સુરતઃ સિટી બસે ભાઈ-બહેનને લીધા અડફેટે, યુવાનને 300 ફૂટ ઘસડતા મોત
સુરતઃ યુનિવર્સિટી રોડ પર બીઆરટીએસ ચાર રસ્તા નજીક એક બાઈક સવાર પિતરાઈ ભાઈ-બહેનની સિટી બસે અડફેટે લીધા બાદ ભાઈને 300 ફૂટ જેટલો ઘસડતા મોત નિપજ્યું હતું. જ્યારે બહેનને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના બાદ લોકોએ ડ્રાઈવર અને કંડક્ટરને માર મારી પોલીસને સોંપી દીધા હતા.
યુવક બસના આગળના ટાયરમાં ફસાઈ ગયો
પાસોદરા પાટીયા પાસે રહેતા કિશોર વિઠ્ઠલભાઈ ઠુમ્મર પિતરાઈ બહેન મિતલ સાથે વેસુમાં આવેલા સંબંધીને ત્યાં જતા હતા. દરમિયાન યુનિવર્સિટી કન્વેન્શન હોલ સામે આવેલા બીઆરટીએસ ચાર રસ્તા નજીર સિટી બસે અડફેટે લીધા હતા. જેથી કિશોરભાઈ બાઈક સાથે સિટી બસના આગળના ટાયરમાં ફસાઈ ગયા હતા. સિટી બસના ચાલકે બસને બીઆરટીએસ કોરિયોરમાં 300 ફૂટ બાદ જાણ થઈ હતી કે, બસની નીચે કોઈ ફસાઈ ગયું છે. ત્યારબાદ બસ ઉભી રાખી હતી. જોકે, કિશોરભાઈનું મોત નિપજ્યું હતું.
લોકોએ ડ્રાઈવર-કંડક્ટરને ફટકાર્યા
સિટી બસે સર્જેલા એક્સિડન્ટમાં યુવકના મોતના પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જોત જોતામાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. અને સિટી બસના ડ્રાઈવર અને કંડક્ટરનવે ફટકાર્યા હતા. ત્યારબાદ પોલીસ દોડી આવતા બંનેને પોલીસને હલાવે કર્યા હતા.
બાઈક સવાર પિતરાઈ ભાઈ-બહેનની સિટી બસે અડફેટે લીધા બાદ ભાઈને 300 ફૂટ જેટલો ઘસડતા મોત નિપજ્યું