બે વર્ષથી પેન્શન માટે ધક્કા ખાતી આ વૃદ્ધાની સમસ્યા સાંભળવા તેની સાથે જમીન પર જ બેસી ગયા કલેક્ટર, તાત્કાલિક કરી આપ્યું કામ.
સરકારી ઓફિસોમાં કોઈ કામ માટે કેવા ધક્કા ખાવા પડે છે તેનો અનુભવ ઘણા લોકોને થયો હશે. જોકે, ટોચના અધિકારી લોકોની વ્યથા સાંભળવામાં અંગત રસ લે તો કેટલા ઝડપથી પ્રજાના કામો થઈ શકે તેનું ઉદાહરણ તેલંગાણાના ભૂપાલપલ્લી જિલ્લામાં ફરજ બજાવતા કલેક્ટર અબ્દુલ અઝીમે પૂરું પાડ્યું છે.
ભૂપાલપલ્લી જિલ્લા કલેક્ટર ઓફિસમાં એક આદિવાસી મહિલા છેલ્લા બે વર્ષથી પોતાના હક્કનું પેન્શન લેવા માટે ધક્કા ખાતી હતી. એક ગામડામાંથી આવતી અઝમીરા મંગમ્મા નામની આ મહિલા ભણેલી નહોતી, જેથી કાયદા અને નિયમના આટાપાટા પણ નહોતી સમજી શકતી. બે વર્ષથી ધક્કા ખાઈને કંટાળેલા આ વૃદ્ધા બુધવારે કલેક્ટર ઓફિસના પગથીયે બેઠા હતા ત્યારે એક વ્યક્તિ તેમની પાસે આવીને બેસી ગયા હતા અને વૃદ્ધાને કેમ અહીં બેઠા છો તેમ પૂછ્યું હતું.
મંગમ્માને ખબર નહોતી કે જે વ્યક્તિ તેની બાજુમાં બેઠા છે તે બીજા કોઈ નહીં, પરંતુ કલેક્ટર છે. વૃદ્ધાએ કલેક્ટરને ફરિયાદ કરી હતી કે તે બે વર્ષથી પોતાનું પેન્શન લેવા માટે ધક્કા ખાઈ રહી છે, પરંતુ અહીં કોઈ તેનું સાંભળતું નથી. તેણે પોતાની બાજુમાં બેઠેલા વ્યક્તિને મદદ કરવા માટે પણ વિનંતી કરી હતી.
આ ઉંમરે પોતાના હક્કનું પેન્શન લેવા વૃદ્ધા બે વર્ષથી ધક્કા ખાઈ રહી છે તે જાણી કલેક્ટર પણ ચોંકી ગયા હતા. તેમણે તાત્કાલિક સંબંધિત વિભાગના અધિકારીને બોલાવીને વૃદ્ધાની પેન્શનની ફાઈલ ક્લિયર કરવા માટે આદેશ આપ્યો હતો.
કલેક્ટર અબ્દુલ અઝીમે દાખવેલી માનવતાની હાલ સમગ્ર તેલંગાણા રાજ્યમાં ચર્ચા થઈ રહી છે. લોકો કહી રહ્યા છે કે જો આ રીતે જ દરેક સરકારી અધિકારી કામ કરે તો સામાન્ય પ્રજાને પોતાના કામ માટે ધક્કા ના ખાવા પડે, અને વહીવટી તંત્ર તેમજ સરકાર પ્રત્યે પ્રજાનો ભરોસો પણ વધે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..