સલામ છે આ કલેક્ટરને.. જેણે પોતાની ઓફિસનાં એસી કઢાવી ગરીબ બાળકોનાં સારવાર કેન્દ્રમાં ફિટ કરાવ્યાં

સામાન્ય લોકોમાં એક એવી છાપ હોય છે કે સરકારી અધિકારીઓ પોતાની એસી ચેમ્બર્સમાંથી બહાર આવી પબ્લિકને શું પીડા થઈ રહી છે તે જાણવાની ક્યારેય કદર નથી કરતા. જોકે, મધ્ય પ્રદેશના ઉમરિયા જિલ્લાના કલેક્ટરે એક એવું કામ કર્યું છે કે જે જાણીને લોકો તેમને સલામ કરી રહ્યા છે. હાલ ગરમીનો પારો 45 ડિગ્રી સુધી આંબી રહ્યો છે, ત્યારે આ કલેક્ટરે પોતાની ઓફિસના એસી કઢાવીને ગરીબ આદિવાસીઓના બાળકોની જ્યાં સારવાર ચાલી રહી છે તે હોસ્પિટલમાં નખાવી દીધા છે.

જિલ્લા કલેક્ટર સ્વરોચિષ સોમવંશી જ્યારે આ હોસ્પિટલની વિઝિટમાં ગયા ત્યારે તેમણે જોયું કે ગરીબ બાળકો કાળઝાળ ગરમીમાં હોસ્પિટલમાં તડપી રહ્યા હતા. તેમણે તાત્કાલિક નિર્ણય લઈ પોતાની ઓફિસમાં રહેલા એક એસી, અને મિટિંગ રુમમાં રહેલા ત્રણ એસીને કાઢી બાળકોના વોર્ડમાં શિફ્ટ કરાવી દીધા. કલેક્ટરની આ કામગીરી જોઈ લોકોએ પણ ત્રણ જ દિવસમાં પાંચ લાખ રુપિયા ફંડ એકઠું કરી દીધું, જેથી હોસ્પિટલમાં વધુ વ્યવસ્થા થઈ શકે.

આ યુવા અધિકારીની નમ્રતા એટલી હતી કે તેમણે પોતાના જુનિયર અધિકારીઓને ચેમ્બરમાંથી એસી કાઢી નાખવાનો ઓર્ડર આપવાને બદલે પોતાની ચેમ્બરનું એસી કઢાવી ગરમીમાં બેસવાનું પસંદ કર્યું. આ હોસ્પિટલમાં જે આદિવાસી બાળકો દાખલ કરાયા છે તેમાંના મોટાભાગનાને તો અંધશ્રદ્ધાને કારણે ડામ આપવામાં આવ્યા છે. કુપોષણથી પીડાતા આ બાળકોને તેમના મા-બાપે એમ સમજી ભૂવા પાસે ડામ અપાવ્યા હતા કે તેનાથી તેમના બાળક સ્વસ્થ થઈ જશે.

કાળઝાળ ગરમીમાં નાનકડાં બાળકોના શરીર પર અપાયેલા ડામમાં ઈન્ફેક્શન થઈ જવાનો ખતરો હતો, માટે કલેક્ટરે તાત્કાલિક તેમના માટે એસીની વ્યવસ્થા કરી આપી. 2012ની બેંચના IAS સોમવંશીએ જણાવ્યું હતું કે, પોતાના જિલ્લામાં તેમણે આદિવાસી બાળકોમાં કુપોષણની સમસ્યા દૂર કરવા સંજીવની નામની યોજના શરુ કરી છે. જેના હેઠળ જિલ્લામાં ચાર પોષક પુન;વસન કેન્દ્ર બનાવાયા છે. આ કેન્દ્રોમાં 100 બાળકો સારવાર લઈ રહ્યા છે.

આ કેન્દ્રોમાં સારવાર માટે આવતા બાળકોમાં મોટાભાગના બાળકોને તો શરીરે અંધશ્રદ્ધાને કારણે ગરમ સળિયાથી ડામ આપવામાં આવ્યા હોય છે. ગરમીને કારણે તેમાં ઈન્ફેક્શન થવાનું જોખમ ઘણું વધી જાય છે. બે દિવસ પહેલા જ કલેક્ટરે પોતાની ઓફિસના એસી અહી લગાવ્યા તે ખબર પડતાં જ ઘણા લોકોએ રેડ ક્રોસ ફંડમાં દાન કર્યું, અને ત્રણ દિવસમાં તેમાં 5 લાખ એકઠા થઈ ગયા છે. જેનાથી ગરીબ બાળકોને સારવાર આપતા કેન્દ્રોમાં સુવિધાઓ ઉભી કરાશે.

સોમવંશી ડાઉન ટુ અર્થ વ્યક્તિ તરીકે જાણીતા છે. તેઓ સિંગ્રૌલી જિલ્લામાં ફરજ પર હતા ત્યારે તેમણે અને તેમની પત્નીએ સ્થાનિક યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાનું કોચિંગ આપવાનું શરુ કર્યું હતું. તેમણે ‘યુવા’ નામનું સ્થાનિકોનું એક ગ્રુપ પણ બનાવ્યું હતું, અને તેના દ્વારા તેઓ સરકારી યોજનાઓના અમલીકરણ તેમજ લોકોની જરુરિયાત પર ધ્યાન રાખતા હતા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો