અહીંયા ખૂલ્યું દેશનું પ્રથમ ગાર્બેજ કાફે, 1 કિલો પ્લાસ્ટિકના કચરા સામે મળશે એક ટાઈમનું ભોજન
પ્લાસ્ટિક પર્યાવરણ માટે કેટલું ઘાતક છે તે સૌ કોઈને ખબર છે. દેશભરમાં રોજ હજારો ટન પ્લાસ્ટિકનો કચરો ઠલવાઈ રહ્યો છે. ઘણા લોકો આ વેસ્ટ કચરાને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. છત્તીસગઢમાં અંબિકાપુર શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશને પ્લાસ્ટિકના કચરાને એકત્રિત કરાવવા અનોખો જુગાડ શોધી લીધો છે. અંબિકાપુરમાં દેશનું પ્રથમ ગાર્બેજ કાફે શરુ કરવામાં આવ્યું છે. આ કાફેમાં બેઘર લોકોને કચરાના બદલામાં મફત જમવાનું આપવામાં આવે છે.
દેશનું બીજા નંબરનું સ્વચ્છ શહેર છે
કાફેના નિયમ પ્રમાણે, 1 કિલો કચરો એકત્રિત કરનાર વ્યક્તિને એક ટાઈમનું ભોજન મફત અને 500 ગ્રામ કચરો લાવનારને નાસ્તો મફત આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અંબિકાપુર ઇન્દોર શહેર પછી દેશનું બીજા નંબરનું સ્વચ્છ શહેર છે.
#SwachhIndia | Chhattisgarh’s Ambikapur introduces Garbage Café, to provide food to the poor and homeless for free of cost in return of plastic or wastehttps://t.co/rP95IGHiol pic.twitter.com/MPV8blGjGP
— Banega Swachh India (@swachhindia) July 19, 2019
શહેરમાં પ્લાસ્ટિકનો રોડ બનાવવા આવ્યો છે
અંબિકાપુર શહેરમાં વેસ્ટ પ્લાસ્ટિકમાંથી રોડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શહેરમાં પ્રથમ પ્લાસ્ટિકનો રોડ બનાવવા માટે આશરે 8 લાખ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કર્યો હતો. પ્લાસ્ટિક અને ડામરનું મિશ્રણ કરીને રોડ બનાવવામાં કોર્પોરેશનને સફળતા મળી હતી.
પ્લાસ્ટિક બેગના ઉપયોગ પર પ્રતિબંધ
અંબિકાપુર શહેરના મેયર અજય તિરકેએ કહ્યું કે, ગાર્બેજ કાફેને શરૂઆતમાં સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ શહેરને કચરામુક્ત કરવાના અભિયાનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર મફત ભોજન જ નહીં, પણ ગરીબ અને બેઘર લોકોને રહેવા માટે આશરો પણ આપી રહી છે. ગાર્બેજ કાફેની સ્કીમ સ્વચ્છતા અભિયાનનો જ એક ભાગ છે. શહેરમાં પ્લાસ્ટિક બેગના ઉપયોગ પર અમે ક્યારનો પ્રતિબંધ મૂક્યો છે. ગાર્બેજ કાફેની મદદથી શહેર કચરામુક્ત બને તેવા પ્રયત્નો કરીશું. અમે લોકોને આપેલાં વચન પ્રમાણે કચરો એકત્રિત કરનારને પ્રેમથી જમાડીશું.
તસવીરો પ્રતિકાત્મક છે..
આવા ઉમદા વિચારને લાઈક અને શેર કરીને વધાવજો..