સુરતમાં બેનરો લાગ્યા: ‘ભાજપ’ની આશીર્વાદ લેવાની યાત્રા નીકળે તો આશીર્વાદ આપવા વાળા ગણેશજીની પણ યાત્રા નીકળવી જ જોઈએ
ભારતીય જનતા પાર્ટી દ્વારા જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી રહી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ ભક્તો ગણેશ સ્થાપના માટે પરમિશન માંગવા જાય તો કોરોના ગાઈડલાઈન્સ આગળ ધરી દેવાતા લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે. દરમિયાન સુરત શહેરના ગોલવાડ વિસ્તારમાં આશીર્વાદ લેવાની યાત્રા નીકળે તો આશીર્વાદ આપવા વાળા ગણેશજીની યાત્રા નીકળવી જ જોઈએના લખાણ સાથેના બેનરો લાગ્યા છે. રાજકીય કાર્યક્રમોમાં ટોળાને ટોળા ભેગા થવાની છૂટ આપવામાં આવી રહી છે અને ધાર્મિક કાર્યક્રમો ઉપર કેમ પ્રતિબંધ લગાડવામાં આવી રહ્યો છે તેવી ચર્ચા સમગ્ર શહેરમાં ચાલી રહી છે.
સામાજિક કાર્યક્રમો અને ધાર્મિક કાર્યક્રમો માટે શા માટે પ્રતિબંધ?
ગણેશ ઉત્સવ અને નવરાત્રીનો ઉત્સવની ઉજવણી જો નહીં કરવામાં આવે તો વોટ નહીંનો બેનરોમાં ઉલ્લેખ કરાયો છે. રાજકીય પાર્ટીઓ પોતાના પ્રચાર-પ્રસાર માટે કોઈપણ પ્રકારના નીતિનિયમોનું ધ્યાનમાં લેતા નથી. તો સામાન્ય પ્રજા દ્વારા સામાજિક કાર્યક્રમો અને ધાર્મિક કાર્યક્રમો માટે શા માટે પ્રતિબંધ લગાડવામાં આવે છે તેનો ખુલાસો રાજકીય પાર્ટીના આગેવાનોએ કરવા જોઈએ તેવી માગ ઉઠી છે.
કોરોનાની બીજી લહેર પહેલા પણ રાજકીય પાર્ટીઓએ પોતાના વિજય સરઘસો કાઢીને સમગ્ર રાજ્યની અંદર કોરોના સંક્રમણ ફેલાવવામાં કોઈ કસર બાકી ન રાખી હોય તેવી સ્થિતિ ઊભી થઇ હતી. જ્યારે લોકોને પોતાના લગ્ન પ્રસંગે અન્ય સામાજીક કાર્યક્રમો માટે વધારે લોકો પણ એકત્રિત કરવા દેવામાં નથી આવતા. આ જાડી ચામડીના નેતાઓએ બીજી લહેર તેમના ચૂંટણી પ્રચાર અને વિજય સરઘસના કારણે આવી હતી તેવું સ્વીકારવામાં પણ તૈયાર નહોતા થયા.
નેતાઓ સામે પોલીસ પણ પગલાં લેતી નથી
સત્તા પર બેઠેલી ભારતીય જનતા પાર્ટી પોતાની મનમાની કરતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભાજપના કમલમ ખાતે ટોળે ટોળા ભેગા થઈને સંગઠનની બેઠકો કરી રહ્યા છે. ત્યારે કોઈ પોલીસ ત્યાં આગળ જઈને કોઈની સામે કાયદેસરના પગલાં લેવાની હિંમત કરતી નથી. ધારાસભ્ય વગર માસ્ક પહેરી ટોળામાં એકત્રિત થઇને જાહેર સ્થળો ઉપર પોતાના જન્મદિવસની ઉજવણી કરે તો તેની સામે પણ અત્યાર સુધી કોઇ પગલા લેવાયા નથી.
કાયદો વ્યવસ્થા માત્ર સામાન્ય પ્રજા માટે
લોકોનો રોષ દિવસેને દિવસે સત્તાપક્ષને લઈને વધી રહ્યો છે. જન આશીર્વાદ યાત્રા સુરતમાં જે રીતે સ્વાગત કરાયું હતું ત્યારે ભયાવહ દ્રશ્યો સામે આવ્યા હતા. યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભારતીય જનતા પાર્ટીના યુવા નેતાઓના ચહેરા ઉપર માસ્ક દેખાયા ન હતા. મોટી વાતએ છે કે મશાલા રેલી અને જન આશીર્વાદ યાત્રાને જ પોલીસ કે જે લોકો પાસેથી દંડ ઉઘરાવે છે તેમની રહેમ નજર હેઠળ નીકળી હતી. અત્યારની સ્થિતી જોતા એવું લાગે છે કે કાયદો વ્યવસ્થા માત્ર સામાન્ય પ્રજા માટે છે રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકર્તાઓ કાયદાથી ફરે છે. એમની સામે કોઈ પગલાં નહીં લેવાય.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..