ડૉ.ભેંસાણિયાની રક્તદાન કેમ્પ દ્વારા અનોખી સેવા
વડોદરા:- પાંચ ભાઈઓમાં હું સૌથી નાનો છું. ઉનાળાના વેકેશનમાં હું ગામડે ગયો હતો. પિતા ખેડૂત હોવાથી અમે પણ વેકેશનના સમયે ખેતરમાં જતા. 1972ની વાત છે, જ્યારે હું નવમાં ધોરણના વિકેશનમાં ખેતરમાં મજૂરી કરવા ગયો. પાછા વળતા પિતાને એટેક આવ્યો અને મારા હાથમાં એમણે છેલ્લા શ્વાસ લીધા. જો હું ડોક્ટર હોત તો પપ્પાને બચાવી શક્યો હોત તેવો વિચાર આવ્યો. પછીના 6 મહિના ભારે રહ્યા. ભણતર છોડવું પડ્યું અને ખેતી પ્રત્યે ધ્યાન આપવું પડ્યું. એક દિવસ નસીબે જોર પકડ્યું અને ગામમાં આવેલા પોપટભાઈએ હાથ પકડ્યો. મને વિદ્યાનગર લઇ ગયા. જ્યાં 10મુ-11મુ કર્યું. વિદ્યાનગરમાં પ્રથમ આવ્યો. એ દિવસ પછી જીવનમાં જે પણ મળ્યું તેને ચેલેન્જ સમજીને અપનાવ્યું.
2 લાખ લોકોના બ્લડ ડોનેશન દ્વારા 3 લાખ દર્દીઓના જીવ બચાવી શકાયા છે
ડોક્ટર બનીને સમાજ માટે કંઈક કરવાનો વિચાર આવ્યો. 1999માં બ્લડ બેન્કની સ્થાપના કરી. જેની પાછળનો મુખ્ય હેતુ એ હતો કે લોહી ઓછું પડવાને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુના થવું જોઈએ. છેલ્લા 20 વર્ષથી ચાલતા આ અભિયાનમાં અત્યારસુધી 18 લગ્નમાં, 700થી વધુ બેસણામાં, 10 સ્મશાન અને કબ્રસ્તાનમાં, 25થી વધુ બાબરીમાં, 2 સીમંતમાં, 100થી વધુ જન્મદિનની પાર્ટીમાં અને 150થી વધુ એનિવર્સરીમાં રક્તદાન કેમ્પ કર્યા છે. 2 લાખ લોકોના રક્તદાનથી 3 લાખ દર્દીઓના જીવ બચ્યા છે.
રૂપિયા કે અન્ય કોઇપણ દાન કરતાં દેહદાન અને અંગદાન વધુ મહત્તવનું છે
માણસ મૃત્યુ પામે તેના 6 કલાકમાં તેના અવયવો જો કાઢી લેવામાં આવે તેના શરીરના અંગો કામ લાગી શકે છે. મનુષ્ય શરીરમાંથી આંખો, ફેફસા, કિડની, ચામડી અને લીવરનો ઉપયોગ કરી શકાય છે. અત્યારસુધી 40 જેટલા લોકોએ આ અભિયાનમાં જોડાઈને દેહ દાન કર્યું છે. જેનો ઉપયોગ વડોદરા મેડિકલ કોલેજના તબિબી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કરી રહ્યા છે. રૂપિયાના દાન કરતા દેહદાન અને અંગદાન કરવું વધુ મહત્ત્વનું છે. તે કોઇને દ્રષ્ટિ તો કોઇને જીવન પ્રદાન કરી શકે છે. જે રૂપિયાથી મળતાં નથી.
ડૉક્ટરીને ધંધો નહીં ધર્મની જેેમ ચલાવવાનું નક્કી કર્યું, કોઇ રડતું ના જવું જોઇએ
1976થી 85 સુધીના 10 વર્ષમાં MBBS, ENT અને ગાયનોક્લોજીનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ થયા બાદ 1988થી પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી. પ્રેક્ટિસ ચાલુ કરી ત્યારએ જ એક સંકલ્પ લીધો કે ડોકટરીને ધંધાની જેમ નહીં ધર્મની જેમ જ સ્વીકારીશ. મારા દવાખાનેથી કોઈ પણ વ્યક્તિ રડતું પાછું ન જવું જોઇએ.
વડોદરાના ડૉક્ટર ભેંસાણિયા એટલે ઓલિયા દેવદૂત. દર્દીને સારવારના પૈસા આપે એવા ઇ.એન.ટી. સ્પેશ્યલીસ્ટ સર્જન. રક્તદાન જેવા સામાજિક કાર્ય માટે સતત રાતઉજાગરા કરે એવા. નવા નવા વિચારવાવેતરના પ્રહરી. યુવાનોને પ્રોત્સાહન આપે. નામ કરતા કામના પ્રચારથી પ્રેરણા આપવામાં માને. દીકરી ધ્વનિના લગ્નમાં આજે એમણે લિમ્કા અને ગિનેસ બૂકે નોંધ લેવી પડે એવો વર્લ્ડ રેકોર્ડ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો. ધ્યાન પણ બધું એમાં જ. 500 કાર્ડ તો જાતે એ માટે દેવા ગયેલા ! હેતુ એ જ કે બીજા પણ આનંદ સાથે કોઈને ઉપયોગી થતાં શીખે. કર્મયોગી સાહેબની સુવાસ એવી કે ઉમળકાભેર ધર્મ-જ્ઞાતિના ભેદભાવ વિના કેટલાય મારા જેવા દોડતા ઞયા. સંપત્તિના વલ્ગર પ્રદર્શન જેવા લગ્નો કે દેખાદેખીથી કરાતા ભપકાદાર સમારંભો વચ્ચે ભેંસાણિયાસાહેબે ચીલો ચાતર્યો. આધુનિક અભિગમથી દીકરીના આંતરજ્ઞાતિય લગ્ન-પ્રેમને ખુશીથી વધાવી, વર-કન્યાની રક્તતુલા કરી! એ બેઉ ડૉક્ટરે પણ લગ્ન પહેલા રક્તદાન કર્યું. કાશ, આવી રીતે અવસરની ઉજવણી આપણે ત્યાં અપવાદને બદલે આદત બને…. ડૉ. ભેંસાણિયા પરિવારને વંદન સહ અભિનંદન ! – જય વસાવડા
સેવાભાવી ડો. ભેંસાણિયાએ એકલપંડે દીકરીના લગ્નમાં વરકન્યા સહિત ૩૨૮ આમંત્રિતો પાસે લગ્ન પહેલાં રક્તદાન કરાવી ગિનેસ બૂકમાં કામથી નામ નોંધાવ્યું! જમાઇ દીકરીને મેડિકલી હેલ્ધી સપ્તપદીના સાત ફેરા (વૃક્ષારોપણથી ચક્ષુદાન, ભૃ્રણ હત્યા વિરોધથી ગુટકાતમાકુ મુક્તિ!)ના શપથ લેવડાવ્યા! મહેશભાઇ પણ પાંચમો ફેરો સમુહ લગ્નમાં વરના મા-બાપનો પુત્રવધૂને દીકરી ગણી ભૃણહત્યા ન કરવાની પ્રતિજ્ઞાાનો લેવડાવે છે! ભાવતા ભોજનિયાં જમતા પહેલાં રક્તદાનથી ચાંલ્લો કરી દેવાની સાવ અનોખી પ્રથા જે અપવાદને બદલે આદત બને તો લગ્નનું મંગલ સાચે બીજાને જીવન આપે. કન્યાદાન પછી, રક્તદાન પહેલાં!
આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર
એક લાઈક અને શેર કરીને વધાવજો..