21 જૂન: આજે છે વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ, હવે સૂર્ય દક્ષિણ દિશાએ વળશે
સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદબિંદુને સંપાત દિવસ કહે છે. ભારતના લોકો 20 માર્ચનો દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કરે છે. સાથોસાથ 21 જૂનનો દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. આ વર્ષે 21 જૂનને શુક્રવારે અમદાવાદમાં દિવસ 13 કલાકને 33 મિનિટ જ્યારે રાજકોટમાં દિવસ 13 કલાક અને 28 મિનિટનો દિવસ રહેશે અને રાત 10 કલાકને 32 મિનિટની રહેશે. આથી ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે જ્યારે પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, ફીજી જેવા દેશોમાં લાંબામાં લાંબી રાતનો અનુભવ થશે.
સવારે 5.54 સુર્યોદય અને સાંજે 7.27 વાગ્યે સુર્યાસ્ત
તા. 21 જૂન પછી સૂર્ય દક્ષિણ તરફ વળે છે તેથી તેને દક્ષિણાયાન કહેવાય છે. દિવસ- રાતની લંબાઇ ચંદ્રની દિશા અને સૂર્ય તરફ પૃથ્વીનો ઝૂકાવ, સૂર્યને પરિભ્રમણ ગતિ વગેરે પરિબળો આધારિત હોય છે. પૃથ્વીની ધરી 23.5 ડિગ્રીને ખૂણે નમેલી છે એટલે કે પૃથ્વીનું માથુ દક્ષિણ અને ઉત્તર દિશા તરફ નમેલું હોવાના કારણે લોકોને ઠંડી, ગરમીનો અનુભવ થાય છે. ભાવનગરમાં 21 જૂને સવારે 5.54 મિનિટે સૂર્યોદય થશે અને સાંજે 7.27 કલાકે સૂર્યાસ્ત થશે.
અમદાવાદ સહિત ક્યાં કેટલા સમયનો દિવસ અને રાત
શહેર | દિવસનો સમયગાળો | રાતનો સમયગાળો |
અમદાવાદ | 13 કલાક 33 મિનિટ | 10 કલાક 27 મિનિટ |
વડોદરા | 13 કલાક 29 મિનિટ | 10 કલાક 31 મિનિટ |
ભાવનગર | 13 કલાક 27 મિનિટ | 10 કલાક 33 મિનિટ |
સુરત | 13 કલાક 22 મિનિટ | 10 કલાક 38 મિનિટ |
રાજકોટ | 13 કલાક 28 મિનિટ | 10 કલાક 32 મિનિટ |
મુંબઇ | 13 કલાક 13 મિનિટ | 10 કલાક 47 મિનિટ |
થરાદ | 13 કલાક 31 મિનિટ | 11 કલાક 29 મિનિટ |
હવે સૂર્ય દક્ષિણ દિશાએ વળશે
21 જૂન બાદ સૂર્યની ગતિ દક્ષિણ દિશા તરફની થશે. તેથી તેને દક્ષિણયાન કહેવામાં આવે છે. દિવસ અને રાતની લંબાઇ બદલાતી રહેશે. હવેથી સેકન્ડના તફાવતે દિવસ ટૂંકો અને રાત લાંબી થતી જશે.