પરંપરાગત પદ્ધતિ છોડી ખેડૂતે અપનાવી ઓછા ખર્ચે જલદી અને વધુ ઉત્પાદન આપતી કેરીની આધુનિક ખેતી
વિશ્વમાં કેરીની નામના ધરાવતા વલસાડ જિલ્લાના ધરમપુરના શિક્ષિત અને એગ્રોના બિઝનેસ સાથે સંકળાયેલા ખેડૂત દિપક ગુંદણીયાએ ઓછી જગ્યામાં વધુ ઉત્પાદન, વહેલું ઉત્પાદન અને જેના કારણે વધુ ભાવ સહિતના ફાયદાઓ માટે રૂઢિગત આંબા કલમના વાવેતરના સ્થાને મહારાષ્ટ્રની સરળ, અતિ ઉચ્ચ ઘનતા વાવેતરની સારી ઉપજ આપતી આધુનિક યુએચડીપી પદ્ધતિ અપનાવી છે.
ખુબજ ગીચતા ધરાવતા મેંગો પ્લાન્ટેશનની આ આધુનિક પદ્ધતિ અપનાવી વલસાડના નાયબ બાગાયત નિયામક નિતીનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એકર દીઠ 400 પ્રમાણે નવાપાડામાં તેમની ત્રણ એકરની જમીનમાં સંપૂર્ણ ઓર્ગેનિક ટપક પદ્ધતિ સાથે 1300 નૂતન (ચીર ) કલમનું વાવેતર કરી રૂઢિગત વાવેતરના ઉત્પાદન સામે વધુ ઉત્પાદન સુનિશ્ચિત કર્યું છે. ઉપરાંત આંબાવાડીની ફરતે 1200 મહાગુનીનું પ્લાન્ટેશન પણ કર્યું છે. આ પદ્ધતિમાં ઓછા ખર્ચે વધુ આવક મળે છે. જોકે આ પદ્ધતિમાં રૂઢિગત પદ્ધતિની સરખામણીમાં થોડી વધુ મહેનત કરવી પડે છે. વર્ષો અગાઉ મહારાષ્ટ્રના જલગાંવ, દપોલીમાં આ પદ્ધતિના સથવારે આંબાની ખેતી નિહાળી અભ્યાસ કરી આ પદ્ધતિ અપનાવી છે.
આંબામાં આ અત્યાધુનિક પદ્ધતિ અપનાવો
* 3×5નો ખાડો કરી 2.5 ફૂટ સુધી ગ્રાવલ,રેતી ભરી બાકીના 2.5 ફૂટમાં ઓર્ગેનિક ખાતર સાથે માટી પુરાણ કરી 6×12માં પ્રથમ વર્ષાએ કલમ રોપવું.
* વાવેતરના 6થી7 માસ પછી કૂંપણ ફૂટ્યા બાદ અનુકૂળતા પ્રમાણે જમીનના સ્તરથી છોડના ઉપરના ભાગે 2.5 થી 3 ફૂટ કાપી નાખવું
* જેને લઈ ઉપરના ભાગેથી નીકળતી ત્રણ જેટલી ડાળીઓ નજીકના અન્ય છોડ સાથે વિકાસ થયા બાદ એકબીજા સાથે અથડાઈ નહીં શકે.
આ આધુનિક પદ્ધતિના ફાયદા
* આ પદ્ધતિમાં જમીનમાં ભેજ નહીં રહેવાથી કૂંપણમાં ફૂટ સારી આવે છે.
* રૂઢિગત આંબાની સામે આશરે દોઢ મહિના પહેલા કેરી આવવાથી સારો ભાવ મળી શકે અને વધુ ઉત્પાદન મળે છે.
* નીચી કલમને કારણે તકેદારી સાથે સફાઈ સાથે કેરીની બેડ કરી શકાય છે.
* રોગ લાગવાની શકયતા નહિવત છે.
એક એકરે 400 કલમનું વાવેતર થઈ શકે
રૂઢિગત આંબાની ખેતીમાં એક એકરે 40×40માં કલમ પ્રમાણે 40 કલમ રોપાતી હતી. આ આધુનિક પદ્ધતિમાં એક એકરે 6×12માં આશરે 400 કલમનું વાવેતર થઈ શકે છે. રૂઢિગત આંબાની ખેતી સામે આ પદ્ધતિમાં વધુ ઉત્પાદન મળી શકે એમ છે. આ પદ્ધતિમાં નાના ખાડા બનાવી હજી વધુ વાવેતર કરી શકાય. સરકાર પણ અત્યારે 100 ટકા સેન્દ્રીય ખેતીનો અભિગમ ધરાવી ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે. જેને સમર્થન આપવાનો મારો આ એક પ્રયાસ છે. > દીપક ગુંદણીયા, ધરમપુર
આ તકેદારી રાખવી જરૂરી
વાવેતરના બે વર્ષ પછી ઉત્પાદન મળ્યા બાદ તમામ કલમને ઉપરથી જરૂર મુજબનું pruning (કાટ-છાંટ ) કરવી. જેથી છોડની નવી કૂંપણ આવે છે. અને આ નવી ફૂટ રોગરહિત રહે છે. જેને લઈ જંતુનાશક દવાનો પણ ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. દર વર્ષે આ કામગીરી કરવી.
આ આધુનિક પદ્ધતિ થકી બે મહિના વહેલી કેરીનું ઉત્પાદન થશે
રૂઢિગત પદ્ધતિમાં એક એકરમાં ઉદાહરણ તરીકે ઓછી સંખ્યાની 40 કલમો મોટી થતા કેરી વધુ આવે છે. જ્યારે આ આધુનિક પદ્ધતિમાં એકર દીઠ 400 વધુ કલમોમાં ઝાડ દીઠ ઉત્પાદન ઓછું આવે પરંતુ વધુ ઝાડને લઈ આ પદ્ધતિમાં સરેરાશ ઉત્પાદન વધે છે. બીજી તરફ એની સામે આ પદ્ધતિથી માર્કેટમાં સિઝનના બેથીઅઢી મહિના પહેલા આવતી કેરીને લઈ અથાણાં માટે વધી જતી માંગને પગલે બમણા ભાવથી વેચાણ થઈ શકે છે. મહારાષ્ટ્રના બાગાયત વિસ્તાર રત્નાગીરી આપણા કરતા બે મહિના પહેલા કેરીના ઉત્પાદન થકી આવક મેળવે છે. આપણે પણ આ પદ્ધતિ અપનાવી વહેલું ઉત્પાદન મેળવી સારી આવક મેળવવી જોઈએ. > ચેતનસિંહ ઠાકોર, પ્રોજેકટ ઓફિસર, ANRDFT, ધરમપુર