ચોટીલામાં ચૈત્રીનોરતા પ્રસંગે ચામુંડા માતાના ત્રણ દિવ્ય સ્વરૂપના દર્શન ભક્તોને દરરોજ થઈ રહ્યાં છે
ચોટીલામાં ડુંગર ઉપર માતા ચામુંડા હાજરાહજુર બીરાજમાન છે. ત્યારે સવારથી સંધ્યા આરતી સુધીમાં ચામુંડા માતાના ત્રણ દિવ્ય સ્વરૂપના દર્શન થતાં હોવાંની ભાવિકો લાગણી અનુભવે છે.
ચોટીલાની પંચાળની પવિત્ર ભૂમીમાં આવેલ માતા ચામુંડાના ડુંગર પર ચૈત્રીનોરતા પ્રસંગે ભક્તિ અને ધાર્મિકતાની સુવાસ ચોતરફ પ્રસરી છે. ચામુંડા માતાના વહેલી સવારની આરતીથી સંધ્યા આરતી સુધીમાં ત્રણ વિવિધ દેદીપ્યમાન સ્વરૂપ જોવાં મળતાં હોવાની અનુભુતિ માઇ ભક્તોને થાય છે.
ડુંગર ઉપર સુર્યોદય સમયે આરતી થાય ત્યાર થી છેક સવારના અગીયાર વાગ્યા સુધીમા ચામુંડાનું સ્વરૂપ સોળ વર્ષની કન્યા જેવું દિવ્ય જોવાં મળે છે. જ્યારે સવારે અગીયાર વાગ્યે ગર્ભદ્વારનો પડદો બંધ કરીને માતાને થાળ ધરવામાં આવે અને ત્યાર પછી પર્દો ખુલે તે સમયે માતાનું સ્વરૂપ એંસી વર્ષના વૃધ્ધાના વાત્સલ્ય જેવું હોય છે. જ્યારે સુર્યાસ્ત બાદ ડુંગર ઉપર ચામુંડા માતાની આરતી શરૂ થાય ત્યારે મા એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવો ભાવિકોને પરમ અહેસાસ અલૌકિક અનુભુતિ થઇ હોવાની લાગણી અનેક ભક્તોએ વ્યક્ત કરી હતી.
આ અંગે ડુંગર મહંત પરિવારના ભગવાનગીરી દોલતગીરી ગોસાઇ જણાંવ્યું કે વહેલી પરોઢની આરતી થી સંધ્યા આરતી સમય સુધી માં માતા ત્રણ દિવ્ય સ્વરૂપો માં જોવાં મળતાં હોવાની અનેક ભાવિકોને અનુભુતિ થાય છે. જગજનની માતા ચામુંડાના ડુંગર ઉપર ચૈત્રી નવરાત્રીની ઉજવણી ભાવ અને શ્રધ્ધા પૂર્વક થઇ રહી છે. ત્યારે માંના ચરણો માં શીશ ઝુકાવવા રોજ દર્શનાર્થીઓ 42 ડીગ્રી ધોમધખતા તાપમાં ડુંગર ચઢતાં હોય છે. ત્યારે ભક્તો ની આ શ્રધ્ધા જ માતા નો મોટો પરચો છે.