રાજકોટમાં ભૂખ્યાને ભોજન આપતા બોલબાલા ટ્રસ્ટે શરૂ કર્યો હેલ્પલાઇન નંબર, હવે માત્ર એક ફોન પર બાઈક દ્વારા ઘરે પહોંચાડશે નિઃશુલ્ક ભોજન

રાજકોટ શહેરમાં બોલબાલા ટ્રસ્ટ છેલ્લા 29 વર્ષથી સતત નિસ્વાર્થ ભાવે ભૂખ્યાને ભોજન અપાતું એક માત્ર ટ્રસ્ટ છે. બોલબાલા ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ હેલ્પલાઈન શરૂ કરાઇ છે. જેમાં જરૂરિયાતમંદ લોકો હવેથી આ હેલ્પલાઇન નંબર પર માત્ર એક ફોન કરે અને તેને પોતાના ઘરે અથવા રાજકોટના 15 કિલોમીટરના વિસ્તારમાં જ્યાં પણ એ વ્યક્તિ હોય ત્યાં નિઃશુલ્ક વાહન લઈને તેને ગરમાગરમ ભોજન પીરસવામાં આવે છે. તેમજ આ ભોજન તેને લાગણી સાથે નિસ્વાર્થ ભાવે પીરસવામાં આવે છે. જેના માટે ટ્રસ્ટ દ્વારા 10 જેટલા ડિલિવરી બોય રાખવામાં આવ્યા છે.

સતત 29 વર્ષથી ભુખ્યાને ભોજન બોલબાલા ટ્રસ્ટ દ્વારા પીરસવામાં આવે છે

રાજકોટના 15 કિલોમીટરના વિસ્તારમાં ફરીને જે પણ વ્યક્તિએ ફોન કર્યો હોય તેને હાથોહાથ ગરમ ગરમ ભોજન આપવામાં આવે છે. સમગ્ર મામલે જયેશભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે છેલ્લા 29 વર્ષથી સતત ભુખ્યાને બોલબાલા ટ્રસ્ટ દ્વારા ભોજન પીરસવામાં આવે છે. જેના માટે ભારતમાં હજુ સુધી કોઈએ પણ શરૂ નથી કરી એવી રોટી બેંકની સ્થાપના કરી અને આ રોટી બેંક બાદ જે પણ ભોજન બોલબાલા ટ્રસ્ટમાં આવે છે તેને ભૂખ્યા જન સુધી સમયસર પહોંચાડવાનું કામ આ બોલબાલા ટ્રસ્ટ દ્વારા લાગણી પૂર્વક કરવામાં આવી રહ્યું છે.

રાજકોટના 15 કિલોમીટરના વિસ્તારમાં ભોજન પીરસવામાં આવે છે

10 જેટલા ડિલિવરી બોય રાખવામાં આવ્યા છે

બોલબાલા ટ્રસ્ટનું એક સૂત્ર છે કે, માણસ સવારે ભલે ભૂખ્યો ઉઠ્યો હોય પરંતુ રાતે તે ભૂખ્યો સુવો ન જોઈએ. ખરા અર્થમાં ટ્રસ્ટ દ્વારા પોતાના આ સૂત્રને હાલ સાર્થક કરવામાં આવી રહ્યું છે. આ સિવાય જ્યારે પણ કુદરતી આફત અથવા કોઈ પણ સંસ્થાને જરૂર હોય તેવા સમયે બોલબાલા ટ્રસ્ટ દ્વારા અડધી રાત્રીએ તેમના માટે ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. રાજકોટવાસીઓ પણ હવે બોલબાલા ટ્રસ્ટના કાર્યથી વાકેફ છે. જેથી શહેરમાં કોઈ પણ ભૂખ્યો જન મળે એટલે લોકો પણ બોલબાલાના હેલ્પલાઇન નંબર પર ફોન કરીને તેમના માટે તાત્કાલિક ભોજનની વ્યવસ્થા કરે છે.

ઉલ્લેખનીય છે કે, હાલ ઘણી મોટા મોટા ફૂડ રેસ્ટોરન્ટ પોતાના ડિલિવરી બોય રાખીને પૈસા લઈને ઘરે ઘરે ભોજન અથવા ફૂડ પહોંચાડે છે. ત્યારે બોલબાલા દ્વારા માત્ર એક આશીર્વાદની ભાવના સાથે કોઈપણ વ્યક્તિ સુધી વિનામૂલ્યે ભોજન પહોચાડવામાં આવી રહ્યું છે. જે હાલ સમગ્ર ભારતમાં માત્ર એક જ આ પ્રકારનું ટ્રસ્ટ હોય તેવું સામે આવ્યું છે.

Helpline Number- 0281- 2237000

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો