ગભરાયા વિના જો ચાલાકીથી કામ લેવામાં આવે તો મોતને પણ મહાત આપી શકાય છે
કોઈ રાજ્યમાં માણિક નામનો વ્યક્તિ રહેતો હતો જે પોતાની એક ખાસ વાત માટે આખા શહેરમાં બદનામ હતો. તેના વિશે આખા શહેરમાં આ વાત ફેલાયેલી હતી કે જે પણ સવારે માણિકનો ચહેરો જોઇ લે તેને આખો દિવસ ભોજન નસીબ નથી થતું. લોકો તેને અપશુકનિયાળ માનીને તેનાથી બચવાના પ્રયાસ કરતા. પરંતુ માણિક ખૂબ ચાલાક અને બુદ્ધિમાન પણ હતો. એટલે લોકો આ અંધવિશ્વાસને નજરઅંદાજ કરતા હતા.
આ વાત ફેલતા-ફેલતા નગરના રાજા સુધી પણ પહોંચી ગઈ. રાજાએ પોતાના એક મંત્રીને કહ્યુ કે શું ખરેખર આ વાત સાચી છે કે જે પણ સવારે માણિકનો ચહેરો જોઇ લે તેને આખો દિવસ ભોજન નસીબ નથી થતું? મંત્રીએ કહ્યુ ના મહારાજ, આ બધુ અંધવિશ્વાસ છે, લોકો પોતાની ભૂલોથી ભોજનથી દૂર રહે છે અને દોષ માણિકને આપે છે. માણિક ચાલાક અને બુદ્ધિમાન વ્યક્તિ છે. આપણે તેનું અપમાન ન કરવું જોઈએ.
પરંતુ, રાજાની જિજ્ઞાસા શાંત ન થઈ. તેમણે કહ્યુ તે સ્વયં આ જોવા ઈચ્છે છે કે લોકોની વાતમાં કેટલી સત્યતા છે. તેમણે માણિકને પોતાના મહેલ બોલાવ્યો. તેની ખૂબ ખાતરદારી કરી. રાતના તેણે મહેલમાં જ રોકાવા કહ્યુ. સવાર થતા જ રાજા માણિકને મળવા પહોંચ્યા. તેને મળ્યા પછી તે દરબારના કામમાં લાગી ગયા. તે દિવસ કામ થોડું વધારે હતુ એટલે સાંજ સુધી તેમને ભોજન કરવાનો સમય પણ ન મળ્યો. રાજાને વિશ્વાસ થઈ ગયો કે માણિક ખરેખર અપશુકનિયાળ છે. તેનો ચહેરો જોયા પછી સ્વયં રાજાને પણ ભોજન નસીબ ન થયુ.
રાજાએ તરત સિપાહીઓને બોલાવ્યા અને કહ્યુ માણિકને તરત ફાંસી પર ચઢાવી દો. આવો વ્યક્તિ શહેરમાં રહેશે તો કેટલાય લોકોને રોજ ભૂખ્યા જ સૂવું પડશે. સૈનિક તેને પકડીને લઈ ગયા. માણિક ગભરાયો નહીં, તે શાંતિથી સૈનિકો સાથે જતો રહ્યો. જ્યારે સૈનિક માણિકને ફાંસી પર ચઢાવવા માટે લઈ જઈ રહ્યા હતા, ત્યારે તેનાથી સૈનિકોએ પૂછ્યુ કે તારી છેલ્લી ઈચ્છા શું છે?
માણિકે કહ્યુ મારી છેલ્લી ઈચ્છા છે કે મારો એક સંદેશ રાજા સુધી પહોંચાડી દેવામાં આવે અને તેમનો જવાબ શું છે તે મને જણાવવામાં આવે. તેના પછી મને ફાંસી પર ચઢાવી દો. સૈનિકોએ પૂછ્યુ કેવો સંદેશ આપવો છે મહારાજને. માણિકે કહ્યુ કે તમે મહારાજને કહો કે હું ખરેખર અપશુકનિયાળ છું, જે સવાર-સવારમાં મારો ચહેરો જોઇ લે, તેને આખો દિવસ ભોજન નસીબ નથી થતું પરંતુ મારા કરતા વધુ અપશુકનિયાળ તો મહારાજ છે, મેં સવારે તેમનો ચહેરો જોયો અને સાંજે મને ફાંસી પર ચઢાવવામાં આવી રહ્યો છે.
સૈનિકોએ રાજાને માણિકનો આ સંદેશ સંભળાવ્યો. રાજાને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેમણે માણિકની ફાંસી અટકાવી દીધી અને તેને દરબારમાં બોલાવ્યો. તેને સન્માનિત કર્યો અને ચાલાકી માટે ઇનામ પણ આપ્યું.
કહાણીનો બોધપાઠ
મુશ્કેલીમાં પણ શાંત મગજ અને ચાલાકીથી કામ કરવામાં આવે તો કોઈ પણ મોટી મુશ્કેલીથી સરળતાથી નીકળી શકાય છે. લોકોના મહેણાં અને અંધવિશ્વાસને નજરઅંદાજ કરો. તમારી યોગ્યતા પર વિશ્વાસ રાખો.