મરઘીના બચ્ચા પર બાળકે ભૂલથી ચડાવી દીધી સાયકલ, પછી પૈસા ભેગા કરીને ઈજાગ્રસ્ત બચ્ચાને હોસ્પિટલે લઈ ગયો
મિઝોરમના સાયરંગમાં એક બાળકે સહુના દિલ જીતી લીધા છે. તે તેની સાઇકલ લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન ભૂલથી તેની સાઇકલ મરઘીના બચ્ચા પરથી પસાર થઈ ગઈ. આ વાતનું બાળકને બહુ ગિલ્ટી ફીલ થયું. તેણે બચ્ચાને રોડના કિનારે રાખ્યું અને ફટાફટ ઘરે ગયો. તેની પાસે જે પણ થોડા ઘણા પૈસા પડ્યા હતા તેને ભેગા કર્યા અને પાછો બચ્ચા પાસે આવી ગયો. તેણે બચ્ચાને ઉઠાવી લીધું અને દોડીને નજીકની હોસ્પિટલમાં પહોંચી ગયો જેથી તેની સારવાર થઈ શકે.
હાથમાં મરઘીનું બચ્ચું અને રૂ. 10ની નોટ સાથેના બાળકની એક તસવીર આજકાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો આ તસવીરને આગળ મોકલી રહ્યા છે અને બાળકની નિર્દોષતાના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે. આ બાળક મિઝોરમના સૈરંગનો છે. આ તસવીર વાયરલ થયા બાદ બાળકની ઓળખ જાહેર થઈ છે. બાળકનું નામ ડેરેક સી લાલચન્હીમા છે.
કોણે તસવીર કરી પોસ્ટ?
2 એપ્રિલના રોજ સાંગા સેય્સ(@sanga.says) નામના યૂઝરે ફેસબુક પર આ તસવીર પોસ્ટ કરી છે અને સાથે કેપ્શનમાં આખી ઘટનાનો ઉલ્લેખ પણ કર્યો છે. હાલ બાળકની આ તસવીરને ઘણી શેર કરાઈ રહી છે. જેના એક હાથમાં મરઘીનું બચ્ચું છે અને બીજા હાથમાં અમુક રૂપિયા છે. ત્યારે બાળક કેમેરા સામે જોઈ રહ્યો છે. આ તસવીરને જે વાત ખાસ બનાવે છે તે છે બાળકની આંખો, જેમાં કરેલી ભૂલનું દુઃખ છે અને તેને ઠીક કરવાના પ્રયાસની ખુશી.
ફેસબુક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, “રિપોર્ટ્સ પ્રમાણે મિઝોરમના સૈરંગના આ બાળકે ભૂલથી તેના પાડોશીની મરઘી પર સાઇકલ ફેરવી દીધી હતી. જે બાદમાં બાળક આ મરઘીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો હતો અને તેની પાસે હતા તે તમામ પૈસા ડોક્ટરને આપીને મદદ માંગી હતી.
બાળકના ચહેરા પર જોવા મળતી નિર્દોષતાને કારણે આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે. તેના ચહેરા પર મરઘા પર સાઇકલ ફેરવી દેવાનો પસ્તાવો સ્પષ્ટ જોઈ શકાય છે. બાળકની આ તસવીરની 90 હજાર જેટલા લોકો શેર કરી ચુક્યા છે, તેમજ એક લાખ જેવી લાઇક્સ મળી ચુકી છે. જેમની ફેસબુક વોલ પર આ તસવીર દેખાઈ રહી છે તેઓ તેને શેર કરી રહ્યા છે.
બાળકના પિતા ધીરજ છેતરીએ નોર્થ-ઇસ્ટના એક વર્તમાનપત્ર સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, તેનો પુત્ર હાથમાં મરઘી લઈને ઘરે આવ્યો હતો અને રડી રહ્યો હતો. આ મરઘા પર તેણે સાઇકલ ફેરવી દીધી હતી. તે મરઘાને હોસ્પિટલ લઈ જવાની વિનંતી કરતો હતો. તેને ખબર ન હતી કે ભૂલથી તેણે મરઘાના બચ્ચાને મારી નાખ્યું છે. બાળકના પિતાએ બાળકને જ તેને હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું. બાદમાં બાળક હાથમાં રૂ. 10ની નોટ લઈને હોસ્પિટલ પહોંચી ગયો હતો.
બાળકના પિતાના કહેવા પ્રમાણે તેનો દીકરો થોડા સમયમાં ઘરે પરત ફર્યો હતો અને કહ્યું હતું કે હોસ્પિટલના સ્ટાફે તેની કોઈ મદદ કરી ન હતી. સ્ટાફે ફક્ત તેની તસવીરો ક્લિક કરી હતી. હોસ્પિટલના સ્ટાફે મદદ કરવાની ના કહેતા બાળકે વધારે પૈસા લઈને આવવાની વાત કરી હતી. પિતાના કહેવા પ્રમાણે આખરે અમે બાળકને એ હકીકત જણાવી હતી કે મરઘાનું મોત થઈ ચુક્યું છે. અમને બિલકુલ આશા ન હતી કે તે મરઘાને હોસ્પિટલ લઈને જશે, પરંતુ તેના કામથી અમને આશ્ચર્ય થયું હતું. તે હંમેશા એક અલગ બાળક રહ્યો છે.