જૂનાગઢનાં ખામધ્રોળ રોડ પર નાના પુત્ર સાથે રહેતા 96 વર્ષનાં વલ્લભભાઇને ઘેર રાત્રે 8 વાગ્યે દિલ્હીનાં રાષ્ટ્રપતિ ભવનમાંથી ફોન આવ્યો. તમારી પસંદગી પદ્મશ્રી એવોર્ડ માટે થઇ છે. ત્યાં સુધી વલ્લભભાઇ અને તેમનાં પરિવારજનોને કલ્પના સુદ્ધાં નહોતી કે, છેક 1943 માં પોતે પશુનાં ચારા તરીકે વપરાતા ગાજરને શાકભાજીની કેટેગરીમાં લાવ્યા એ શોધ આગળ જતાં તેમને ભારતનાં રાષ્ટ્રપતિ ભવનનાં ઉંબરે લઇ જશે.
ભારત સરકાર દ્વારા અલગ અલગ ક્ષેત્રે પોતાનું યોગદાન આપનારને પદ્મશ્રી તેમજ બીજા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ત્યારે પ્રથમ વાર ગાજરની ખેતી કરી તેને શાકભાજીની કેટેગરીમાં સમાવેશ કરાવવાનો યશ જુનાગઢના એક ખેડૂતને મળતા તેને પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.
જુનાગઢના ખામધ્રોળમાં રહેતા વલ્લભભાઈનું ભણતર ખુબ ઓછુ પણ કોઠા સૂઝ ખુબ મોટી માત્ર પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કરેલા વલ્લભભાઇ પોતાના પિતા સાથે ખેતીનું કામ કરતા અને ત્યારે તેમણે ગાજરની ખેતી કરવી તેવો વિચાર આવતા ગાજરની ખેતી શરુ કરી અને પોતે પિતાની ના છતાં ગાજર લઇ માર્કેટમાં વેચવા ગયા ત્યાં તે જમાનામાં રૂપિયા ૧૨ની આવક થઇ ત્યારે સહુ વિચારમાં પડી ગયા ત્યાર બાદ દસ વર્ષ માત્ર ગાજરની ખેતી કરી ખેડૂતોને સમજાવ્યા આજે તેમના ગાજરની વિદેશમાં પણ ખુબ માંગ છે.
ખેડૂત વલ્લભભાઈએ કહ્યું કે, ગાજરની ખેતી આમ સરળ હોય છે, બસ થોડુ ઊંડુ ઉતરવું પડે છે. ગાજરની ખેતી અંગે વલ્લભભાઈએ જણાવ્યું હતું કે થોડી મહેનત પડે છે અને ગાજરને વાવવા માટેની એક પધ્ધતિ હોય છે. પ્રથમવાર અઢી ફૂટનું ગાજર આવતા હું ખુશ થયો હતો પરંતુ તે સમયે ખેતીવાડી ખાતું પણ ના હોવાથી મને મુશ્કેલી પડી હતી, પરંતુ હાલમાં મારા ગામમાં ગાજરની ખેતી થાય છે.
૧૯૪૩થી ખેતી સાથે સંકળાયેલ વલભભાઈ પોતાની જૂની યાદોને વાગોળીને કહે છે કે, મારા શાકભાજી નવાબ જે લંગર ચલાવતા તેમાં જતા અને ઈસ્માઈલ કરીને તેનો એક કર્મચારી હતો તેને દ્વારા મારો હિસાબ થતો, બાદમાં ભારત આઝાદ થતા નવાબ પાકિસ્તાન જતા રહ્યા અને આજે પણ હું રૂપિયા ૪૨ માંગું છુ. 95 વર્ષે પણ હું મારા સંતાનોને ખેતીમાં ઉપયોગી થાવ છુ અને સારી વસ્તુ લોકોને આપો તેવો આગ્રહ રાખું છુ. અવળી ઉંમરે મને એવોર્ડ મળ્યો તેથી હું ખુબ ખુશ થયો છુ.
તમને જણાવી દઈએ કે, પિતાના નકશા કદમ પર ચાલતા અરવિંદભાઈ આજે પણ ગાજરની ખેતી કરી રહયા છે અને તેમણે ગાજરનું મધુવતી બીજનું ઉત્પાદન કર્યું છે જેની ખુબ માંગ છે અને તેમણે પોતાના પિતાને મળેલ એવોર્ડ બાબતે જણાવ્યું હતું કે આ એવોર્ડ રાષ્ટ્રનો છે જે પિતાજીને મળ્યો તેની ખુબ ખુશી છે, પિતાજીને કૈક નવીન કરવાની ટેવ હતી તેનું આ પરીણામ છે.
આજે ૯૫ વર્ષ ની ઉમરે પહોંચેલા વલ્લભભાઈ આજે પણ ખેતીમાં ધ્યાન રાખી રહ્યા છે અને ગાજરને દુનિયાના ફલક પર પહોચાડી એવોર્ડ સાથે ખેતીને ઉજાગર કરી રહ્યા છે.