બાઈકના પૈડામાં સાડી ભરાઈ જવાથી નવજાત બાળકીની માતાનું થયું કરુણ મોત
તમે બાઈક કે ટુ વ્હીલર પર પાછળ બેસો એટલે તમે પોતાની સુરક્ષાની બિલકુલ દરકાર જ ન કરો તે જરાય યોગ્ય નથી. નવજાત દીકરી માટે આશીર્વાદ લેવા મંદિરે ગયેલી એક યુવતી પતિની પાછળ બાઈક પર બેઠી હતી ત્યારે સાડી બાઈકના પૈડામાં ભરાઈ જતા તે બાઈક પરથી પટકાઈ હતી અને તેનું મોત થઈ ગયું હતું. તેની સાડીનો ઢીલો છેડો બાઈકના પાછળના પૈડામાં ભરાઈ ગયો હતો જેને કારણે તે ખેંચાઈને પડી ગઈ હતી અને મોતને ભેટી હતી.
ચાર મહિના પહેલા જ માતા બ હતી
કેસની વિગતો મુજબ ચાર મહિના પહેલા બાળકીને જન્મ આપનાર 22 વર્ષની સુમિત્રા ચંડેલ અમદાવાદમાં વાસણાની પીએનટી કોલોની પાછળ શ્રી ઓમ નગરના વિભાગ ચારની રહેવાસી હતી. યુગલે બાળકી માટે આશીર્વાદ માંગવા માટે લાંભા મંદિરે જવાનું નક્કી કરતા રવિવારે સવારે તેના પતિ ભૂપેન્દ્ર ચંડેલ (28 વર્ષ) સુમિત્રા અને બાળકીને લેવા આવ્યો હતો. પરિવારના એક અંગત મિત્રના જણાવ્યા મુજબ બાળકીના જન્મ પછી ડોક્ટરની એપોઈન્ટમેન્ટ બાદ કરતા સુમિત્રા પહેલીવાર ઘરની બહાર પગ મૂકી રહી હતી.
લાંભા પાસે બની દુર્ઘટનાઃ
સવારે સવા નવની આસપાસ બાઈક લાંભા ચાર રસ્તા તરફ જવા ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે સુમિત્રાની સાડીનો ઢીલો છેડો બાઈકના પાછળના ટાયરમાં ભરાઈ ગયો હતો. બાઈક આગળ વધી એટલે તે નવજાત બાળક સાથે ફંગોળાઈ હતી. બાળકીને ફક્ત કપાળ પર નાનો ઘસરકો જ પડ્યો છે પરંતુ સુમિત્રાને માથામાં ભારે ઈજા થઈ હતી. ભૂપેન્દ્ર પત્નીને તાત્કાલિક એલ.જી હોસ્પિટલમાં લઈ ગયો હતો જ્યાં હોસ્પિટલ ઓથોરિટીએ તેને મૃત જાહેર કરી હતી.
આઘાતમાં સમગ્ર પરિવારઃ
ઘટનાથી આઘાતમાં ગરકાવ ભૂપેન્દ્રએ જણાવ્યું, “તે ફક્ત 22 વર્ષની જ હતી. અમે અમારો પરિવાર હજુ તો શરૂ કર્યો હતો અને અમારા પહેલા બાળકના આગમનની ખુશી મનાવી રહ્યા હતા. હું સવારે માતાજીના આશીર્વાદ લેવા તેને સસરાના ઘરેથી લઈ આવ્યો હતો.” તેના શર્ટ પર લોહીના ધબ્બા હતા અને શર્ટની આખી સ્લીવ લોહીમાં તરબોળ હતી. તેના પિતાએ માત્ર એટલું જ કહ્યું, “હું કશું નહિ બોલી શકું.”
સુમિત્રાના પિતાના પાડોશી સુરેશ નાગોરાએ જણાવ્યું કે, “ભૂપેન્દ્ર સીજી રોડની એક જ્વેલરી શોપમાં સેલ્સમેન તરીકે કામ કરે છે. માથામાં ઈજા ઉપરાંત સુમિત્રાના બંને હાથ છોલાઈ ગયા હતા જ્યારે બાળકીને માત્ર કપાળ પર ઘસરકો પડ્યો છે.” એલ.જી હોસ્પિટલે આકસ્મિક અવસાનનો કેસ દાખલ કર્યો છે. PSI એસ.એફ ભંડેરીએ જણાવ્યું, “આ આકસ્મિક મૃત્યુનો કેસ છે. અમે પતિનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી ફરિયાદ નોંધી છે.”