ભૂજના યુગલે સાદગીથી લગ્ન કરી ચાંદલામાં મળેલા 1.75 લાખ ગૌસેવામાં આપ્યા
ભુજ તાલુકાના સુખપરમાં એક પરિવારે લગ્નોત્સવની પ્રેરક ઉજવણી કરી હતી જેમાં ચાંદલા રૂપે થયેલી 1.75 લાખ જેટલી આવક ગૌસેવા માટે આપવામાં આવી હતી. લગ્નગાળો શરુ થાય ત્યારે લગ્ન સમારંભોની વણઝાર લાગે. ઉચ્ચ માધ્યમ સ્તર પરિવારના દરેક લગ્ન સમારંભ માં લગભગ સામ્યતા જોવા મળે.
મોંઘી મોંધી લગ્ન પત્રિકા, મોંઘા મંડપ, જાકજમાળ ભર્યું લાઈટ ડેકોરેશન, લાંબુ મેનુ, અનેક પ્રકારના વ્યંજનો, પર્યાવરણ ને નુકશાન કર્તા પ્લાસ્ટીક ડીસ્પોસેબલનો મહતમ ઉપયોગ તથા મહેમાનોને એમના આર્થિક તેમજ સામાજિક સ્તર ને આધારે માન સન્માન. મહેમાનો દ્વારા પણ મોંઘી મોંઘી ભેટ સોગાદો જેનો કદાચ જ નવદંપતી ક્યારેક ઉપયોગ કરતા હશે નહિ તો ઘરનો મળીયો શોભાવશે અને બીજા લગ્ન સમારંભમાં બીજા દંપતીને રીપેક કરીને ભેટ સ્વરૂપે અપાય. લગભગ આ જ ઘટનાક્રમ દરેક લગ્ન સમારંભનો હોય છે. પણ સુખપરમાં યોજાયેલા આ લગ્નપ્રસંગ પ્રેરક પહેલ શરૂ કરાઇ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત સેવા પ્રમુખ નારણભાઈ વેલાણીની પુત્રી જીજ્ઞાના લગ્ન પ્રસંગે એક ટેબલ પર કુંભ રાખવમાં આવ્યો હતો જેમાં જમા થનારી રોકડ રકમનો ઉપયોગ ગાયોના ચારા માટે થશે તેમ દર્શાવાયું હતું. આ કુંભમાં 1.75 લાખ જેટલી રકમ એકઠી થતાં સુખપર ગૌ શાળા ટ્રસ્ટને 51 હજાર અને 1.25 લાખ કચ્છી લેવા પટેલ સમાજના ગૌદાન ફંડમાં આપવામાં આવ્યા હતા.
લગ્નના સ્થાન પર લગ્ન પ્રસંગને અનુરૂપ મંડપ તથા જરૂરી લાઈટની વ્યવસ્થા તથા જરૂરી બેઠક વ્યવસ્થા કોઈ પ્રકારનો ખોટો ભભકો અને ખર્ચ નહીં છતાં પ્રસંગને અનુરૂપ વાતાવરણ ઉભુ કરાયું હતું. ભોજન સમારંભમાં પણ લગ્નનો માહોલ અને સાદગીનો સમન્વય, શરીર તેમજ પર્યાવરણને નુકશાન પ્લાસ્ટીક ડીસ્પોસેબલ વાસણનો ઉપયોગ નહિ. મેનુ પણ કોઈ ઉજવણીને છાજે તેવું પણ લાંબુ લચક અને વેળફાય એવું નહિ.
સમારંભ માં પ્રાપ્ત થયેલ ભેટ રકમ કુલ ૧,૭૫,૦૦૦ માંથી ૫૧,૦૦૦ સુખપર ગૌશાળા ટ્રસ્ટ તેમજ ૧,૨૫,૦૦૦ કચ્છી લેવા પટેલ સમાજના ગૌદાન ફંડમાં આપવામાં આવ્યા. સમાજ ના દરેક લોકો માટે પ્રેરણાદાયી સમાંરભ કહી શકાય જરૂર છે માત્ર પહેલ કરવાની. આ પ્રસંગે ડો.જયંતીભાઈ ભાડેસિયા. ડો ચિંતનભાઈ ઉપાધ્યાય, મહેશભાઈ જીવાણી તથા યશવંતભાઈ ચૌધરી સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી.