ભાજપ MLAનો હર્ષ સંઘવીને પત્ર: રાજકોટના CP 15% કમિશને ડૂબેલાં નાણાં અપાવે છે, 15 કરોડની ઠગાઈમાં 75 લાખ પડાવ્યા
રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે પોલીસબેડામાં ફડફડાટ મચાવે એવો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે, જેમાં ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. ગોવિંદ પટેલે પત્રમાં લખ્યું છે કે રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે. તેણે એક કિસ્સામાં 15 કરોડની છેતપિંડીનો ભોગ બનેલા ફરિયાદીની FIR ન ફાડી એની ઉઘરાણીનો હવાલો રાખી જે નાણાંની ઉઘરાણી આવે એમાંથી 15 ટકા હિસ્સો માગી આ રકમ PI મારફત 75 લાખ જેવી ઉઘરાવી હતી. હવે વધુ 30 લાખની ઉઘરાણી માટે PI ફોન કરી રહ્યા છે.
અગાઉ પણ મેં આવી અનેક ફરિયાદો પાર્ટીને કરેલી જઃ ગોવિંદ પટેલ
આ અંગે ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, દોષિતોને કડક સજા થવી જોઈએ, આ સમગ્ર મુદ્દે ગૃહમંત્રી નિર્ણય લેશે. અગાઉ પણ મેં આવી અનેક ફરિયાદો પાર્ટીને કરેલી જ છે. જવાબદાર વ્યક્તિ આવું કરે તો કડક સજા થવી જોઈએ. ક્યાં આધારે તપાસ કરશે કે નહીં કરે તે હવે ગૃહમંત્રીનો વિષય છે. જવાબદાર વ્યક્તિએ આવું કરવું ન જોઈએ એવું હું માનું છું. કાયદેસરના પગલાં લેવાવા જોઈએ. હું એવું માનું છું કે, દોષિત સામે પગલાં લેવા જ જોઈએ.
15 કરોડની છેતરપિંડીનો કેસ મહેશભાઈ સખિયાએ કર્યો હતો
તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું છે કે રાજકોટ શહેર પોલીસ કમિશનરની કામગીરીથી આપને મેં વાકેફ કર્યા છે, તેઓ કોઈ મવાલી-ગુંડા લોકો જે રીતે કોઈની ઉઘરાણી લેણી નીકળતી હોય અને સામેની પાર્ટી પૈસા ન આપતી હોય તેવા સંજોગોમાં પૈસાની ઉઘરાણી કરવાના હવાલા પણ સંભાળી રહ્યા છે, જેના ઘણા કિસ્સાઓ રાજકોટમાં બન્યા છે, પરંતુ એક કિસ્સામાં આપને લેખિત ફરિયાદ રાજકોટના મહેશભાઈ સખિયાએ કરી છે. તેમની સાથે આઠેક માસ પહેલાં આશરે 15 કરોડની છેતરપિંડી થઈ હતી. આ અંગેની FIR નહીં ફાડીને મહેશભાઈ પાસેથી ઉઘરાણીના જે પૈસા આવે એમાંથી 15 ટકા લેખે હિસ્સો માગ્યો હતો.
8 કરોડની ઉઘરાણીની એક પાઈ પણ આવી નથી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પ્રમાણે ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરીને સાતેક કરોડની વસૂલાત કરી છે, જે પૈકી 75 લાખ રૂપિયા કમિશનરે તેના PI મારફત વસૂલ્યા છે, બાકીની 30 લાખની ઉઘરાણી જે-તે PI ફોનથી કરી રહ્યા હતા પરંતુ આ રકમ આવી નથી. ત્યાર બાદ આપના પાસે ફરિયાદ થતાં FIR દાખલ થઈ હતી, જેમાં બે આરોપીને પકડ્યા પણ ખરા, એક આરોપી ભાગતો ફરે છે અને આ જ રકમમાંથી એક ફ્લેટ લીધો છે. આમ, પોલીસ કમિશનર આવા ડૂબેલાં નાણાં ટકાવારીથી વસૂલવાનું પણ કામ કરે છે. આ અંગેની આપને આપેલી ફરિયાદ પછી અને FIR ફાડ્યા પછી બાકીની 8 કરોડની ઉઘરાણીની એક પાઈ પણ આવતી નથી તેમજ પોલીસ કમિશનરે લીધેલી 75 લાખની રકમ પરત મળે જે અંગે આપ કાયદાની મર્યાદામાં પગલાં ભરો તેવી વિનંતી છે.
પોલીસ કમિશનર ક્યાં છે એ કોઈને ખબર નથી. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે આ અંગે જેસીપી ખુરશીદ અહેમદે પણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, CP ક્યાં છે એ મને પણ ખબર નથી. આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
પત્રમાં કેટલું તથ્ય છે એ અંગે ઉચ્ચ અધિકારી હેઠળ તપાસ થશેઃ JCP
રાજકોટના જોઈન્ટ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદે જણાવ્યું હતું કે ગોવિંદભાઈએ પત્ર લખી પોલીસ કમિશનર પર આક્ષેપો કર્યા છે એ અંગે તટસ્થ તપાસ કરવામાં આવશે. પત્રમાં કેટલું તથ્ય છે એ અંગે ઉચ્ચ અધિકારી હેઠળ તપાસ કરાવવામાં આવશે. હથિયારના લાઇસન્સમાં 5-5 લાખ લેવામાં આવી રહ્યા છે એ અંગે મને ખબર નથી. મીડિયાએ સવાલ કર્યો કે મનોજ અગ્રવાલ રાજકોટ પોલીસ કમિશનર બન્યા ત્યારથી હથિયારનાં લાઇસન્સ વધારે આપવામાં આવ્યાં છે, ક્રાઈમ રેટ ઘટ્યો છે તો હથિયારના લાઇસન્સ આપવાની જરૂર શી? આ સવાલના જવાબમાં પણ જેસીપીએ મને ખબર નથી એવું કહ્યું હતું. ગોવિંદભાઈની મારી સાથે કોઈ વાત થઈ નથી. આ અંગેની તપાસ વહેલામાં વહેલી તકે પૂર્ણ થશે.
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા એ પણ નિવેદન આપી ગોવિંદ પટેલની વાતને સમર્થન આપ્યું છે. તેઓએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ મેં પણ પોલીસ વિરુદ્ધ ફરિયાદો કરેલી જ છે અને ગોવિંદભાઈ આ કેસને લઈને જ્યારે ગાંધીનગર રજૂઆત કરવા ગયા હતા ત્યારે હું એની સાથે હતો. ગોવિંદભાઇને આખી વાતને હું સમર્થન આપું છું. કમિશનરનું કામ ઉઘરાણી કરવાનું છે. જમીનોના સેટલમેન્ટ કરવાનું છે અને હપ્તાખોરીનું કામ ચાલુ જ છે. ખરેખર ન થવું જોઈએ. સરકારે પગલાં ભરવા જોઇએ. મેં ઉપર ધ્યાન દોર્યું હતું કે કોઈની ફરિયાદ નથી લેતા. હવે આને સારી પોસ્ટ ન મળવી જોઈએ, બાકી સરકારને કાયદાની રૂએ જે પગલાં હોય તે લેવા જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..