આ દીકરો 67 વર્ષીય માતાને સ્કૂટર પર બેસાડી ભારત ભ્રમણ કરાવી રહ્યો છે
કર્ણાટકમાં મા-દીકરો ભારત ફરવા માટે દુનિયાદારીની ચિંતા કર્યા વગર સ્કૂટર લઈને નીકળી પડ્યા છે. મૈસૂર ગામના રહેવાસી 40 વર્ષીય ડી. કૃષ્ણા તેની 67 વર્ષીય માતાને સ્કૂટર પર બેસાડીને આખા ભારતનું ભ્રમણ કરાવી રહ્યા છે. સોમવારે રાત્રે તેઓ સત્સંગ નગર 38,475 કિલોમીટરની યાત્રા કરીને સ્થાનિક લોકોને મળ્યા હતા.
ભારત દર્શન
ડી. કૃષ્ણાએ કહ્યું કે, ચાર વર્ષ પહેલાં મેં મારી માતાને એક મંદિર લઈ જવાની વાત કરી હતી. તો તેમણે કહ્યું કે, મેં વેલ્લોરનું શહેરનું મંદિર નથી જોયું, તો એવડાં મોટા મંદિરે શું જઈશ! મને ક્યારેય તારા પિતા ફરવા લઇ ગયા જ નથી. માતાની આ વાત પર મેં કહ્યું કે , પિતાએ ભલે તમને વેલ્લોર શહેર ન બતાવ્યું હોય, પણ હું તમને આખું ભારત બતાવીશ.
નોકરીને તિલાંજલિ
માતાને ભારત બતાવવા નીકળેલા પુત્ર કૃષ્ણાએ તેની કોર્પોરેટ ટીમ લીડરની નોકરીમાં પણ તિલાંજલિ આપી દીધી હતી. પિતાના જૂના સ્કૂટર પર જ તે તેની માતાને ભારત ભ્રમણ કરાવવા નીકળી પડ્યા છે.
દીકરાએ લગ્ન કર્યા નથી
કૃષ્ણાએ કહ્યું કે, મારી માતાને તેમના પતિ જ ફરવા લઇ ગયા છે, તેવું લાગે એટલા માટે તેમનું સ્કૂટર વાપર્યું છે. આ સ્કૂટરથી માતાને પિતાની કમી પણ ન લાગે અને તેમની હાજરી પણ જણાય. વધુમાં તેમણે કહ્યું કે, અમે સંયુક્ત કુટુંબમાં રહેતાં હતાં. 10 પરિવારજનોની જવાબદારીને લીધે મારા પિતા હંમેશાં વ્યસ્ત રહેતાં અને મારી માતાને ક્યાંય ફરવા લઈ જઈ શકતા નહીં. સંસારની મોહમાયાથી દૂર રહેવા માટે જ મેં લગ્ન કર્યા નથી. કૃષ્ણાની માતાએ જણાવ્યું જે, દીકરા સાથે ભારત ભ્રમણ કરી હું ખૂબ ખુશ છું.