અકસ્માત/ પીધેલા ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં સુરતના ટ્યુશન ક્લાસની બસ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, 10 વિદ્યાર્થીનાં મોત

ડાંગ જિલ્લાના સુપ્રસિધ્ધ શબરીધામ, મહાલના પ્રવાસે નીકળેલા સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા ખાનગી ટયુશન ક્લાસના બાળકોની લકઝરી બસ સુરત પરત ફરતી વેળા મહાલ પાસે ૨૦૦ ફુટ ઉંચી ખીણમાં ખાબકતા 10 બાળકોના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે ૭૦થી વધુને ઇજા થઇ છે. ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલ ઉપરાંત સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 36ની કેપિસિટી ધરાવતી બસમાં 90 લોકોને બેસાડાયા હતા. ડ્રાઈવર દારૂ પીધેલો હોવાનું બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ સુરતના અમરોલી વિસ્તારમાં ગુરુકૃપા કોચીંગક્લાસ ચલાવતા સંચાલકો દ્વારા ડાંગના શબરીધામ અને મહાલ ઇકો કેમ્પ સાઇટ માટે વન્ડે ટુરનું આયોજન કરાયું હતું. જેમાં ધોરણ-૫થી લઇને ધોરણ-૧૨ સુધીના ૮૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. દિવસભરનો પ્રવાસ આનંદમયી રહયા બાદ શબરીધામ અને મહાલ કેમ્પની મુલાકાત લઇ બાળકોની લકઝરી બસ (નંબર-જીજે ૫ ઝેડ ૯૯૯૩) આજે સાંજે ૭ વાગ્યે સુરત પરત જવા નીકળી હતી. તે વેળા મહાલ બરડીપાડા વચ્ચે ધુલદા નજીકના તીવ્ર વળાંક પર બસ ચાલકે સ્ટીરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. અને બસ રોડ ઉપરથી ઉતરી ગયા બાદ ફંગોળાઇને ૨૦૦ ફુટ ઉંડી ખીણમાં ખાબકી હતી.

આ ગોઝારી દુર્ઘટનાને પગલે લકઝરી બસમાં સવાર માસૂમ બાળકોએ વેદના સાથે ચીસાચીસથી શાંત જંગલનું વાતાવરણ ગુંજી ઉઠયું હતું. જોકે, તે વેળા તેમની મદદ કરી શકાય તેવી સ્થિતિ જ નહોતી. અહીથી પસાર થઇ રહેલા વાહનચાલકોને ઘટનાની જાણ થતા તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ડાંગ જિલ્લા અને તાપી જિલ્લાની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને અન્ય વાહન ચાલકો તેમજ આસાપાસના ગામોના લોકો પણ દોડી આવ્યા હતા અને ખીણમાં ઉતરીને ઇજાગ્રસ્ત બાળકોને બહાર કાઢવાની કામગીરી આરંભી હતી.

બસ ૨૦૦ ફુટ ઉંડી ખીણમાં ખાબકી હોવાથી ઝાડી ઝાંખરા અને ઢોળાવવાળી જગ્યાને કારણે બચાવકાર્યમાં ભારે મુશ્કેલી ઉભી થઇ હતી. ખૂબ ઉંચેથી બસ નીચે પટકાઇ હોવાથી બસનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. જેને કારણે ઘણા બાળકો આ બસમાં જ ફસાઇ ગયા હતા. સાંજે અંધાર ુથઇ જતા ડીડીઓ, ડીએફઓ સહિત સ્થાનિક આગેવાનોએ જનરેટર સેટની વ્યવસ્થા કરીને બસના કાટમાળમાં ફસાયેલા બાળકોને પતરાઓ કાપીને બહાર કાઢવાની કામગીરી રાતે પણ જારી રાખી છે.

સુરતના અમરોલીમાં ખાનગી ટ્યુશનમાં ભણતાં વિદ્યાર્થીઓ ડાંગમાં ફરવા ગયા હતા

અકસ્માતમાં 10 બાળકોના મોત થયાના અહેવાલ મળ્યા છે. જોકે તેમની ઓળખ હજુ થઇ શકી નથી એમ સૂત્રોએ જણાવ્યું છે. જ્યારે ૨૧ બાળકો ગંભીર ઇજા પામ્યા હોવાનું જાણવા મળે છે. જેમને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ૫૦ જેટલા બાળકોને આહવાની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.


14 વર્ષથી ઓછી વયના 51 બાળકોઃ કુલ 72ને આહવાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ

ડાંગની આહવા સ્થિત હોસ્પિટલમાં પ્રાથમિક સવાર અપાઇ તેવા ૭૨ ઇજાગ્રસ્તોની યાદીમાં ૫૧ બાળકોનો સમાવેશ થાય છે. જેમાં એક બાળકી ક્રિષ્ના જીગ્નેશભાઇ પટેલનું મૃત્યું થયું છે. યાદી મુજબ ૧૪ વર્ષથી ઓછી વયના ૫૧ બાળકોને નાની-મોટી ઇજા થઇ હતી. જે પૈકી ૯ ઇજાગ્રસ્તોને વધુ સારવાર અન્ય હોસ્પિટલમાં લઇ જવા રીફર કરાયા છે.

સુરતથી ક્રેઇન,ટ્રેલર સહિતની સામ્રગી મોકલાઇ

સુરતના વિદ્યાર્થીઓની બસને ડાંગમાં અકસ્માત થતા ખાઇમાં પડેલી બસને બહાર કાઢવા માટે એસ્સાર કંપનીમાંથી ૧૦૦ એમટીની એક ક્રેઇન, એક ટ્રેલર, મેન બાસ્કેટ અને સ્લિંગ સહિતની સામ્રગીઓ સાથે ફોરમેન, ઓપરેટર અને રિંગર સિકયોરીટી જવાનો સહિતની એક ટીમ મોડી રાત્રે દુર્ધટના સ્થળે જવા રવાના કરાઇ હતી. આ કરૂણ ઘટનામાં સુરત જિલ્લા કલેકટર ડૉ.ધવલ પટેલે અનુરોધ કરતા ડાંગ કલેકટર સાથે ચર્ચા કરીને સ્થિતિ તેમજ જરૂરિયાતની વિગતો મોકલાઇ હતી.

ટુરમાં સામેલ 11 મહિનાની બાળકીને પણ ઇજા

અમરોલીના કોચીંગ ક્લાસની ટુરમાં એક ૧૧ મહિનાની બાળકી પણ હતી. સોનિયા એસ પટેલ નામક આ બાળકીને પણ ઇજા થતા આહવાની હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.

મોડી સાંજે બાળકોને કાઢવા કટર મંગાવાયું

બાળકો બસની નીચે દબાયેલા જણાતા તેમને બહાર કાઢવા માટે બરડીપાડા ગામના લોકો અને વહીવટીતંત્રના કર્મચારીઓએ જનરેટરની મદદ લીધી હતી. કટર મંગાવી બસ નીચે દબાયેલા બાળકોને બસનો કેટલોક ભાગ કાપી કાઢવાની તજવીજ હાથ ધરી હતી.

અમે પાછળ બેઠા હતા, બસ પલટી ખાઈ જતા કંઈ ખ્યાલ જ ન આવ્યો

અમે બધા પરત થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ બસ પલટી જવાનો ખ્યાલ આવતા બધાને બચાવોની બૂમાબૂમ કરી મૂકી હતી. અમે પાછળન ભાગે બેઠા હતા. પછી શું થયું તેનો ખ્યાલ જ ન આવ્યો. હાલ સિવિલમાં છીએે. મારા પતિને બહુ વાગ્યું છે. તેઓ પણ બાળકોની દેખરેખ માટે અમારી સાથે આવ્યા હતા. હાલ તેમને સુરત સારવાર માટે ખસેડાયા છે અને હું પણ સારવાર હેઠળ છું. – નીતાબેન પટેલ, ટ્યૂશન કલાસીસના શિક્ષિકા

વળાંક પાસે કોઈ દિશાસૂચક બોર્ડ નહીં હોવાથી દુર્ઘટના સર્જાય છે

સુરતના ટ્યુશનક્લાસની બસને જે વળાંક પાસે અકસ્માત નડ્યો ત્યાં અગાઉ પણ આવી દુર્ઘટના સર્જાઈ ચૂકી છે. આ ગોઝારા વળાંક પર હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ દિશાસૂચક બોર્ડ કે સંરક્ષણ દિવાલ બનાવી નથી તેમજ અગાઉ પણ આજ સ્થળે સુગર ફેકટરીમાં મજૂરો ભરી જઈ રહેલી ટ્રક આ ઉંડી ખીણમાં ખાબકી હતી અને ઘણી ખુવારી પણ થઈ હતી, તેમ છતાં નેશનલ હાઈવેની બેદરકારીને પગલે બીજો અકસ્માત સર્જાયો છે.

હું અને મારો ભાઈ તો ઊંઘતા હતાં, પાછળના સોફા પર અચાનક ધક્કો લાગ્યો અને બસ ખાઈમાં પડી હતી, બધા બૂમાબૂમ કરતાં હતાં, શ્વાસ પણ રુંધાયો હતો. કંઈ દેખાતું ન હતું. – પ્રેમ પટેલ, ઘાયલ વિદ્યાર્થી

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો