કચ્છની ડિમ્પલ સંઘાણી ‘મિસિસ યુનિવર્સ 2018’ સ્પર્ધામાં ઈંગ્લેન્ડ વતી નોમિનેટ
કચ્છી ગૃહિણી ડિમ્પલ સંઘાણી હવે ફિલિપાઈન્સના મનીલામાં ડિસેમ્બર માસમાં યોજાનારી ‘મિસિસ યુનિવર્સ 2018’ બ્યૂટી પેજન્ટમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરશે. ડિમ્પલનો પરિવાર મૂળ કચ્છનો છે. જો કે, તેનો જન્મ-ઉછેર હૈદરાબાદમાં થયો હતો અને લંડનમાં રહેતાં મૂળ માધાપરના વતની જીત સેંઘાણી સાથે 2001માં લગ્ન કર્યાં બાદ તે લંડનમાં સ્થાયી થઈ છે.
બે સંતાનોની માતા 36 વર્ષિય ડિમ્પલ ‘ડિમ્પ્સ’ કૉમર્સ ગ્રેજ્યુએટ છે. ચેલ્સિયામાં તે બહેન જિજ્ઞા સોની સાથે સલૂન ચલાવે છે અને યુકેના સેલિબ્રીટી હેરસ્ટાઈલીસ્ટ અને મેકઅપ આર્ટીસ્ટ તરીકે ડિમ્પલની ગણના થાય છે. ડિમ્પલ વર્ષ 2000માં મિસ કન્ટ્રી ક્લબ અને મિસ હૈદ્રાબાદનો ખિતાબ જીતેલી છે. તો, વર્તમાન વર્ષે લંડનમાં આયોજીત ‘મિસિસ એશિયા યુકે યુનિવર્સ’માં પણ તે વિનર બની હતી. ડિમ્પલ યુકેના અનેક જાણીતા ટીવી શૉમાં હેર સ્ટાઈલીસ્ટ તરીકે સેવા આપે છે.
તેના કસ્ટમર લિસ્ટમાં બોલિવુડના શબાના આઝમી, અજય દેવગણની દીકરી ન્યાસા, રાજકુમારરાવ યાદવ, લલિત દુબે,ગુલશન ગ્રોવર, અરમાન મલિક, રવિ બોપારા, સોનાલી કુલકર્ણી, શાન, કરણ વાણી, મીરાં અને ગુરૂદાસ માન જેવા અનેક જાણીતા ચહેરાઓનો સમાવેશ થાય છે. હેરસ્ટાઈલીસ્ટ તરીકે જાણીતી ડિમ્પલ ઘરવિહોણા પરિવારો અને દુઃખી મહિલાઓ માટે ઘણું ચેરીટી વર્ક કરે છે. 2017માં ડિમ્પલે હોમલેસ ચિલ્ડ્રન માટે ક્રિસમસ વખતે ચેરીટી ફંડ રેઈઝ કરવા કેમ્પેઈન શરૂ કર્યું હતું. જેને બ્રિટનમાં સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. આગામી ડિસેમ્બર માસમાં 80 દેશની અન્ય સુંદરીઓ સાથેની સ્પર્ધામાં ભાગ લઈ રહેલી ડિમ્પલ મિસિસ યુનિવર્સના ટાઈટલ માટે ખૂબ આશાવાદી છે.
ડિમ્પલ સંઘાણીનું માનવું છે કે એક મહિલા તરીકે હું બુદ્ધિ, કરૂણા અને સુંદરતાનો સુભગ સમન્વય છું અને દરેક મહિલામાં આ ગુણો હોય છે. જેનાથી આપણે દુનિયાને દરેક લોકો માટે એક સુંદર જગ્યા બનાવીએ શકીએ છીએ. સુંદરતા તો વ્યક્તિની અંદર હોય છે જે સ્માઇલ દ્ધારા ચહેરા અને ગાલો પર પથરાય છે. તેઓ કહે છે કે હું સ્માઇલ સાથે જ જન્મીછું. મારા ફેમિલીમાં હું એક માત્ર એવી વ્યકિત છું જેના ગાલ પર આટલા મોટા ડિમ્પલ પડતા પડે છે જેના કારણે મારૂ નામ ડિમ્પલ પાડવામાં આવ્યું. મારા નામ પ્રમાણે જ હું દુનિયામાં સ્માઇલ ફેલાવું છું.
ડિમ્પલ જણાવે છે કે મારા પતિ અને માતા-પિતા મારા માટે એક મોટા પ્રેરણાસ્ત્રોત અને સપોર્ટર્સ છે. જેમના કારણે જ મને સફળતા મળી છે. તેઓ જણાવે છે કે મારા બાળકો જ મારૂ જીવન છે અને તેમના માટે હું પૂરતો સમય આપું છું. બાળકો માટે જે બેસ્ટ છે તે આપવાનો પ્રયત્ન કરું છું. હૈદરાબાદમાં જન્મીને મોટા થયેલા ડિમ્પલની ડિક્ક્ષનરીમાં અશક્ય જેવા શબ્દો નથી.