ડોક્ટરે ઓર્ગેનિક ખેતીથી મેળવ્યું ખારેકનું મબલખ ઉત્પાદન, US, લંડન મોકલશે
જામકંડોરણાના બોરીયા ગામના ખેડૂતે ખેતરમાં ઓર્ગેનીક ખારેકનું વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરીને ખેડૂતોને ઓર્ગેનીક ખેતી તરફે વળવા માર્ગદર્શન આપી રહ્યા છે. ખારેકના મબલખ પાક પાકશે ત્યારે તેઓ અમેરિકા અને લંડન સહિતના દેશોમાં મોકલશે.
જામકંડોરણાના બોરીયા ગામના તબીબ ડો.હરદાસભાઈએ પોતાના ખેતરમાં ખારેકની ઓર્ગેનિક ખેતી કરી મબલખ કમાણી કરીને અન્ય ખેડૂતોને ઓર્ગેનીક ખેતી કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે. ડો.હરદાસભાઈ સાવલીયા ખેતીમાં બદલાવ લાવવા માટે પોતાની આગવી સૂઝથી બોરીયા ગામની પોતાની વાડીએ ઓર્ગેનીક ખારેકની ખેતી કરવાનું નક્કી કરી ખારેકના રોપાઓ પોતાની વાડીએ વાવ્યા અને ઓર્ગેનીક ખાતર જીવામૃત ખાતર એટલે કે તેમા છાણ, ગૌમુત્ર, ગોળ, ચણાનો લોટ વગેરે પલાળીને ખાતર બનાવી ઓર્ગેનીક ખાતરથી ખારેકની ખેતી ચાલુ કરી અને તેમા કેમીકલવાળી દવાનો ઉપયોગ કર્યા વગર ખારેકની ઓર્ગેનીક ખેતી કરીને ત્રીજા વર્ષથી મબલખ ઉત્પાદન મેળવ્યું છે.
જામકંડોરણાના બોરીયા ગામના ખેડૂતે ખેતરમાં ઓર્ગેનીક ખારેકનું વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરી
ડો.હરદાસભાઈ સાવલીયાએ જણાવ્યુ હતું કે બોરીયા ગામે ઓર્ગેનીક ખેતી દ્વારા ખારેકનું વાવેતર કરાયું હતું. જેમાં ત્રીજા વર્ષે ફુલ આવવાનું ચાલુ થઈ જાય છે અને પહેલા વર્ષે એક ખારેકના ઝાડમાંથી 40 કિલોનું ઉત્પાદન થાય છે. ત્યાર બાદના વર્ષે 55 કિલો મળે છે અને આ ખેતી પાંચ વર્ષ થાય છે. આ વર્ષે એક ઝાડમાંથી 100 કિલો કરતા વધારે ખારેકનું ઉત્પાદન થશે અને ઓર્ગેનીક ખારેક અમારા ફાર્મથી જ વેચાય છે. અમો ખારેકને આ વર્ષથી અમેરીકા, લંડન સહિતના દેશોમાં વેચાણ માટે મોકલવવામાં આવશે.
ખારેકની ખેતીમાં ટપક પદ્ધતિથી ખેતી કરીએ છીએ જેથી પાણીની બચત થાય છે. વધુમાં ડો.હરદાસભાઈ સાવલીયાએ જણાવ્યુ હતું કે અન્ય ખેતીમાં ડુંગળી, કપાસ, મગફળી વગેરેની ખેતીમાં યોગ્ય ભાવો મળતા નથી પણ આ બાગાયત ખેતીમાં ઓર્ગેનીક ખારેકની ખેતીથી અન્ય ખેત પેદાશ કરતા વધારે ઉપજ આવે અને મહેનત ઓછી અને વળતર વધારે મળે છે.