ટ કે વધુ પગાર મેળવતાં હોય છે, પરંતુ તે તેના પિતાના જ ફિલ્ડમાં હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. ડો. ધવલ પટેલની બીજી વિશેષતા એ છે કે તેઓ MBBS પણ કર્યું હતું. એમ તો તેમણે MD રેડિયોલોજીસ્ટ પણ ચાલુ કર્યું હતું. પરંતુ તે દરમિયાન જ તેમની IASમાં પસંદગી થઈ હતી જેન કારણે તેમણે તબીબી સેવાક્ષેત્રે છોડીને જાહેર સેવાક્ષેત્રમાં જોડાયા હતા.
ડો. ધવલ પટેલનો જન્મ મહેસાણામાં થયો હતો. તેમને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. ધોરણ-12 સાયન્સમાં પાસ થયા પછી તેમણે વીએસ, એન.એચ.એલ મેડિકલ કોલેજમાંથી MBBS કર્યું. ઈન્ટરશીપ દરમિયાન તેમણ પી.જીની સાથેસાથે UPSCની પણ તૈયારીઓ કરી હતી. MD રેડિયોલોજીસ્ટમાં તેમને બીજે મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું હતું. પરંતુ આ દરમિયાન IASની 2007ની પરીક્ષા આપી હતી. તેમાં ઓલ ઈન્ડિયા લેવલે 12માં અને ગુજરાતમાં પ્રથમ નંબરે ઉત્તિર્ણ થઈ ડો. ધવલ પટેલ 2008ની બેન્ચના IAS અધિકારી બન્યા હતાં. ડો. ધવલ પટેલે UPSCમાં ગુજરાતી લીટરેચર એન્ડ મેડિકલ સાયન્સ સબજેક્ટ રાખ્યો હતો.
મસૂરીમાં ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ સૌપ્રથમ ગોધરા અને તે પછી પાટણમાં આસિસ્ટન કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી. ત્યાર બાદ રાજકોટમાં ડીડીઓ તરીકે ફરજ બજાવી હતી. મેડિકલની તૈયારી માટે જે હાર્ડવર્ક કરવું પડે છે, તેની સરખામણીમાં IASની તૈયારી સરળ લાગે છે. મેડિકલ એ મર્યાદિત ક્ષેત્ર છે, જ્યારે સિવિલ સર્વિસીઝમાં ઘણાં બધાં ક્ષેત્રે સારું કામ કરી શકાય, જે ડોક્ટર તરીકે કરી શકાતા નથી એવું ડો. ધવલ પટેલને લાગે છે.
ડો. ધવલ પટેલને ઈન્ટરવ્યૂમાં એવા પ્રશ્નો પૂછાયા હતા કે આપણાં દેશમાં ડોક્ટરોની આમેય ખોટ છે, અમારી પાસે બીએ, બી.કોમવાળા ઘણાં ઉમેદવારો છે, ત્યારે તમને અમારે શા માટે પસંદ કરવા જોઈએ? ધવલ પટેલે જવાબમાં કહ્યું કે, અમે એમબીબીએસની તૈયારીમાં જે ગંભીરતાથી તનતોડ મહેનત કરી હોય છે, તેવી કદાચ આપ કહો છો એ બી.એ, બી.કોમવાળા ઉમેદવારોએ કરી હોતી નથી. અમે વધુ ગંભીરતાથી અને વધુ સારી રીતે કામ કરી શકીએ, અમારા થકી સરકારને વધુ સારા કર્મચારી મળે કે જેની પણ આપણા દેશના વહીવટી તંત્રને પણ વધુ જરૂર છે.
ગુજરાતમાં આગામી UPSC-GPSC જેવી સ્પર્ધાની તૈયારી કરતા યુવા ભાઈ-બહેનોને ડો.ધવલ પટેલે હાર્ડવર્ક સાથે સખત મહેનત કરી સફળતા મેળવવા શુભેચ્છા પાઠવી હતી. ડો.ધવલ પટેલે મેડિકલ કર્યા પછી IASની તૈયારી કરી, બંન્નેની સરખામણી કરીએ તો ચોક્કસપણે કહી શકાય કે, મેડિકલ, એન્જિનિયરિંગમાં જે મહેનત કરવી પડે છે તેના કરતા UPSCમાં ઓછી મહેનત કરવી પડે છે. આપણે ત્યાં મેડિકલ-એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓનો સિવિલ સર્વિસિઝ પ્રત્યે અભિગમ ઓછો છે, તેઓએ આ પ્રત્યે અભિગમ કેળવવો જોઈએ.