પુલવામા હુમલોઃ શહીદોના પરિવારની મદદ માટે આગળ આવ્યું બોલિવૂડ

પુલવામા આંતકી હુમલા બાદ પૂરો દેશ ગુસ્સામાં છે. બોલિવૂડ સ્ટાર્સ પણ આ ઘટનાથી દુઃખી છે. 40 જવાનોની શહીદીથી બોલિવૂડ સ્ટાર્સ ગમગીન છે. અમિતાભ બચ્ચન બાદ હવે અક્ષય કુમાર શહીદ જવાનોના પરિવારની મદદ માટે આગળ આવ્યો છે. દેશના ખૂણે-ખૂણેથી શહીદોના પરિવાર માટે મદદ આવી રહી છે.

અક્ષય કુમારે આપ્યા પાંચ કરોડઃ
અક્ષય કુમારે થોડા સમય પહેલાં જ ભારત સરકારના ગૃહ મંત્રાલયના સહયોગથી ભારત કે વીર નામની વેબસાઈટ શરૂ કરાવી હતી. આ વેબસાઈટ દ્વારા ભારતીય સૈનિક તથા સુરક્ષા દળોના પરિવારની મદદ કરી શકાય છે. અક્ષય કુમારે આ વેબસાઈટમાં પાંચ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. શનિવાર(16 ફેબ્રુઆરી)ના રોજ વેબસાઈટને સાત કરોડનું દાન કરવામાં આવ્યું હતું. જેમાંથી પાંચ કરોડ અક્ષય કુમારે આપ્યા હતાં. આટલું જ નહીં અક્ષય કુમારે ટ્વિટર પર ચાહકોને અપીલ કરી છે કે, ”પુલવામા એક એવી ઘટના છે, જેને આપણે ભૂલી શકીએ તેમ નથી અને ભૂલીશું પણ નહીં. આપણે બધા ગુસ્સામાં છીએ અને આ જ સમય છે કંઈક કરવાનો. એટલે અત્યારે જ કરો. પુલવામાના શહીદો માટે દાન કરો. શ્રદ્ધાંજલી આપવાનો સમય આનાથી વધુ સારો બની શકે તેમ નથી અને તમારું સમર્થન બતાવો…” વધુમાં અક્ષયે કહ્યું હતું, ” આ એક સત્તાવાર વેબસાઈટ છે. આ સિવાય કોઈ પણ નકલી સાઈટ્સના શિકાર ના બનો. કેટલીક ટેકનિકલ એરરને કારણે આ સાઈટ ખુલવામાં વાર લાગે છે પરંતુ આને ઠીક કરવામાં ગૃહ મંત્રાલય પગલાં લઈ રહી છે.

સલમાને કરી મદદની ઓફરઃ
સલમાન ખાને પણ પોતાની એનજીઓ બીઈંગ હ્યુમન ફાઉન્ડેશન તરફથી શહીદોના પરિવારને મદદ કરવાની રજૂઆત કરી છે. સલમાનની આ મદદની ઓફરને ભારતના ગૃહ રાજ્યમંત્રી કિરેન રિજિજુએ વખાણ કર્યાં છે. તેમને ટ્વિટ કરીને સલમાનનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તે જાતે સુનિશ્ચિત કરશે કે સલમાનના બિઈંગ હ્યુમનમાંથી મળેલી મદદ શહીદોના પરિવાર સુધી મોકલવામાં આવે.

‘ઉરી’ની ટીમે આપ્યા એક કરોડઃ
‘ઉરી’ની ટીમે ઉરી એટેક/આર્મી વેલફેર ફંડમાં એક કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે. પ્રોડ્યુસર રોની સ્ક્રૂવાલાએ ટ્વિટર પર આ અંગે માહિતી આપી હતી.

અમિતાભે આપ્યા પરિવાર દીઠ પાંચ લાખઃ
અમિતાભ બચ્ચન પણ શહીદના પરિવાર માટે આગળ આવ્યા છે. તેમણે 40 જવાનોના પરિવાર દીઠ પાંચ લાખ એટલે કે કુલ 2 કરોડ રૂપિયા દાન કર્યાં છે.

કૈલાશ ખેરે આપ્યા 10 લાખઃ
કૈલાશ ખેર ઉત્તર પ્રદેશનો છે અને તેમણે યુપીના દેવરિયા જિલ્લાના શહીદ વિજય કુમાર મૌર્યના પરિવારજનોને 10 લાખ રૂપિયાની મદદનું એલાન કર્યુ છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો