કપાસમાં આંતર પાક પધ્ધતિ (Mix Farming) દ્વારા વધુ કમાણી

આંતર પાક પધ્ધતિ (mix farming) એટલે શું?

એકજ ખેતરમાં એકજ સમયે, એક થી વધારે પાકોને જુદી જુદી હારમાં જરૂરીયાત મુજબના અંતરે વ્યવસ્થિત આયોજન કરી પાકોનું વાવેતર કરવામાં આવે છે તેને આંતરપાક પધ્ધતિ (mix farming) તરીકે ઓળખવામાં આવે છે.

હાલનાં સમયમાં કે જેમાં ખેડૂત દીઠ જમીનનો એકમનાનો થઈ ગયેલ છે તેમજ સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં કે જયાં ઘણો ઓછો અને વધુ અનિયતિ વરસાદ પડે છે ત્યારે આવા નાના એકમમાં એકજ પાક વાવવાથી ઘણી વખત સફળતાપૂર્વક ધારેલુ ઉત્પાદન તથા વળતર મળતાં નથી કારણકે જો લાંબા ગાળાનો એકજ પાક લીધેલ હોય અને પાછળના ભાગે વરસાદની ખેંચ અનુભવે તેમજ ટૂંકાગાળાનો પાક લીધો હોય અને પાછળથી વધારે વરસાદ પડે તો ધારેલું ઉત્પાદન મળતું નથી. આમ, આવા ભયસ્થાનોથી બચવા અને આકાશી ખેતીમાં સફળતા પૂર્વક એકસાથેલાંબા ગાળાનાં તેમજ ટુંકાગાળાનાં પાકોનું આંતર પાક પધ્ધતિ મુજબ વાવેતર કરવાથી પાક નિષ્ફળ જવાનો ભય નિવારી શકાય છે. આમ આંતર પાક પધ્ધતિ પણ સુધારેલી ખેતી પધ્ધતિ ધ્વારા સંશોધિત કરેલ સફળ પાક ઉત્પાદન માટેની વાવેતર ગોઠવણીની પધ્ધતિ છે.

આંતર પાક પધ્ધતિના ફાયદા

  • એકમ વિસ્તારમાંથી એક જ સમયમાં વધુ ઉત્પાદન લઈ શકાય છે.
  • વરસાદ આધારીત ખેતીમાં અછત સમયે પાકનિષ્ફળનું જોખમ ઘટાડી શકાય છે.જયારે પિયત ખેતીમાં પહોળાં અંતરે વાવેતર કરેલ પાકોમાં શરૂઆતની ધીમી વૃધ્ધિ દરમ્યાન ટુંકાગાળાના આંતરપાક લઈ જમીન, ખાતર, પાણી અને મજૂરોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે.
  • બે કે વધુ પાકો ખેતરમાં જુદા જુદા વાવવા કરતાં સાથે હારમાં વવાતાં હોવાથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે.
  • કઠોળ પાકોની આંતરપાકમાં સમાવેશ કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે.
  • આંતરપાક પધ્ધતિમાં છીછરા અને ઉંડા મુળ વાળા પાકોનું વાવેતર કરવાથી જમીનમાં જુદા જુદા સ્તરમાં રહેલ ફળદ્રુપતાનો લાભ પાકને મળી રહે છે.
  • વર્ષ દરમ્યાન ખેડૂત પોતાની જીવન જરૂરીયાત માટે સમતોલ આહાર, શાકભાજી, ફળફળાદી તેમજ પશુઓનો ઘાસચારો મેળવી શકે છે.
  • આંતરપાક પધ્ધતિમાં અમુક પાકો જમીન ઉપર પથરાતા હોવાથી ખેતર લાંબો સમય ઢંકાયેલું રહે છે જેથી પવન અને પાણી વડે થતું જમીનનું ધોવાણ અને ભેજ ઉડી જતો અટકાવી શકાય છે.
  • વરસો વરસ એક જ પાકનું વાવેતર કરવાથી રોગ, જીવાત અને નિંદણોના તેમજ જમીનની તંદુરસ્તીના પ્રશ્નો ઉદભવે છે જે આંતરપાક પધ્ધતિ અપનાવવાથી અમુક અંશે નિવારી શકાય છે.
  • આંતરપાક પધ્ધતિથી આખા વર્ષ દરમ્યાન જુદા જુદા સમયે જુદા જુદા પાકોના ઉત્પાદનમાંથી સમયાંતરે થોડી થોડી આવક મેળવી શકાય છે.
  • રોગ, જીવાત, નિંદામણ અને પ્રાણીઓ દ્વારા ઉત્પાદન માં થતો ઘટાડો ઓછો કરી શકાય છે.
  • આંતરપાક પધ્ધતિથી પાક ફેરબદલીના બધા જ ફાયદાઓ મેળવી શકાય છે.

આંતરપાક પધ્ધતિની મર્યાદાઓ

આંતરપાક પધ્ધતિના ઘણા જ ફાયદાઓ હોવા છતાં તેની પણ કેટલીક મર્યાદાઓ છે. જેના કારણે ખેડૂતો ઘણીવાર આંતરપાક પધ્ધતિ અપનાવી શકતા નથી.

  • કાપણી વખતે પાક મિશ્ર થવાનો સંભવ રહે છે.
  • જયાં ખેતીનું સંપૂર્ણ યાંત્રિકરણ થયેલુ હોય ત્યાં આંતરપાક ખેતીના કાર્યોમાં અડચણ પેદા કરે છે.
  • બીજ ઉત્પાદન કાર્યક્રમમાં આંતરપાકથી બીજની ભૌતિક શુધ્ધતા જળવાતી નથી.
  • અમુક રોગ જીવાતોને ટકી રહેવા માટે અનુકુળ વાતાવરણ અને ખોરાક મળી રહે છે.

આંતરપાકની પસંદગી વખતે ધ્યાનમાં રાખવાના મુદાઓ

આપણે જયારે આંતરપાક પધ્ધતિ માટે જુદા જુદા આંતરપાકોની પસંદગી કરીએ ત્યારે નીચેના મુદાઓ ધ્યાનમાં રાખવા જોઈએ જેનાથી જમીન, ભેજ અને પોષક તત્વોનો પૂરેપુરો ઉપયોગ થઈ શકે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે.

  • આંતરપાકનો જીવનકાળ મુખ્ય પાકના આયુષ્ય કરતાં વધારે અથવા ઓછો હોવો જોઈએ. એટલે કે પસંદ કરેલ પાકો પૈકી અમુક પાકો લાંબા ગાળાના અને અમુક પાકો ટુંકા ગાળાના હોવા જોઈએ.
  • સામાન્ય અને છીછરા મૂળ કરતાં ઉંડા મૂળવાળા પાકો પસંદ કરવા જોઈએ.
  • આંતરપાકની સ્કૂરણ શકિત અને શરૂઆતનો વૃધ્ધિ દર ઝડપી હોવો જોઈએ જેથી નિંદામણને અવરોધી શકે.
  • આંતરપાક મુખ્ય પાકની વૃધ્ધિને અવરોધ કરતો ન હોવો જોઈએ.
  • આંતર પાક તરીકે મોટાભાગે ઓછી ડાળીઓ અને ઓછો ઘેરાવો ધરાવતી જાતો પસંદ કરવી જોઈએ.
  • ધાન્ય વર્ગ સાથે કઠોળ વર્ગના પાકો લેવા જોઈએ.
  • આંતરપાકની પાણી તથા પોષક તત્વોની જરૂરીયાત ઓછી હોય તેવા પાકો પસંદ કરવા જોઈએ.
  • ટુંકા ગાળાના પાકોની કાપણી સરળતાથી કરી શકાય તેવા હોવા જોઈએ.

સંશોધન આધારીત ભલામણો

કપાસએ લાંબા ગાળાનો પાક તથા શરૂઆતની વૃધ્ધિ ધીમી હોવાથી અને પહોળા અંતરે વવાતો હોય તેમાં આંતરપાક લેવો ધણો ફાયદાકારક છે.

દક્ષિણ ગુજરાત વિસ્તાર

  • પિયત કપાસ (ગુજરાત કપાસ સંકર-૬)ની ૧૨૦ સે.મી.નાં અંતરે વાવેલ બે હાર વચ્ચે સોયાબીન (ગુજરાત સોયાબીન- ૧) અથવા અડદ (ઝાન્ડેવાલ) અથવા મગ (ગુજરાત મગ-૨) ની એક હાર વાવવાની ભલામણ છે.
  • બીન પિયત કપાસ (ગુજરાત કપાસ -૧૧)ની બે હાર વચ્ચે અડદ અથવા મગની બે હાર વાવવાની ભલામણ છે.

ઉત્તર ગુજરાત વિસ્તાર

  • કપાસ (ગુજરાત કપાસ -૧૦) ની જોડ હાર (૬૦-૧૨૦ સે.મી.) માં મગફળી (જુનાગઢ-૧૧) ને આંતર પાક તરીકે લેવાની ભલામણ છે.
  • કપાસ (વી-૭૯૭) ની જોડ હાર (૭-૧૨૦ સે.મી.) માં મગ (ગુજરાત મગ-૨) ને આંતર પાક તરીકે લેવાની ભલામણ છે.

દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તાર

  • બિન પિયત કપાસ સી. જે. ૭૩ સાથે મગ, અડદ અથવા મગફળીની આંતરપાક પધ્ધતી અપનાવવાની ભલામણ છે. દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના પિયત બીટી કપાસનું વાવેતર કરતા ખેડુતોને ભલામણ કરવામાં આવે છે કે વધારે વળતર તથા નફા ખર્ચનો વધુ ગુણોતર મેળવવા માટે બીટી કપાસ બાદ તલ અથવા મગફળી ઉભડીનું વાવેતર કરવું.
  • બીટી કપાસ પાક પધ્ધતિ (૨૦૧૧): દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના બીટી કપાસનું વાવેતર કરતા ખેડુતોને ભલામણ કરવામાં આવે છે કે વધારે વળતર મેળવવા માટે બીટી કપાસ બાદ ઉનાળુ તલ અથવા ઉભડી મગફળીનું વાવેતર કરવું

ઉતર સૌરાષ્ટ્ર વિસ્તાર

  • સુકી ખેતી પરિસ્થિતીમા કપાસ + તલ (૧.૧) આંતરપાક પધ્ધતિ: ઉતર સૌરાષ્ટ્ર ખેતી આબોહવાકીય વિભાગમાં વરસાદ આધારીત કપાસમતલ (૧.૧) આંતરપાક પધ્ધતિ અપનાવતા ખેડુતોને ભલામણ કરવામાં આવે છે કે કપાસના પાકને ૪૦ કીલો નાઈટ્રોજન/હેકટર અને તલના પાકને ર૫ કિલો નાઈટ્રોજન/હેકટર તેમજ ૧૨.૫ કીલો ફોસફરસ/હેકટર આપવાથી ફકત કપાસની સરખામણીમાંવધુ ઉત્પાદન અને વધારે ચોઓનફો મળે છે.
  • ઉતર સૌરાષ્ટ્ર ખેતી આબોહવાકીય વિભાગમાં વરસાદ આધારીત કપાસના પાકને ૮૦ કીલો નાઈટ્રોજન/હેકટર અને તલના પાકને ૨૫ કીલો નાઈટ્રોજન/હેકટર તેમજ ૧૨૫ કીલો ફોસફરસ/હેકટર આપવાથી ફક્ત કપાસની સરખામણીમા વધુ ઉત્પાદન અને વધારે ચોખ્ખો નફો મળેછે.

કપાસ અને તલની આંતરપાક પધ્ધતિ

ઉતર સૌરાષ્ટ્ર ખેતી આબોહવાકીય વિભાગમાં ચોમાસુ ઋતુમાં બે હાર વચ્ચે ૧૨૦ સે.મી.અંતર રાખી જી.કોટ સંકર-૮ બિન પિયત પાક તરીકે ઉગાડતા ખેડુતોને વધુ ચોખ્ખી આવક મેળવવા કપાસની બે હાર વચ્ચે એક હાર તલની વાવવાની ભલામણ કરવામાં આવે છે.

ઉતર સૌરાષ્ટ્ર ખેતી આબોહવાકીય વિભાગમાં તલ આધારીત આંતરપાક પધ્ધતિ અપનાવતા ખેડુતોને વધુ ઉત્પાદન અને વધુ ચોખ્ખું વળતર મેળવવા તલ+સંકર કપાસ (૩૧) ૧૦૦% ભલામણ કરેલ રાસાયણીક ખાતર મુખ્ય અને ગૌણ પાકને વિસ્તાર પ્રમાણે આપવાની ભલામણ છે.

સંદર્ભ : જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો