ભાવનગરના છકડા ચાલકનો પુત્ર રણજીમાં પહોંચ્યો, હવે ભારત વતી રમવાનું સ્વપ્ન

ભાવનગર: વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરીયા પરિવારનો ચેતન બાળપણથી ક્રિકેટનો જબરો શોખ ધરાવતો હતો,પરંતુ એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઉભા થયા હતા, પરંતુ ચેતનના મામાએ પાર્ટ ટાઇમ કામ આપ્યુ અને ક્રિકેટ પણ શરૂ રખાવ્યુ. બસ, અહીંથી ચેતને પાછું વાળીને જોયુ નથી અને પહોંચી ગયો રણજી ટ્રોફી સુધી. સૌરાષ્ટ્ર વતી 2018-19ની સીઝનમાં ડાબેરી તેજ ગતિના ગોલંદાજ ચેતન સાકરીયાએ 8 મેચમાં 29 વિકેટો ખેડવી અને દેશના ધુરંધર ખેલાડીઓ, પસંદગીકારોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ છે.

ધો.9માં ચેતનને ક્રિકેટ રમવાની તક મળી
1.છકડો ડ્રાઇવિંગ ક્ષેત્રે પ્રવૃત્ત કાનજીભાઇની આર્થિક સ્થિતિ જર્જરીત હતી, છતા પુત્ર ચેતનને ચિત્રામાં આવેલી વિદ્યાવિહાર શાળામાં ભણાવતા હતા. ધો.9માં ભણતા ચેતનને આંતર શાળાકીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવાની તક સાંપડી હતી. શરૂઆતમાં બેટિંગ પ્રત્યે આકર્ષણ ધરાવતા ચેતને બોલિંગમાં પણ હાથ અજમાવવાનું શરૂ કર્યુ હતુ. તેની જડપ અને સ્વીંગને કારણે શાળાકીય ક્રિકેટમાં ચેતન નોંધપાત્ર ખેલાડી બનીને ઉપસી રહ્યો હતો.

પાર્ટ ટાઈમ સાથે ક્રિકેટ પણ ચાલુ રાખ્યું
2.ચેતનના અસાધારણ દેખાવથી ભાવનગર ડિસ્ટ્રીક્ટ અંડર-16 અને બાદમાં સૌરાષ્ટ્ર અંડર-16 ટીમમાં પણ જગ્યા મળી હતી. અહીં તેને ગંભીર ઇજાનો સામનો કરવો પડ્યો, અને પુનરાગમન તો કર્યુ પરંતુ તે રીધમ ગુમાવી ચૂક્યો હતો, દેખાવ તળીયે પહોંચવા લાગ્યો હતો. બીજી તરફ કુટુંબની આર્થિક પરિસ્થિતિ પણ પાતળી હતી અને ચેતન પર આર્થિક ઉપાર્જન કાર્યમાં સહયોગ કરવાની જવાબદારી આવી હતી. આ તબક્કે ચેતનને ડર લાગ્યો હતો કે તેનું ક્રિકેટ છૂટી જશે. પરંતુ તેના મામા મનસુખભાઇ જાંબુચાએ પાર્ટ ટાઇમ કામ પણ આપ્યુ અને ક્રિકેટ પણ શરૂ રખાવ્યું.

ગ્લેન મેકગ્રા ચેતનની ગતિથી પ્રભાવિત
3.સાકરીયાના જણાવ્યા પ્રમાણે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાને તેની બોલિંગ એકશન અને રીધમ પસંદ પડી, સ્વીંગ, ગતિ અને એકશન પર થોડી મહેનત કરાવી હતી, અને તેનો ઉપયોગ રણજીમાં કર્યો.

ભારત વતી રમવાનું ચેતનનું સપનું
4.સૌરાષ્ટ્ર અંડર-23 ટીમમાં ચેતનને તક મળી અને અહીં પોતાની બોલિંગ વડે રણજીટ્રોફીના પસંદગીકારોને પ્રભાવિત કર્યા હતા. અંતે તેનો સમાવેશ 2018-19ની રણજી સીઝનમાં સૌરાષ્ટ્રની ટીમમાં કરવામાં આવ્યો હતો. ગુજરાત સામેની રણજી મેચ પૂર્વે ઉનડકટ ઇજાગ્રસ્ત થતા ચેતનને અંતિમ 11 ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો. બસ, અહીં મળેલી તક ચેતને સારી પેઠે જડપી લીધી અને ગુજરાતની 5 વિકેટો પોતાના ગજવામાં સરકાવવાની સાથે ટીમમાં પોતાનું સ્થાન પાક્કુ કરી લીધુ હતુ. ચેતનના જણાવ્યા પ્રમાણે હવે ક્રિકેટની રમત વડે જ પોતાના પરિવારની આર્થિક સંકડામણને તે હળવી કરી શક્યો છે. તેનું સ્વપ્ન ભારત વતી રમવાનું છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો