વડોદરામાં બૂટલેગરનો વીડિયો વાઇરલ: મારે ત્યાં બિન્દાસ દારૂ લેવા આવો, તમને કોઈ નહીં પકડે, PIનો પણ 50% ભાગ છે, પોલીસમાં ખળભળાટ

વડોદરાના કારેલીબાગ બાળ રિમાન્ડ હોમ પાછળ વિશ્વામિત્રી નદીના કચરામાં નામચીન બૂટલેગર હુસૈન સિંધીએ છુપાવેલી દારૂની બોટલો પોલીસે જપ્ત કરી હતી અને તેને વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી હતી. પોતાનો દારૂ પકડાતાં સમસમી ઊઠેલા હુસેને પોલીસ પર આરોપ લગાવ્યા હતા કે ‘મારે ત્યાં બિનધાસ્ત દારૂ લેવા આવો, તમને કોઈ નહીં પકડે, પીઆઇની પણ 50 ટકા ભાગીદારી છે, તમને હોમ ડિલિવરી પણ મળશે’

ધરપકડથી બચવા પોલીસ સામે ખોટા આક્ષેપો કર્યાં છેઃપીઆઇ
કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એન. મહીડાએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં હુસૈનને ત્યાં પોલીસે દરોડો પાડ્યો હતો. વિદેશી દારૂની 29 બોટલ પકડી પાડી હતી અને આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસ ધરપકડથી બચવા માટે હુસૈન પોલીસ સામે ખોટા આક્ષેપો મૂકી રહ્યો છે, જેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

પોતાનો દારૂ પકડાતાં હુસૈને વીડિયો બનાવી વાઇરલ કર્યો
પોલીસને બાતમી મળી હતી કે બાળ રિમાન્ડ હોમ પાછળ રહેતો નામચીન હુસૈન કાદરમિયા સુન્ની તેના ઘેર આવ્યો છે અને તેણે વિશ્વામિત્રીના કચરામાં દારૂની બોટલો છુપાવેલી છે, જેથી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસના દરોડામાં દારૂની 29 બોટલ મળી આવી હતી. જોકે હુસૈન સિંધી ફરાર થઇ જતાં પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ આદરી હતી. બીજી તરફ પોતાનો દારૂ પકડાતાં ટ્રેનની સીટ પર બેસીને હુસૈને વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો, જેમાં તેને ત્યાં દારૂ મળશે અને દારૂની હોમ ડિલિવરી પણ થશે એમ જણાવી પોલીસ પોતાની સાથે હોવાનું જણાવી આરોપ લગાવ્યો હતો.

તમને જે જોઇએ એની હોમ ડિલિવરી મળશે
બૂટલેગરે હુસૈન સિંધી વાઇરલ વીડિયોમાં કરે છે કે પંકજભાઇ, પીઆઇ સાહેબ, વનરાજભાઇ, તરુણભાઇ, મનોજભાઇ કહાર અને ચંદુભાઇ અને અમે ત્રણ લોકોએ મળીને દારૂનો ધંધો ચાલુ કર્યો છે. મારી દારૂની પેટીઓ પકડાઇ છે. આ અમે પોલીસને સામે ચાલીને કામ આપ્યાં છે. તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. તમે મારે ત્યાં બિનધાસ્ત દારૂ લેવા આવો. તમને જે જોઈએ તેની હોમ ડિલિવરી પણ મળશે.

પોલીસ મારી સાથે છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી
વધુમાં વીડિયોમાં બૂટલેગર કહે છે, મારા મોબાઇલ પર ફોન કરો, તમને હોમ ડિલિવરી મળશે. પોલીસ મારી સાથે જ છે. મારે કોઇ ટેન્શન લેવાની જરૂર નથી અને તમારે પણ ટેન્શન લેવાની જરૂર નથી. તમે બિનધાસ્ત મારે ત્યાં દારૂ લેવા આવો. હું હાલ નવા યાર્ડમાં ટ્રેનની અંદર બેઠેલો છું. પોલીસે મને એવું કહ્યું છે કે તું જે કરે એ છપ્પરમાં કરજે. બહુ જાહેરમાં થવાની જરૂર નથી.

પીઆઇ સાહેબે પરમિશન આપી જ દીધી છે
બૂટલેગરે આરોપ લગાવતાં જણાવ્યું હતું કે હું આ વીડિયો એટલે અપલોડ કરું છુે કે હું પોલીસને કામ આપી આપીને થાકી ગયો છું. પોલીસ મને હજી કહે છે કે તું 50-100 કેસ તારા નામ પર કરાવી લે. પછી અમે તને મોટી પરમિશન આપી દઇએ છીએ. પીઆઇ સાહેબે પરમિશન આપી જ દીધી છે. તમને કોઇ ટેન્શન લેવાની જરૂર નથી. મનોજભાઇ, ચંદુભાઇ અને હુસૈનભાઇ, મારું નામ હુસૈનભાઇ છે. અમે ત્રણ જણાએ સંપ કરી લીધો છે. ત્રણ લોકોએ ખુલ્લેઆમ ભાગમાં ધંધો ચાલુ કરી દીધો છે, જેમાં પંકજભાઇ અને પીઆઇ સાહેબ પૂરેપૂરા ભાગમાં છે 50 ટકામાં. તમે બિનધાસ્ત મારે ત્યાં દારૂ લેવા આવો. તમને કોઈ પકડે નહીં. આ હુસૈનનો દાવો છે.

વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી
ઉલ્લેખનીય છે કે દારૂ પકડાતાં બૂટલેગરો દ્વારા પોલીસ પર ભાગીદારી, હપતાબાજી, માર મારવા જેવા આક્ષેપ કરતા હોય છે, જેમાં વોન્ટેડ બૂટલેગર હુસૈને કારેલીબાગ પોલીસ પર આક્ષેપ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરતાં ચકચાર મચી ગઈ છે, જોકે પોલીસ તંત્ર માટે હાથના કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો