રાજકોટમાં ઉદ્યોગપતિએ પોતાના લગ્નની સાથે 86 ગરીબ દીકરીઓના સમૂહલગ્ન કરાવ્યા, કરિયાવર સહિતનો તમામ ખર્ચ ઉદ્યોગપતિએ એકલાએ ઉઠાવ્યો
આજના સમયે દરેક સુખી સંપન્ન પરિવારના લોકો પોતાના દીકરા દીકરીના લગ્ન માટે લખલૂંટ ખર્ચ કરતા હોય છે. ત્યારે રાજકોટમાં આજે યોજાયેલા લગ્ન સમાજ માટે પ્રેરણાદાયક બન્યા છે. જે.એમ.જે ગ્રૂપના સ્થાપક અને ઉદ્યોગપતિ મયૂરધ્વજસિંહ જાડેજા પોતાના લગ્ન પણ સાદાઈથી આ જ સમૂહલગ્નમાં કર્યા અને 86 ગરીબ પરિવારની દીકરીના લગ્ન ધામધૂમથી કરાવ્યા હતા. એક જ મંડપ નીચે 86 ગરીબ દીકરીઓના લગ્ન અને નિકાહ પઢાવવામાં આવ્યા હતા.
પોતે પણ આ સમૂહલગ્નમાં પરણ્યા
તમામ દીકરીઓને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુનો કરિયાવર ભેટમાં આપવામાં આવી છે. લગ્ન સહિતની તમામ પ્રકારનો ખર્ચ તેઓ એકલા હાથે ઉપાડ્યો છે. પોતાના લગ્ન માત્ર પરિવાર માટે જ નહીં સમાજ માટે યાદગાર બની રહે તે માટે આ યુવાન સમૂહલગ્નમાં જ પોતાના લગ્ન કર્યા હતો. સમૂહલગ્નમાં હિંદુ યુવક યુવતી લગ્નગ્રંથિથી અને મુસ્લિમ સમાજની દીકરીના નિકાહ પઢવામાં આવ્ય હતા.
બે મહિના સુધી ગરીબ ઘરની દીકરીના પરિવારને શોધ્યા
જે ગરીબ પરિવાર દીકરીના લગ્ન માટે રૂ.10 હજાર પણ ખર્ચી શકે એમ નથી તેવા પરિવારને મયૂરધ્વજસિંહે જાતે શોધ્યા છે. આ માટે કુલ બે માસનો સમય કાઢ્યો હતો. આવા પરિવારને તેઓ રૂબરૂ મળ્યા હતા અને તેના પરિવારની આર્થિક પરિસ્થિતિ કેવી છે તેની માહિતી મેળવી હતી.
5 વર્ષ પહેલા પોરબંદર સમૂહલગ્નમાં ગયા અને વિચાર આવ્યો
મયૂરધ્વજસિંહ જાડેજા જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે પોતાના લગ્ન ધામધૂમથી કરશે તેવો વિચાર તેમણે કર્યો હતો, પંરતુ આજથી 5 વર્ષ પહેલા જ્યારે તેઓ પોરબંદર એક સમૂહલગ્નમાં ગયા ત્યારે તેમના વિચારમાં પરિવર્તન આવ્યું. ત્યાં ગરીબ પરિવારની દીકરીઓને લગ્નમાં ખુશી મળે છે અને તેઓને આજીવન આર્થિક રીતે મદદરૂપ બની શકાય છે. આ બધુ જોયા બાદ તેણે એવું નક્કી કર્યું કે, પોતાના લગ્ન સાદાઇથી કરશે અને ગરીબ પરિવારની દીકરીના લગ્ન ધામધૂમથી કરાવશે. મયૂરધ્વજસિંહએ આ વાત પોતાની વાગ્દત્તાને કરી હતી. ત્યારે તેમણે પણ સંમતિ આપી હતી અને આ નિર્ણયને હર્ષભેર આવકાર્યો હતો. પોતાની રીતે બનતી તમામ પ્રકારની મદદ કરવાની પણ તેમણે ખાતરી આપી હતી.
શુભ વિચાર-સુખી સંપન્ન પરિવારે સામાજિક જવાબદારીની ફરજ અદા કરવી જોઇએ
દરેક માતા પિતાને મન તેની દીકરી રાજકુમારી જેટલી જ લાડકી હોય છે. ઈચ્છા પણ એવી હોય છે કે, તેના લગ્ન પણ ધામધૂમથી થાય. પણ આર્થિક રીતે નબળા હોવાને કારણે તેઓની ઈચ્છા પૂરી નથી થઇ શકતી. જેનો રંજ તેઓને આજીવન રહેતો હોય છે. ત્યારે જો સમાજના સુખી સંપન્ન લોકો આગળ આવે અને આવા ગરીબ પરિવારની દીકરીનો ખર્ચ ઉપાડે તો માતા પિતાની ઈચ્છા પણ પૂરી થાય અને સમાજિક ફરજ પણ અદા કરી શકીએ.– મયૂરધ્વજસિંહ જાડેજા
10 હજારથી વધુ લોકોએ સમૂહલગ્ન માણ્યા
આ સર્વજ્ઞાતિય સમૂહલગ્નમાં જાન સામૈયું, મહેમાનોનું સન્માન, સંતો-મહંતોના આશિર્વચન અને ભોજન સમારંભના પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા. તેમજ 10 હજારથી વધુ લોકોએ આ સમૂહલગ્ન માણ્યા હતા. દરેક દીકરીને કરિયાવરની ભેટ અપાવામાં આવી હતી. સમાજ શ્રેષ્ઠીઓ, રાજકીય મહાનુભાવો, સર્વ સમાજના રાજેસ્વી રત્નો સહિત મોંઘેરા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
કરિયાવરમાં આટલી વસ્તુઓ આપી
સોનાની બુટ્ટી, ચાંદીના સાંકળા, નાકની ચૂની, લોખંડની સેટી, ખુરશીઓ, કબાટ, ગાદલાનો સેટ, સ્ટીલના ડબા, સ્ટીલના લોટા, તપેલી દૂધની પવાલી સાથે સાથે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ આપવામાં આવી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..