ગુજરાતના ગામડાની સરકારી શાળાના આ મહિલા શિક્ષિકા બાળકોનું અનોખી રીતે કરે છે વેલકેમ
એક તરફ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પર અત્યાચારના કિસ્સાઓ સામે આવે છે, તો બીજી તરફ ગુજરાતના અંતરિયાળ વિસ્તારના એક સરકારી શાળાના શિક્ષિકા વિદ્યાર્થીઓને હુંફ અને લાગણી આપી પારિવારિક માહોલ ઉભો કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવેલી કેનપુરકંપા પ્રાથમિક શાળામાં શિક્ષિકા ભાવનાબહેન પટેલે વિદ્યાર્થીઓને પ્રેમને તરબોળ કર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
કોઈને ગળે લગાવે છે તો કોઈને કિસ કરે છે
શિક્ષિકા ભાવનાબહેન પટેલ દ્વારા શાળામાં પ્રાર્થના પૂર્ણ થયા બાદ જ્યારે પ્રથમ વખત બાળકો કલાસરૂમમાં આવે ત્યારે તેમને બોર્ડ પર દોરેલા ચિત્રોમાંથી કોઈ એક ચિત્ર પર બાળક આંગળી મૂકે ત્યારબાદ જે પ્રકારના ચિત્ર પર બાળકે આંગળી મુકી હોય તે પ્રકારે વર્ગ શિક્ષક ભાવનાબહેન બાળકને અવકારે છે. જેના માટે તેણીએ બ્લેક બોર્ડ પર દિલ, હાથ, હોઠ જેવા ચિત્રો દોર્યા હોય છે. જો બાળક તાળી આપતા ચિત્ર પર આંગળી મૂકે તો બાળકને તાળી આપી વેલકમ કરવામાં આવે છે. બાળક દિલ પર આંગળી મૂકે તો તેને પ્રેમથી ભેટવામાં આવે છે. જો હોઠ પર આંગળી રાખે તો તમને કિસ કરવા દેવામાં આવે છે.
જાપાન અને અરબ દેશોની શાળાઓમાંથી પ્રેરણા લીધી
શાળા વેકેશન દરમ્યાન ભાવના બહેને જાપાન અને અરબ દેશોમાં બાળકોને શાળામાં કેવી રીતે આવકારવામાં આવે છે તે અંગેના કેટલાક વીડિયો જોયા હતા. જેના પરથી પ્રેરણા લઈને શિક્ષિકાએ શાળામાં નવતર પ્રયોગ શરૂ કર્યો છે. આ પ્રયોગને કારણે બાળકો પણ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે અને શિક્ષક તેમજ શિક્ષણ કાર્ય પ્રત્યે બાળકોનું સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે.
આ સિવાય આ શાળામાં બાળકોને શિક્ષણની સાથે સાથે પ્રાણી અને પ્રકૃતિ પ્રેમ વધે તેવા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. જેમાં શાળામાં બિલાડીને ખવડાવવાનું, પક્ષીઓને ચણ નાંખવા જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા બાળકના સર્વાંગી વિકાસનું ધ્યાન રાખવામાં આવે છે.