મોટાં જ નહીં, બાળકો પણ કચરો ફેકતાં નથી; દિવસમાં 3 વાર સફાઇ, 10 લાખનું બજેટ
જૂની ધાર્મિક પ્રથા એવી છેકે, માણસને એકવાર ખાવુ અને ત્રણ ન્હાવું એવા વરદાનને બદલે એક વાર ન્હાવું અને ત્રણવાર ખાવું એવું સંભળાયું હતું. મૂળ વરદાનને ભાયલી ગામ સાચી પાડી રહી છે. ભાયલીમાં છ મહિનાથી સ્વચ્છતાનું સુંદર અભિયાન ચાલી રહ્યું છે.
ગુજરાતનું સંભવત: 14 હજારની વસ્તીનું ભાયલી એકમાત્ર એવું ગામ બન્યું છે જ્યાં સવારે, બપોરે અને સાંજે બેથી ત્રણ કલાક ત્રણ સમયે 90 સફાઇ કર્મીઓ ગામના રસ્તાઓમાં સફાઇ કરવા ફરી વળે છે. એટલું જ નહીં ભાયલીમાં માત્ર સફાઇ માટેનું જ મહિને રૂ.10 લાખનું ( દૈનિક રૂ.30 હજારથી વધુ) માતબર બજેટ ફાળવવામાં આવ્યું છે. ભાયલી ગામમાં કચરો કરવો એટલે મોટો આર્થિક દંડ ભરવા તૈયાર રહેવું તેવું કહેવાય છે. અહીં મોટેરા-વડીલો જ નહીં નાના બાળકો પણ ચોકલેટના રેપર ફેંકતા નથી. પાન-પડીકીના રેપરનો કચરો ફેંકવા પર તો સપ્ટેમ્બરમાં જ પ્રતિબંધ મૂકાઇ ગયો હતો.
હવે 1લી એપ્રિલથી ભાયલી મુખ્ય ગામ ( ગામતળ) જ નહીં પણ લોકોની માગણીને ધ્યાનમાં રાખીને જ ભાયલી ગ્રામપંચાયત હેઠળના તમામ વિસ્તારોમાં સફાઇના પ્રયાસો સઘન કરાશે. સ્ટ્રીટલાઇટ પૂરતી ન હોવાથી રીતસરના અંધારા ઉલેચવા પડતા હતા. તેથી સમગ્ર વિસ્તાર માટે 14 કિમીના રસ્તાઓ પર વીજળીના થાંભલાઓ નાંખવાની કામગીરી શરૂ થઇ છે. આ પ્રોજેક્ટ પાછળ રૂા. 4.50 કરોડનો ખર્ચ થશે અને 3 મહિનામાં પૂરો કરીને તમામ રસ્તાઓ ઝગમગતા થઇ જશે તેવો ગ્રામપંચાયતનો અંદાજ છે. અત્યારે ભાયલીના કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજની મોટી સમસ્યા છે. એકાદ સ્થળે તો ગંદા પાણી જમા થયેલા જોવા મળે છે.
ગ્રામ પંચાયતના પ્રયાસોથી એસટીપી (સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)નું બાંધકામ પણ શરૂ થઇ ચૂક્યું છે. આ પ્લાન્ટને લીધે 26 કિમીના વિસ્તારમાં ડ્રેનેજ લાઇનના પાણીનું પ્રોસેસિંગ થઇ શકશે. એસટીપીનો ખર્ચ રૂ.7.5 કરોડ રૂપિયાનો છે.
જાતે જ સફાઇ રાખે તે માટે વિશેષ પ્રયાસ: બેનર, પોસ્ટર કે હોર્ડિંગ્સ દ્વારા લોકોને સફાઇ માટેની અપિલ કરવા કરતાં લોકોને જ રૂબરૂ સમજાવવામાં આવે અને તે દ્વારા લોકો જાતે જ સમજતાં થાય તે જરૂરી છે. તેથી પંચાયતે આ માટે વિશેષ પ્રયાસ કર્યો છે. હવે જ્યારે ભાયલીને આવરી લેવાશે ત્યારે પણ આ જે પેટર્ન હશે. પંચાયતના સભ્યો જાતે જઇને સફાઇ કામગીરીનું મોનિટરિંગ કરે છે અને તેમાં ચૂક થઇ હોય તો અનુરૂપ કાર્યવાહી ત્યારે જ કરવામાં આવે છે. જોકે સફાઇ મુદ્દે વધુ બજેટ હોવા વિશે એક જણે વિરોધ કર્યો છે. દર્પણ પટેલ, સરપંચ, ભાયલી ગ્રામ પંચાયત
- 1,000 રૂપિયાનો દંડ ગામમાં કચરો ફેંકતો કોઇ પકડાય ત્યારે થાય છે
- 4,50,000 રૂપિયાની વસૂલાત છેલ્લા છ મહિનામાં ગંદકીના દંડ પેટે થઇ
- 50,000 કિલોગ્રામ કચરો રોજ એકત્ર કરવામાં આવે છે
- 6,000ઇમારતો ભાયલી ગ્રામ પંચાયત અંતર્ગત છે
- 2200ઇમારતોની નોંધણી જ હજી સુધી કરવામાં આવી છે
- 90સફાઇકર્મીઓ સફાઇ કામગીરી માટે રાખવામાં આવ્યાં છે
- 15કિલોમીટરના રસ્તાઓની સફાઇ થાય છે.