ડીસામાં રિક્ષાચાલકની અનોખી સેવા: 24 કલાકમાં ગમે ત્યારે કોઈ પણ ચાર્જ વગર સગર્ભાને ઘરેથી દવાખાને અને દવાખાનેથી ઘરે મૂકવાની સેવા કરે છે
બનાસકાંઠા જિલ્લાના ડીસાના એક રિક્ષાચાલકે સમગ્ર ડીસા વિસ્તારની સગર્ભા બહેનોને દવાખાને પહોંચાડવા કે દવાખાનેથી પરત ફરવા 24 કલાક અનોખી રિક્ષાસેવા શરૂ કરી છે. પોતાની સગર્ભા પત્નીને હોસ્પિટલ લઇ જતી વખતે વાહન મળ્યું ન હતું, જેને કારણે હોસ્પિટલ પહોંચવામાં મોડું થતાં બાળક ગુમાવ્યું હતું. પોતાની સાથે બનેલી આ દુઃખદ ઘટના અન્ય કોઇ સાથે ન બને એ માટે આ યુવકે સગર્ભા મહિલાઓને હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે પહોંચાડવા માટે ખાસ ફ્રી સેવા શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
24 કલાક સેવા માટે હાજર
બનાસકાંઠા જિલ્લાના ડીસાનો યુવક કોઈ ધનિક પરિવારનો નહીં, પરંતુ એક સામાન્ય પરિવારમાંથી આવતો યુવક છે, જેનું નામ છે સ્વરૂપભાઈ દયારામભાઈ માળી અને તે છેલ્લા દોઢ માસથી ડીસામાં રિક્ષાચાલકનો વ્યવસાય કરી રહ્યો છે. યુવક પોતાના રિક્ષાચાલકના વ્યવસાયની સાથે સાથે પોતાના કમાણીના સાધન દ્વારા જ 24 કલાકમાં ગમે ત્યારે સગર્ભા મહિલાઓને દવાખાને જવા કે દવાખાનેથી પરત ફરવા મુસાફરી માટેનાં સાધનોની જરુર પડે તો ફ્રી રિક્ષાસેવા આપી અનોખી સેવા કરી રહ્યો છે.
જે સગર્ભા સંપર્ક કરે તેને મદદ કરવા પહોંચી જાય છે
રિક્ષાચાલક સ્વરૂપભાઈએ પોતાની રિક્ષાની પાછળ ગર્ભવતી મહિલાઓ માટે ફ્રી સેવાનું પોસ્ટર લખી પોતાનો નંબર લખી દીધો છે, જેને લઈ કોઈપણ મહિલાને ડિલિવરી સમયે હોસ્પિટલ પહોંચવા કે હોસ્પિટલથી ઘરે પરત ફરતા સમયે સાધન ન મળે તો મહિલાઓ સ્વરૂપભાઈનો સંપર્ક કરી દે છે અને સ્વરૂપભાઇ પણ દોડીને સેવા માટે પહોંચી જાય છે.
વાહન ન મળતાં બાળક ગુમાવ્યું
રિક્ષાચાલક સ્વરૂપભાઇ એક વર્ષ અગાઉ ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. એ સમયે તેમની પત્ની ગર્ભવતી બની હતી.અને એ સમયે પત્નીને પ્રસૂતિની પીડા ઊપડતાં હોસ્પિટલે લઇ જવી હતી, પરંતુ મોડી રાત થઇ જતાં વિસ્તારમાં કોઈ જ સાધન મળ્યું નહીં. છેવટે દૂરથી સાધન શોધવા જતાં સાધન તો મળ્યું, પરંતુ હૉસ્પિટલે પહોંચ્યા અને મહિલાનું ચેકઅપ કર્યા બાદ તબીબે કહ્યું ” તમે થોડા મોડા પડ્યા, જેને કારણે તમારું બાળકનું મોત થઇ ગયું” છે, જે સાંભળીને જ પરિવારના માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
પોતાની સાથે બનેલી ઘટના બીજા સાથે ન બને એટલે સેવા શરૂ કરી
થોડા સમય પછી સ્વરૂપભાઈને વિચાર આવ્યો કે હું એક સામાન્ય સાધનની અછતથી મારા બાળકને તો બચાવી ન શક્યો, પરંતુ મારા અને મારી પત્ની સાથે બનેલી આવી ઘટના અન્ય કોઈ મહિલા સાથે ન બને એને લઈ સગર્ભા મહિલાઓને હોસ્પિટલે પહોંચાડવા કે હોસ્પિટલથી પરત ઘરે મોકલવા સાધનોની સુવિધા ઊભી કરવાનો વિચાર આવ્યો, પરંતુ આર્થિક પરિસ્થિતિને લઈ એમ્બ્યુલન્સ કે કોઈ વાહન વસાવી શક્યો નહીં, પરંતુ છેલ્લા દોઢ માસ અગાઉ પોતાના પિતા દ્વારા લોન લેવડાવી રિક્ષા ખરીદી અને પોતાનો વ્યવસાય બદલી રિક્ષાચાલકનો વ્યવસાય શરૂ કર્યો. રિક્ષાના વ્યવસાયની સાથે સાથે સગર્ભા મહિલાઓ માટે ફ્રી રિક્ષાસેવા શરૂ કરી દીધી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..