અકસ્માતમાં પત્નીને ખોઈ દીધા બાદ આ ટ્રાફિક પોલીસ કર્મી રેપ સોન્ગ ગાઈને લોકોને રોડ સેફ્ટી માટે જાગૃત કરે છે, સાથે ફ્રીમાં હેલ્મેટ પણ આપે છે.

ટ્રાફિકના નિયમો અને હેલ્મેટ પહેરવાની જાગૃતતા ફેલાવવા માટે ટ્રાફિક પોલીસ નતનવા પ્રયોગો અપનાવે છે. દેશના ઘણા લોકો રોડ સેફ્ટીના નિયમોની અવગણના કરે છે અને દુર્ભાગ્યવશ અકસ્માતમાં મૃત્યુ પામે છે. હાલ સોશિયલ મીડિયા પર દિલ્હીના એક ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ સંદીપ શાહીનો રેપ સોન્ગ ગાતો વીડિયો ઘણો વાઇરલ થઈ રહ્યો છે. બોલિવૂડ એક્ટર રણવીર સિંહની ફિલ્મ ‘ગલી બોય’નું રેપ સોન્ગ ‘અપના ટાઈમ આયેગા’ પર તેણે લોકોને હેલ્મેટ પહેરવાનું અને રોડ સેફ્ટીના નિયમો કહેતું સોન્ગ બનાવ્યું છે. સંદીપ શાહી અત્યાર સુધી પોતાના ખર્ચે 700 હેલ્મેટ વહેંચી ચૂક્યો છે.

સંદીપના રેપ સોન્ગને ટ્વિટર સહિત બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના યુઝર્સ વખાણી રહ્યા છે.સંદીપે તૈયાર કરેલા સોન્ગના બોલ આ પ્રમાણે છે:

‘કૌન બોલા, હમસે ન હો પાયેગા, કૌન બોલા,

સડક કે, સુરક્ષા કે, હેલ્મેટમ ઔર સીટબેલ્ટ કે નિયમ અપનાયેગા,

તો જીવન ખુશહાલ બન જાયેગા,

બાત મેરી માન, સુરક્ષા કો જાન,

સુરક્ષા કો જાન, તું બાત મેરી માન,

નહીં તો તેરા ટાઈમ આયેગા.’

રોડ અકસ્માતમાં પત્નીનું મૃત્યુ

સંદીપ શાહીને આ કામ કરવા માટે તેની પત્નીએ પ્રેરણા આપી છે. થોડા વર્ષ પહેલાં રોડ અકસ્માતમાં તેની પત્નીનું મૃત્યુ થયું હતું.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત દરમિયાન તેણે કહ્યું કે, મારું સોન્ગ સોશિયલ મીડિયા પણ વાઇરલ થયું છે તે જાણીને હું ખુશ થયો છું. ઘણા લોકો રોડ સેફ્ટીના નિયમોની અવગણના કરે છે. મારી જવાબદારી છે કે, હું તે લોકોને ટ્રાફિકના નિયમો અને હેલ્મેટ પહેરવા માટે જાગૃત કરું. મારી પત્નીનાં મોત પછી હું ઘણો દુઃખી હતો. આજની યુવા પેઢીને સમજાય તે માટે મેં રેપ સોન્ગ તૈયાર કર્યું છે. દેશના દરેક લોકો ટ્રાફિક અને રોડ સેફ્ટીના નિયમોને ગંભીર રીતે લે તે માટે હું વિનંતી કરું છું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો