ભુખ્યા લોકોના પેટ ભરવા રાજકોટમાં ચાલતી અનોખી બેંક, રોજ રોટી જમા કરાવવા લાગે છે લાઈન
પૈસા, બ્લડ અને મિલ્ક સહિતની બેંકો તો ઠેર ઠેર જોવા મળે છે. પરંતુ રાજકોટના બોલબાલા ટ્રસ્ટ દ્વારા રોટી બેંક ચાલી રહી છે. રોટી જમા કરાવવા રોજ લોકોની લાઇન લાગે છે. અહીં રોજ 3000થી માંડી 3500 જેટલી રોટી જમા થાય છે. જે ગરીબ અને ઝુંપડપટ્ટીમાં વસતા જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડી ભૂખ્યાનાં પેટની જઠરાગ્ની ઠારવામાં આવે છે. આ ટ્રસ્ટનો એકમાત્ર ઉદેશ છે કે કોઇ ભૂખ્યું ના સૂવે.
શરૂઆતમાં 250થી 300 રોટી જ જમા થતી
શહેરમાં બોલબાલા ટ્રસ્ટ દ્વારા લગભગ ચાર વર્ષથી આ રોટી બેંક ચાલી રહી છે. જેમાં લોકો પોતાની રીતે જ રોટી જમા કરાવતા થયા છે. શરૂઆતમાં રોજ 250થી 300 જેટલી રોટી જમા થતી હતી. પરંતુ સમય જતા આ બેંકનો વ્યાપ પણ વધ્યો. આજે રોજની 3 હજારથી વધુ રોટી જમા થાય છે. ટ્રસ્ટના સેવકો દ્વારા આ રોટી સરકારી હોસ્પિટલ, મજૂરવર્ગ અને ઝુંપડપટ્ટીના લોકોમાં વિતરણ કરવામાં આવી રહી છે. શહેરમાં ગમે ત્યાં લગ્ન પ્રસંગ હોય કે જમણવાર હોય ત્યાં વધેલું ભોજન પણ આ ટ્રસ્ટ દ્વારા એકત્રિત કરી જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવે છે.
રોટલીની સાથે શાક અને મિઠાઈ પણ પીરસવામાં આવે છે
અહીંયા રોટલીની સાથે શાક અને મિઠાઈ પણ પીરસવામાં આવે છે. સવારથી બપોર સુધીમાં રોટલી એકઠી કરીને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવે છે. ટ્રસ્ટનો એકમાત્ર ઉદેશ એ છે કે ગરીબ અને જરૂરીયાત મંદ લોકોને પૌષ્ટીક ભોજન પહોંચાડી શકાય. જો કે આટલા મોટા શહેરમાંથી 3000-3500 રોટલીથી તો બધા લોકોનું પેટ ભરવુ મુશ્કેલ છે પણ દરરોજ 1000 કરતા વધારે ભુખ્યા લોકોનું પેટ આ રોટલીથી ભરાઈ જાય છે.
આવનાર સમયમાં આ બેંક 10 હજારથી વધુ ભુખ્યા લોકોના ભેટ ભરશે
રોટલી આપનારા લોકોનું માનવુ છે કે પુણ્ય જ સૌથી મોટુ ફળ છે. જો કોઈનું સારૂ કરશો તો કુદરત પણ સૌનું ભલુ કરશે. જેથી અહીંયા રોટલી આપવાવાળાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આવનાર સમયમાં 10 હજારથી વધુ ભુખ્યા લોકોનું પેટ ભરવા માટેનું કામ આ રોટી બેંક દ્વારા કરવામાં આવશે.
શું કહે છે રોટી બેંકના સભ્ય?
બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્ય જયેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે તેમનું ટ્રસ્ટ ઈચ્છે છે કે કોઈએ ભૂખ્યા પેટે ન સૂવું પડે. આ સાથે જ કહ્યું કે બિહાર અને પંજાબમાં આવું જોયા બાદ અને સરકારી હોસ્પિટલની બહારની આવેલા લોકોના દ્રશ્ય જોઈને તેમને રાજકોટમાં રોટી બેન્ક શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. આ ટ્રસ્ટ તેમનું વાહન લઈને રોજ 50 કિ.મી ફરે છે અને ઘરે ઘરે જઈને રોટલી ભેગી કરે છે. તેમને રોજની લગભગ 3000થી વધુ રોટલી મળે છે. ઉપાધ્યાયે જણાવ્યું, જે લોકો પાસે ભોજન નથી તેવા લોકોને અને હોસ્પિટલના દર્દીઓને અમે સંપૂર્ણ ભોજન કરાવીએ છીએ. રોટી બેંકમાં શુદ્ધ ઘી વાળી તાજી રોટલી જ લેવામાં આવે છે. આ સિવાય અન્ય શહેરોમાં પણ આ પ્રકારની બેંક શરૂ કરવાની ઈચ્છા છે.