ખુદ અશિક્ષિત હોવા છતાં આ ગંગા સ્વરૂપ બહેને 5 સંતાનને કાળી મજૂરી કરીને ભણાવ્યાં, બે દીકરી બની પોલીસ
ઘરના એકમાત્ર કમાનાર મોભીની અચાનક ચીર વિદાય થઇ જાય, પાછળ 4 પુત્રીને ઉછેરવાની જવાબદારી શીર પર આવી જાય અને એક બાળક ગર્ભમાં ઉછેરતું હોય ત્યારે તે મહિલાના દુ:ખની કલ્પના કરવી મુશ્કેલ છે. ભલભલા ભાયડા પણ આવી આપત્તિનો સામનો કરવામાં હામ હારી જતા હોય છે ત્યારે અબળા કહેવાતી એક નારી ‘મર્દાની’ બનીને દુ:ખના તૂટી પડેલા પહાડ વચ્ચેથી માર્ગ કાઢે ત્યારે તેને મનોમન વંદન કરવાનું મન થાય.
આ સંઘર્ષની વાત છે નખત્રાણાના રહેવાસી અનુસુચિત જાતીની મહિલા મગીબાઇ બડીયાની. અત્યારે 51ની પાકટ આયુએ પહોંચેલા મગીબાઇ જ્યારે માત્ર 34 વર્ષની વયના હતા ત્યારે અચાનક આઘાતજનક સમાચાર આવ્યા કે વિદેશ કમાવવા ગયેલા તેમના પતિ દેવજીભાઇનું આકસ્મિક અવસાન થયું છે. મગીબાઇ માટે એક તરફ પતિના મૃત્યુનો વજ્રઘાત થયો હતો, બીજીબાજુ સગીર અને બાળવયની 4 પુત્રીના ઉછેર અને લાલન પાલનનો વિકટ પ્રશ્ન વિકરાળ બનીને સામો ખડો થઇ ગયો હતો. પાંચમું સંતાન હજુ ગર્ભમાં ઉછરી રહ્યું હતું. અભણ એવા મગીબાઇ પર ઘર આખાની જવાબદારી આવી પડી. અહીંથી શરૂ થાય છે વિધવા માતાની સંઘર્ષની કહાની.
પતિના અવસાન સમયે સૌથી મોટી 15 વર્ષીય પુત્રી જયશ્રી ભણવામાં હોશિયાર હતી પરંતુ આવા કપરા સમયમાં તેને વિચાર આવ્યો કે શાળા મૂકી અને માતા સાથે મજૂરી કામ કરે જેથી પરિવારને આર્થિક ટેકો મળી રહે, પરંતુ માતા મગીબાઇએ તેને મજૂરી કામ કરાવવાના બદલે ભણાવવાનો આગ્રહ રાખ્યો. પોતે ભલે અભણ હોય પણ બાળકોને તે સારું શિક્ષણ અપાવશે તેવી નેમ સાથે વાડીમાં અથવા છૂટક મજૂરી કામ કરી બાળકોને ભણાવ્યા. ક્યારેક ભાઇ ભારમલભાઇ કુડેચા બહેનને મદદ કરતા, ભાણેજોના અભ્યાસ અંગે માર્ગદર્શન પણ આપતા અલબત્ત ગામની મહિલાઓ મગીબાઇને સલાહ આપતી કે દિકરીઓને ભણાવાય નહીં, અંતે તો તે સાસરીયે જ જવાની છે ને ? આવી અનેક વાતો સાંભળી પરંતુ તેને ગણકાર્યા વગર માત્ર એક જ લક્ષ્ય રાખ્યું કે બાળકોને તો ભણાવવા જ છે.
નાની ઉંમરમાં જ પિતાની છત્રછાયા ગુમાવનાર જયશ્રીએ ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થવા માટે ટ્યુશન ક્લાસ, સિવણ ક્લાસના વર્ગો શરૂ કર્યા, સાથે તેના નાના ભાઇ-બહેનોને ભણાવવાની જવાબદારી પણ તે નિભાવવા લાગી. આમ માતાની મહેનત અને દીકરીઓની લગનીના કારણે આજે બન્ને દિકરીઓ જયશ્રી જેણે પીટીસી, બીએ સુધીનો તેમજ નિશા બી.એ. સુધીનો ઉચ્ચ અભ્યાસ કરીને પોલીસ ખાતામાં નિમણૂંક પામી ગઇ છે. 4 મહિનાની ટ્રેનીંગ પણ પૂર્ણ કરી ચૂકી છે. બન્ને દિકરીઓની પોલીસમાં ભરતી થતાં મગીબાઇ આજે ગર્વથી લોકોને કહે છે કે આ ખાખી વર્દીમાં છે એ બન્ને મારી દિકરીઓ છે.
સંતાનોને ભણાવવાનું મારા પતિનું સપનું સાકાર થયું: મગીબાઈ
પતિના અચાનક અવસાન પછી ઘર ચલાવવાની જવાબદારી મારા શીરે આવી ગઇ હતી, 4 પુત્રી અને એક 1 બાળકને ભણવામાં કોઇ કચાશ ન રહી જાય તેની સદાય મને ચિંતા કોરી ખાતી હતી. બાળકો શિક્ષીત થાય એ પતિનું સપનું હતું જે આજે સાકાર થયું છે. કયા ક્ષેત્રમાં જવું છે તે માટે કોઇ દિવસ પણ બાળકો પર દબાણ નથી કર્યું, મેં ભલે દિવસ રાત જોયા વગર કાળી મજૂરી કરી હોય, પણ હવે મારા માટે જાણે સુખનો સૂરજ ઉગ્યો હોય એવું લાગી રહ્યું છે.
બહેન જયશ્રી મા સમોવડી બનીને આજે મને કાબેલ બનાવી: નિશા
બી.એ. સુધીનો અભ્યાસ મેળવી ચૂકેલી વિધવા મગીબાઇની ત્રીજા નંબરની પુત્રી નિશા પણ મોટી બહેન સાથે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિમણૂક પામી છે અને અત્યારે ભુજ ખાતે ટ્રેઇનિંગ લઇ રહી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી દરમિયાન મોટી બહેન જયશ્રીએ ખૂબ સહકાર આપ્યો, શીખવ્યું. અને મોટી બહેન મા સમોવડી બની રહીને રહી. માતાએ મારા માટે કરેલા સંઘર્ષમાં બહેન પણ એટલી જ ભાગીદાર છે.
ડો. બી.આર. આંબેડકરને આદર્શ માનતા જયશ્રીબેન જણાવે છે કે અમને ભણાવવામાં માતાએ કોઇ કચાશ છોડી ન હતી. આટલી મોટી આફત આવી હોવા છતાં પણ માએ દિવસ રાત જોયા વગર માત્ર અમારા ભણતર વિશે ચિંતા કરી અમને ભણાવ્યા. પોલીસમાં કોન્સ્ટેબલ એ તો મારી સફળતાનું પ્રથમ પગથીયું છે તેમ કહેતા જયશ્રીબેન જણાવે છે કે લગ્ન થયા પછી મને પોલીસમાં નોકરી મળી, અત્યારે પાટણમાં ટ્રેનીંગ ચાલુ છેે, તેનો યશ હું મારી માતાની સાથે સાસરિયા અને પતિ નિખીલને પણ આપું છું. પતિ દ્વારા હંમેશાં સ્પર્ધાત્મક પરિક્ષા માટે પ્રોત્સાહન અપાતું રહ્યું છે. સાસરિયાંઓ પણ આ બાબતે મને ખૂબ જ પ્રેરકબળ પૂરું પાડ્યું છે. કોઇપણ પરિસ્થિતિમાં શિક્ષણ મેળવવું જ જોઇએ અને ખાસ કરીને દીકરીઓને. સ્ત્રી અબળ નહીં પરંતુ સબળા છે, જો કોઇ પણ દિકરી ભણીગણીને પગભર હશે તો આત્મસન્માન તેનામાં આપમેળે ઝળકી ઉઠશે, અને કોઇપણ ક્ષેત્રમાં કાઠુ કાઢશે તેમાં કોઇ બેમત નથી. અડધો રોટલો ખાઇને પણ દિકરીઓને શિક્ષણ અપાવવું જ જોઇએ તેવી પોતાની માતાની ભાવનાને ટાંકીને જયશ્રીએ અપીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..