ખેડૂત પુત્ર ભાવેશ પટેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચના અમ્પાયર તરીકે પસંદગી પામીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું.
ગાંધીનગર જિલ્લાના માણસા ગામના ખેડૂત પુત્ર ભાવેશ પટેલ એનો અભ્યાસ પૂરો કરીને ઉચ્ચ અધિકારી બનવાના સપના સાથે યુપીએસસીની તૈયારીમાં લાગી ગયા. મહેનત ખૂબ કરી પણ ભગવાનની ઈચ્છા કંઇક જુદી હશે એટલે યુપીએસસીમા સફળતા ન મળી.
હાર માનીને નિરાશ થવાની બદલે યુપીએસસીની પરીક્ષાની તૈયારીના આધારે એમણે જીપીએસસીની પરીક્ષા આપી, સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરીઅને નાણા વિભાગમાં હિસાબી અધિકારી તરીકે સેવામાં લાગી ગયા. ભાવેશભાઈને ક્રિકેટમાં ખૂબ રસ પણ ઉમર 28ને પાર કરી ગઇ હતી એટલે ક્રિકેટર તરીકે કારકિર્દી બનાવવાનો કોઈ ચાન્સ નહોતો.
પોતાના મનપસંદ ક્રિકેટના ફિલ્ડમાં આગળ વધવા માટે હવે કોઈ તક છે કે કેમ ? તે જાણવા માટે ભાવેશભાઈએ ઈન્ટરનેટ પર ખણખોદ ચાલુ કરી.
ઈન્ટરનેટ પર તપાસ કરતા જાણવા મળ્યું કે બીસીસીઆઈ દ્વારા લેવામાં આવતી પરીક્ષા પાસ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચના અમ્પાયર બની શકાય છે. આ માટેની પરીક્ષા ખૂબ કઠિન હોય છે પણ ભાવેશભાઈએ દ્રઢ સંકલ્પ કર્યો કે મારે કોઈપણ ભોગે આ પરીક્ષા પાસ કરીને અમ્પાયર બનવું જ છે. અમ્પાયર બનવાના પ્રથમ પગથિયાં રૂપે ગુજરાત ક્રિકેટ એસોશિએશન દ્વારા લેવાયેલી પરીક્ષા પાસ કરી. દેશના જુદા જુદા રાજ્યમાં આવેલા દરેક ક્રિકેટ એસોસિએશન દ્વારા 25 ઉમેદવારોની પસંદગી કરીને આગળની પ્રક્રિયા માટે આ નામ બીસીસીઆઈને મોકલી આપવાના હોય છે.
2016માં ભાવેશભાઈએ આ પરીક્ષા પાસ કરી અને ગુજરાતના 25 પસંદ થયેલા ઉમેદવારો પૈકીના એક ઉમેદવાર બની ગયા. હવે ખરી કસોટીની શરૂઆત થઈ. અમ્પાયર બનવા માટે જુદા જુદા ચાર સ્ટેજ પસાર કરવાના હતા.
પ્રથમ સ્ટેજમાં ક્રિકેટના પાયાના જ્ઞાનની 100 માર્કની ટેસ્ટ હોય છે જેમાં 80થી વધુ માર્ક મેળવનાર બીજા સ્ટેજમાં પ્રવેશ મેળવે. બીજા સ્ટેજમાં ઊંડાણપૂર્વકના પ્રશ્નો સાથેની 100 માર્કની ટેસ્ટ હોય જેમાં 85 માર્કસથી વધુ માર્ક મેળવનાર ત્રીજા સ્ટેજમાં પ્રવેશ પામે. ત્રીજા સ્ટેજમાં અતિ કઠિન કહી શકાય એવી 100 માર્કની પરીક્ષા લેવાય અને આગળના સ્ટેજમાં જવા માટે 100માંથી 90 માર્ક્સ મેળવવા પડે. ભાવેશ પટેલે આ ત્રણે સ્ટેજ સફળતાપૂર્વક પસાર કરી લીધા અને અમ્પાયર બનવાના અંતિમ સ્ટેજમાં પહોંચી ગયા.
આ અંતિમ સ્ટેજ સૌથી અઘરું હોય છે. એમાં ઇન્ટરવ્યૂ અને પ્રેકટીકલ હોય છે. ઇન્ટરવ્યૂમાં 6 પ્રશ્નો પૂછાય જેના 30 માર્ક્સ હોય, પછી 10 વીડિયો બતાવી તેમાંથી પ્રશ્ન પુછાય તેના 40 માર્ક્સ હોય અને છેવટે લાઈવ મેચમાં અમ્પાયર તરીકે મુકવામાં આવે જેમાં આપેલા નિર્ણયના 25 માર્ક્સ હોય. આ ઉપરાંત ઉમેદવારનું વલણ, વર્તન, બોડી લેન્ગવેજ વગેરેના બીજા 5 માર્ક્સ હોય એમ કુલ 100 માર્કસનું આ ચોથું સ્ટેજ હોય.
ગુજરાત સરકારના નાણાવિભાગના નિયંત્રણ હેઠળ સહાયક નિરીક્ષક (ક્લાસ -1 અધિકારી) તરીકે ફરજ બજાવતા ભાવેશભાઈ પટેલ આ ચોથું સ્ટેજ પણ પાસ કરી ગયા અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચના અમ્પાયર તરીકે પસંદગી પામીને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું.
આજથી 27 વર્ષ પહેલાં 1991માં શ્રી અમિષ સાહેબાએ ગુજરાતને આ ગૌરવ અપાવ્યું હતું અને છેક 27 વર્ષ બાદ માણસાના એક ખેડૂતપુત્રએ ગુજરાતને પુનઃ અપાવ્યું.
મંજિલે ઉનહી હો મિલતી હૈ, જિનકે સપનોમે જાન જોતી હૈ
પંખો સે કુછ નહીં હોતા, હોંશલોસે ઉડાન હોતી હૈ.
ભાવેશ પટેલને ખોબે ખોબે અભિનંદન.
-શૈલેષભાઈ સગપરીયા
એક લાઈક અને શેર કરીને વધાવજો ..