એકલપંડે કાર ડ્રાઈવ કરી આર્કટિક સર્કલ પર પહોંચનારી વિશ્વની પ્રથમ મહિલા બની ભારૂલતા પટેલ

‘કદમ હો અસ્થિર જેના રસ્તો તેને જડતો નથી, અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી..’ આ પંક્તિને સાર્થક કરી છે મૂળ નવસારીના વતની અને યુ.કે.માં રહેતા એન.આર.આઈ. ભારૂલતા પટેલ કાંબલેએ. પોતાના બે પુત્રો પ્રિયમ અને આરૂષ સાથે સોલો કાર ડ્રાઈવિંગ કરી આર્કટિક સર્કલ પૂર્ણ કરનાર વિશ્વની પ્રથમ મહિલા બનવાનું ગૌરવ મેળવ્યું છે. ગુજરાતીઓના ગૌરવને વિશ્વસ્તરે ઉજાગર કરનાર ભારૂલતા કાંબલેએ ‘મમ વિથ ટુ કિડ્સ’ની થીમ પર ‘બેટી બચાવો, બેટી પઢાઓ’, કેન્સર જાગૃતિ અને સ્વચ્છતાના સંદેશ સાથે સોલો કાર પ્રવાસ કરીને 2792 કિમીનું અંતર માત્ર 39 કલાકમાં પૂર્ણ કરી આર્કટિક સર્કલના ઉત્તરધ્રુવ પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

અદમ્ય સાહસનો પરચો કરાવનાર આ ગુજરાતી મહિલાએ આ અગાઉ વર્ષ 2016માં પણ 57 દિવસમાં 32 દેશોની 35,383 કિમીની સફર પૂર્ણ કરી હતી. એ સમયે તેઓ બીએમડબ્લ્યુ X3 માં સવાર થઇ 75 દિવસની રોમાંચક સફર દરમિયાન આર્કટિક સર્કલ, બે ખંડ, છ ટેરેટોરિઝ, 9 ટાઈમ ઝોન, 3 રણ, 9 પર્વત માળાઓ અને 32 દેશોમાંથી પસાર થયા હતા. આ ઉપરાંત ઓગસ્ટ, 2017માં ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ના સંદેશ સાથે ગ્રેટ બ્રિટનના છેડાના બે વિસ્તારો- સાઉથવેસ્ટ, લેન્ડ્સ એન્ડ થી નોર્થઈસ્ટ સ્કોટલૅન્ડના જહોન ઓ ગ્રોટ્સ વચ્ચેની 1500 કિમીની નોનસ્ટોપ મુસાફરી માત્ર 14 કલાક અને 33 મિનિટમાં પૂર્ણ કરી 70માં સ્વાતંત્ર્ય દિનની તેમણે અનોખી ઉજવણી પણ હતી.

ભારૂલતા કાંબલે પ્રથમ એવા સાહસિક મહિલા છે જે આર્કટિક સર્કલમાં કોઈ પણ બેક અપ વાહન કે ક્રુ મેમ્બરની સહાય વિના એક સોલો ડ્રાઈવર તરીકે 14 દેશોનું 10,000 કિમીનું અંતર કાપીને ભારત પરત ફર્યા હતા. તેમના લક્ષ્યને પૂર્ણ કરવામાં તેમના પતિએ મહત્ત્વપૂર્ણ સહકાર આપ્યો હતો, અને મુસાફરીનો તમામ ખર્ચ ઉઠાવ્યો હતો. સફર દરમિયાન ઘણા સેવાભાવી લોકોએ તેમના કાર્યથી પ્રભાવિત થઇ ચેરિટી ફંડ આપ્યું હતું, જેને તેમણે કન્યા અનાથાશ્રમનું સંચાલન કરતી સામાજિક સંસ્થા હેમરાજ ચિલ્ડ્રન હોમમાં ડોનેટ કર્યું હતું.

મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, ભારૂલતા કાંબલે કેન્સરના રોગથી પીડિત છે. બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહેલા ભારૂલતાએ મુસાફરી શરૂ કર્યાના બે મહિના પહેલા જ કેન્સર સર્જરી કરાવી છે. જેમાં તેમના શરીરનું એક અંગ પણ દૂર કરવામાં આવ્યું છે. સર્જરી પછીની સારવારની પીડા અને અસ્વસ્થતાને નજરઅંદાજ કરી તેમણે સ્ત્રી શિક્ષણ, કેન્સર અને કન્યા કેળવણી અંગે લોકોને જાગૃત્ત કરવાનું અભિયાન શરૂ કર્યું. તેમનો આ સંકલ્પ ‘મમ વિથ ટુ કિડ્સ’ અભિયાનમાં પરિણમ્યો. તેમના 13 વર્ષીય પુત્ર પ્રિયમે મમ્મીના ડ્રાઈવિંગ સ્કિલનો ઉપયોગ કશુક નોખું-અનોખું કરવા માટે કરવા માટે સૂચવ્યું.

તાજેતરની તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યપાલશ્રી ઓ.પી. કોહલીએ તેમની સાહસપૂર્ણ સિદ્ધી બદલ વિશેષ સન્માન કર્યું હતું. તાજેતરમાં નવસારીના મહેમાન બની તેમણે જિલ્લા કલેકટર ડો. એમ.ડી. મોડિયા સાથે પણ મુલાકાત કરી હતી.

આર્કટિક સર્કલના ઉત્તરધ્રુવ પર પહોંચી તિરંગો લહેરાવવાના લક્ષ્યને સાકાર કરવા તેમજ ‘બેટી બચાવો, બેટી પઢાઓ’, સ્વચ્છતા, ‘સે નો ટુ પ્લાસ્ટિક’ અને કેન્સર જાગૃત્તિના સંદેશ સાથે ભારૂલતા અને તેમના બે બાળકોએ અનેક વિષમ આબોહવા અને પ્રતિકૂળ વાતાવરણ સામે બાથ ભીડીને પ્રેરણાદાયી સિદ્ધી હાંસલ કરી છે.

નવસારી જિલ્લાના દાંડી નજીક જલાલપોર તાલુકાના આટગામના વતની એન.આર.આઈ. ભારૂલતાજી તેમની સિદ્ધી વિષે વાત કરતાં કહે છે કે, વિદેશમાં રહેવા છતાં ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતી પરંપરાને ભૂલી નથી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વચ્છ ભારત અભિયાન’, ‘બેટી બચાઓ અભિયાન’ થી ભારે પ્રભાવિત છું. દેશમાં પરિવર્તન લાવવા માટે કંઇક અનોખું કાર્ય કરવું જરૂરી હોય છે, સાહસિકતા અને મુશ્કેલ કાર ડ્રાઈવિંગ માટે દેશ-વિદેશમાં મેં ખૂબ નામના મેળવી છે. જેથી કાર ડ્રાઈવિંગ કરી આર્કટિક સર્કલ પૂર્ણ કરનાર પ્રથમ મહિલા બનવાનું સ્વપ્ન સેવ્યું હતું, જેને સાકાર કરવામાં હું સફળ રહી છું.

માર્ગમાં અનેક અડચણો અને પડકારોનો સામનો કર્યો હોવાનું જણાવતાં તેઓ કહે છે કે, માઈનસ 15 થી 20 ડિગ્રી ઠંડીમાં અમારી ટીમને હવામાનની અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. આર્કટિક સર્કલની હવા પ્રતિ કલાક 110 થી 120 કિલોમીટરની ઝડપે ફૂંકાતી હતી. વાવાઝોડું, બરફના તોફાન અને ભારે વરસાદના વાતવરણમાં ટકી રહેવું મુશ્કેલ હતું. તિરંગો ફરકાવવા માટે વાવાઝોડું શમે તેની ત્રણ દિવસ રાહ જોઈ હતી. આખરે વાતાવરણ શાંત થતાં અમે તિરંગાને માનભેર, ગર્વભેર અને દેશભક્તિથી છલકાતાં આત્મવિશ્વાસથી ઉત્તરધ્રુવ પર લહેરાવ્યો હતો. ધીરજપૂર્વક સલામત ડ્રાઈવ કરી અમે મંઝિલ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા એમ તેઓ ઉમેરે છે.

ભારૂલતા પટેલ કાંબલેના પતિ સુબોધ કાંબલે મહારાષ્ટ્રના રાયગઢના વતની છે. તેઓ યુ.કે. ના જાણીતા રોબોટિક સર્જન અને યુરોલોજિસ્ટ છે. ભારૂલતાની સફર દરમિયાન તેઓ 24 x 7 સેટેલાઈટ ટ્રેકિંગ સિસ્ટમથી પત્ની અને બાળકો પર નજર રાખતા હતા. કોઈ આકસ્મિક કે અનિવાર્ય સંજોગોનું નિર્માણ થાય તો રેસ્ક્યુ ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવા સહિતની ઝીણામાં ઝીણી તૈયારીઓમાં સુબોધ કાંબલે સક્રિય રહ્યા હતા. ભારૂલતા યુરોપમાં જ્યાં પણ મુસાફરી કરી રહ્યા હોય, ત્યાં અઠવાડિયામાં એક વાર ફ્લાઈટમાં મળવા માટે આવતા હતા.

બાળપણથી સાહસિકતાના પાઠ ભણેલા ભારૂલતા કાંબલે અનેકવિધ આંતરરાષ્ટ્રીય સન્માન મેળવી ચૂક્યા છે. ગયા વર્ષે 20મી જાન્યુઆરી, 2018ના દિવસે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે માનનીય રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ દ્વારા પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ કાર્ય કરનારી મહિલાઓને સન્માન કરાયું હતું. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પસંદ કરાયેલી પહેલી મહિલા ન્યાયાધિશ, પહેલી મહિલા કુલી, મિસાઈલ પરિયોજનાની આગેવાની કરનારી પહેલી મહિલા, પહેલી પેરા ટ્રુપર, પહેલી ઓલમ્પિયન જેવી નામાંકિત 112 મહિલાઓને રાષ્ટ્રપતિશ્રીએ રાષ્ટ્રીય નારી શક્તિ સન્માન આપીને નવાજી હતી, જેમાં આર્કટિક સર્કલ પૂર્ણ કરનાર વિશ્વના પ્રથમ મહિલા ભારૂલતા પટેલ કાંબલે પણ સામેલ હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ તેમની આ સિદ્ધી અને સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વ નિભાવવાની ભાવનાને બિરદાવી નવી દિલ્હીમાં સન્માન કર્યું હતું.

લોખંડી દિલ અને મજબૂત ઈરાદાઓ સિદ્ધિ તરફ દોરી જાય છે એમ જણાવતાં ભારૂલતા કાંબલે કહે છે કે સફળતા મેળવવા માટે કાર્યને પાર પડવાની ઉત્કટતા હોવી જરૂરી છે, તમારૂ હ્રદય સિદ્ધી પ્રાપ્ત કરવા માટે ઝનુની બનશે, ત્યારે શરીરની તમામ શારીરિક અને માનસિક શક્તિઓ પૂરજોશથી કાર્યસિદ્ધી મેળવા માટે એકજૂટ બની જશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો