ખૂબ જ પૌષ્ટિક અને શક્તિવર્ધક હોય છે ચારોળી, સેવન કરવાથી દૂર થસશે આટલી સમસ્યાઓ જાણો અને શેર કરો
આપણે ત્યાં જે ઘરોમાં દૂધપાક બનતો હશે તેઓ ‘ચારોળી’થી પરિચિત હશે. દૂધપાક બનાવતી વખતે આ ચારોળી અચૂકથી નાંખવામાં આવે છે. એ સિવાય દૂધ, દૂધની વાનગીઓ અને દૂધની મીઠાઈઓ પણ ચારોળી ખૂબ વપરાય છે. આયુર્વેદમાં તેને પ્રિયાલ, ચાર, બહુલવલ્કલ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. આ વખતે આ ચારોળીનાં ઔષધિય ગુણકર્મો અને ઉપયોગો વિષે આયુર્વેદની દૃષ્ટિએ થોડું જાણીએ.
ગુણકર્મો
ચારોળીનાં મધ્યમ મોટા વૃક્ષો ભારતનાં સૂકા પ્રદેશો, હિમાલય, મધ્ય અને દક્ષિણ ભારત, ઓરિસ્સા તથા છોટા નાગપુરનાં પહાડોમાં ૩૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી જોવા મળે છે. આ વૃક્ષોને નાના નાના ફળો આવે છે. જેમાં તુવેર જેવડા લાલ રંગના દાણા હોય છે. આ દાણાને જ ચારોળી તરીકે ઓળખવામાં આવે છે. બદામની જેમ તેમાંથી તેલ પણ નીકળે છે.
આયુર્વેદ પ્રમાણે ચારોળી સ્વાદમાં મધુર, શીતળ, પચવામાં ભારે, ચીકાશયુક્ત, વાત અને પિત્તશામક, ત્વચાનાં વર્ણને સુધારનાર, હૃદય માટે હિતકારી, કામશક્તિવર્ધક, બળપ્રદ, દાહશામક, રક્તવૃદ્ધિ અને શુદ્ધિકર છે. તે વાયુના રોગો, રક્તનાં રોગો, શીર-શૂળ, શુક્રાણુંઓની દુર્બળતા, હૃદયની નબળાઈ, ઉદર્દ (ચામડીનો એક રોગ), સોજા અને જૂના તાવને મટાડનાર છે. ચારોળીનું તેલ મધુર, થોડું ગરમ, કફ કારનાર અને વાત-પિત્તાશામક છે.
રાસાયણિક દ્રષ્ટિએ ચારોળીમાં પ્રોટીન ૨૧.૬%, સ્ટાર્ચ ૧૨.૧% તથા કાર્બોહાઈડ્રેટ ૫% હોય છે. તેમાં ૫૧.૮% સ્થિર તેલ હોય છે. જેને ચારોળીનું તેલ કહે છે.
ઉપયોગો
આયુર્વેદના મર્હિષ સુશ્રુતે ચારોળીને પૌષ્ટિક અને કામશક્તિવર્ધક કહી છે. નબળાઈ જણાતી હોય તેમણે ચારોળીનાં દસ દાણા અને એક ચમચી અશ્વગંધાનું ચૂર્ણ લઈ વાટી લેવા. એક ગ્લાસ દૂધમાં એક ગ્લાસ પાણી મેળવી તેમાં આ વાટેલું મિશ્રણ ઉમેરીને ધીમા તાપે ઉકાળવું. ઉકળતા ફક્ત દૂધનો ભાગ બાકી રહે ત્યારે ઉતારી. ઠંડુ પાડી, સાકર મેળવીને પી જવું. આ રીતે સવાર-સાંજ દૂધ બનાવીને ત્રણેક મહીનાં સુધી પીવાથી કામશિથિલતા દૂર થઈ શક્તિ આવે છે.
શરીરનાં કોઈપણ માર્ગથી રક્તસ્રાવ થતો હોય તેમાં ચારોળીનું સેવન લાભદાયક છે. ચારોળી મધુર અને પિત્તશામક હોવાથી રક્તસ્રાવને મટાડે છે. રક્તસ્રાવમાં પાંચ પાંચ ગ્રામ ચારોળી અને જેઠીમધનું ચૂર્ણ લઈ વાટી લેવું.એક ગ્લાસ દૂધમાં એટલું જ પાણી અને આ મિશ્રણ મેળવીને ઉપર મુજબ પાક કરી લેવો. ઠંડુ પાડી સાકર ઉમેરી આ દૂધ પી જવું. આ પ્રમાણે સવાર-સાંજ બે વખત કરવું. આહારમાં તીખા અને ગરમ પદાર્થો ન લેવા. આ ઉપચારથી શરીરનાં ઉપર કે નીચેના માર્ગોથી રક્તસ્રાવ થતો હોય તે મટે છે.
આયુર્વેદનાં મર્હિષ ચરકે ચારોળીને ઉદર્દનું શમન કરનાર કહી છે. ઉદર્દ એક ચામડીનો રોગ છે. જેમાં ચામડી પર નાના નાના ચકામા થાય છે. જે વચ્ચેથી દબાયેલા અને કિનારી પર ઉપસેલા હોય છે. ખંજવાળ પણ ખૂબ આવે છે. સાંજે-રાત્રે આ ચકામા તથા ખંજવાળમાં વધારો થાય છે. આ રોગમાં ચારોળીને પાણીમાં વાટી તેનો ચકામા પર લેપ કરવાથી ચકામા બેસી જાય છે. ખંજવાળમાં પણ રાહત થાય છે.
લક્વા અને અન્ય વાયુના રોગોમાં ચારોળી હિતકારી છે. ચારોળી, ચિલગોજા અને પિસ્તા સરખા વજને લાવીને એક સાથે પીસીને તેમાં મધ મેળવી લેવું. લક્વા કે વાયુથી રોગોથી પીડાતી વ્યક્તિને એકથી બેચમચી આ મિશ્રણ ગાયના દૂધ સાથે આપવું. સાથે લક્વા-વાયુ માટે અન્ય ઔષધો પણ આપવા. સારો લાભ થશે.
મર્હિષ ચરકે ચારોળીને શ્રમ- થાકનાશક પણ કહી છે. ચારોળી મધુર હોવાથી શક્તિ આપનાર તથા ધાતુઓની પુષ્ટી કરનાર છે. થાકીને આવ્યા હોય ત્યારે એક ગ્લાસ દૂધમાં ચારોળી અને સાકર મેળવી, ઉકાળી, ઠંડુ પાડીને પીવાથી થાક દૂર થાય છે. આ ઉપચાર પ્રયોગ શક્તિ અને ર્સ્ફૂિત આપનારો છે.
સૌજન્ય : વૈદ્ય પ્રશાંત ગૌદાની
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..