પાટીદાર સમાજની આવકારદાયક પહેલ મરણપ્રસંગે જમણવાર નહીં: 84 ગામ પાટીદાર સમાજે અન્ન અને નાણાંનો વ્યય અટકાવવા લીધો નિર્ણય
પાટીદાર સમાજ દ્વારા એક એવો આવકારદાયક નિર્ણય લેવાયો છે, કે જે અન્ય સમાજો માટે પણ પ્રેરણાદાયક સાબિત થઈ શકે છે. ચોર્યાસી ગામ પાટીદાર સમાજના આગેવાનોએ ઘરમાં કોઈના અવસાન બાદ રાખવામાં આવતા જમણને બંધ કરવા ઠરાવ પસાર કર્યો છે. સમાજમાં અત્યારસુધી અંતિમવિધિ બાદ તેમજ બારમાના પ્રસંગે જમણવાર કરવાની પ્રથા ચાલી આવતી હતી.
ગયા અઠવાડિયે ઊંઝા નજીકના ઉનાવા ગામે મળેલી સમાજની મિટિંગમાં આ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. મરણના પ્રસંગ બાદ કરવામાં આવતા જમણવારને કારણે કેટલાક પરિવારોને પોતાની જમીન પણ વેચવાનો વારો આવ્યો હોવાના કિસ્સા સામે આવ્યા હતા.
જેની નોંધ લઈ સમાજના આગેવાનોએ આ પ્રથા બંધ કરાવવા માટે નિર્ણય લીધો હતો. ઘણીવાર તો આવા પ્રસંગે સમાજને જમાડવા માટે લોકો ઊંચા વ્યાજે રુપિયા પણ ઉછીના લેતા હતા. સમાજમાં નીચાજોણું ના થાય તે માટે વ્યાજે રુપિયા લાવી કે જમીન વેચીને પણ લોકો મરણપ્રસંગે જમણવાર કરતા હતા.
ચોર્યાસી ગામ પાટીદાર સમાજ કડવા પાટીદાર સમુદાયનો સૌથી મોટો સમાજ છે, સમાજની વસ્તી મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં જ 45,000 જેટલી થવા જાય છે. સમાજના આગેવાન પૂર્વિન પટેલના જણાવ્યા અનુસાર, છેલ્લા બે વર્ષથી આ પ્રથા દૂર કરવા વિચારણા ચાલી રહી હતી. ઠરાવ પસાર કરતા પહેલા અલગ-અલગ સ્થળોએ મળેલી બેઠકોમાં તેના પર ચર્ચા કરાઈ હતી. આ સુધારાને લાગુ કરવા પાછળનો સૌથી મોટો પડકાર લોકોની માનસિકતા બદલવાનો હતો.
અગાઉ મરણપ્રસંગે જમણવાર ના કરનારા પરિવારને જ્ઞાતિ બહાર કરાતું હતું. તેવામાં સમાજના લોકોને આ રિવાજ પાછળ થતાં ખર્ચા બંધ કરાવવા માટે સમજાવવા મોટો પડકાર હતો.
અન્ય એક પાટીદાર આગેવાન સુરેશ પટેલના જણાવ્યા અનુસાર, મરણ બાદ દરેક પરિવાર પોતાની ક્ષમતા અનુસાર સાડા ત્રણ હજારથી બે લાખ રુપિયા જેટલો ખર્ચો કરે છે. અમે સમાજના આગેવાનોને અને સભ્યોને એ વાત પર સહમત કર્યા કે તેઓ ખરેખર મૃતકના માનમાં કંઈક કરવા ઈચ્છતા હોય તો તેઓ આ રકમને પાટીદાર બાળકોને ભણવા માટે દાન કરી શકે છે.
અગાઉ 52 ગામ પાટીદાર સમાજ દ્વારા પણ આ જ પ્રકારનો નિર્ણય લેવાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..