રાજકોટમાં બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટની અનોખી ‘રોટલી બેન્ક’, સેંકડો જરૂરિયાતમંદોને મફત આપે છે ભોજન
આપણા દેશમાં રોજના 19 કરોડથી વધુ લોકોને ભૂખ્યા સૂવાનો વારો આવે છે. જ્યારે ઘણા લોકો નિયમિત ભોજનનો બગાડ કરે છે, થાળીમાં છાંડે છે. આ સમયે આપણે જરૂરિયાતમંદો અંગે વિચાર પણ કરીએ છીએ? આ જ ચીજને ધ્યાનમાં રાખીને એક ચેરિટેબલ ટ્રસ્ટે રાજકોટમાં અનોખી ‘રોટી બેન્ક’ શરૂ કરી છે. આ ટ્રસ્ટ શહેરના જરૂરિયાતમંદો અને હોસ્પિટલના દર્દીઓને ભોજન આપે છે.
આ છે ઉદ્દેશ
બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય જે. ઉપાધ્યાયે જણાવ્યું કે તેમનું ટ્રસ્ટ ઈચ્છે છે કે કોઈએ ભૂખ્યા પેટે ન સૂવું પડે. તેમણે ANI ન્યુઝને જણાવ્યું કે તેમણે બિહાર અને પંજાબમાં આવું જોયા બાદ તેમને રાજકોટમાં રોટી બેન્ક શરૂ કરવાનો વિચાર આવ્યો.
50 કિ.મી ફરી રોટલી એકઠી કરે છે
આ ટ્રસ્ટ તેમનું વાહન લઈને રોજ 50 કિ.મી ફરે છે અને ઘરે ઘરે જઈને રોટલી ભેગી કરે છે. તેમને રોજની લગભગ 3000 જેટલી રોટલી મળે છે. ઉપાધ્યાયે જણાવ્યું, “જે લોકો પાસે ભોજન નથી અને હોસ્પિટલના દર્દીઓને અમે સંપૂર્ણ ભોજન કરાવીએ છીએ. અમે આ બીજી જગ્યાએ પણ શરૂ કરવા માંગીએ છીએ.”
દેશમાં બીજે પણ ચાલે છે આવી સેવાઃ
માત્ર ગુજરાતમાં જ નહિ, કલકત્તામાં પણ એક NGO એવી વાન ચલાવે છે જેમાં ઓટોમેટેડ રોટલી બનાવવાનું મશીન છે. ‘અપની રોટી’ દરરોજ 2000 લોકોને જમાડે છે. તેના ફાઉન્ડર વિકાસ અગ્રવાલે જણાવ્યું, “અમે ઓગસ્ટ 2018થી આયોજન કરતા હતા, 1 જાન્યુઆરીએ અમે વાન શરૂ કરી. અમે જરૂરિયાતમંદોને ફ્રેશ અને હાઈજિનિક ભોજન કરાવીએ છીએ.”