લીંબોળી ખોળ, દિવેલી ખોળ અને ચુના દ્વારા પાકની રોનક બદલતા ભરતભાઇ પરસાણા
રાજકોટના ઉદ્યોગપતિ ભરતભાઇ પરસાણા છેલ્લા 15 વર્ષથી પોતાના 60 વીઘાના ફાર્મમાં ગાય આધારિત ખેતી કરે છે. તેઓ પોતાના ફાર્મમાં ઓર્ગેનિક ખેતીના અનેક અખતરા કરે છે. જે અખતરાનું પરિણામ સારૂ મળે છે એવા અખતરા બીજા ખેડૂતો અપનાવે એ દિશામાં પણ તેઓ પ્રયાસ કરે છે. ભરતભાઇએ મગફળી અને જુવારમાં લીંબોળી ખોળ, દિવેલી ખોળ અને ચુનાના ઉપયોગથી સારો પાક લેવામાં સફળતા મેળવી છે.
જેમાં તેઓ દ્વારા 50 કિલો લિંબોળી ખોળ, 50 કિલો દિવેલી ખોળ અને 1 કિલો ચુનો(ખાવામાં વપરાય એવો) મિક્સ કરીને વાવણી પહેલા એક વીઘા પ્રમાણે સીધુ જમીનમાં આપવામાં આવ્યુ. આ પાકમાં ત્યારબાદ ડીએપી કે યુરિયા જેવુ કોઇપણ રાસાયણિક ખાતર આપવામાં આવ્યુ નથી. ભરતભાઇ પરસાણા છેલ્લા ત્રણ વર્ષથી પોતાના ફાર્મમાં આ પ્રયોગ કરી રહ્યા છે. તેઓના મતે આ ત્રણેય વસ્તુઓના કારણે જમીનમાં અળસિયા તેમજ ઉપયોગી બેક્ટેરિયાની સંખ્યા વધે છે. ચુનાના કારણે કેલ્શિયમની પૂર્તિ થાય છે. આ સાથે જમીનમાં ભેજ પણ જરૂરિયાત મુજબનો રહેતો હોવાથી પિયત પણ ઓછા આપવા પડે છે.
આ જૈવિક મિશ્રણના કારણે જમીનમાં મુંડાનો ઉપદ્રવ જરાય રહેતો નથી તેમજ ફૂગજન્ય રોગ પણ થતા ન હોવાનું ભરતભાઇનું તારણ છે. આ સાથે 500 મીલી ગાયના દૂધની છાશ અને 500 મીલી ગૌમૂત્રને 15 લિટર પાણી સાથે મિક્સ કરીને એનો પંપ દ્વારા દર 15 દિવસે છંટકાવ કરવાથી પાકનો વિકાસ ખૂબ સારો થાય છે એવુ ભરતભાઇ પરસાણા જણાવી રહ્યા છે. કોઇપણ જાતના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા વગર ભરતભાઇનો મગફળી અને જુવારના પાકના વીડિયો આપ નીચે જોઇ શકો છો.
લીંબોળી ખોળની ખરીદી ઉપર હાલ સરકાર સબસીડી પણ આપી રહી છે. ભરતભાઇ પરસાણા પોતે એન્જિનિયરિંગનો ઉદ્યોગ ધરાવે છે. આ સાથે તેઓ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળવા માટે પણ વર્ષોથી પ્રયાસ કરી રહ્યા છે. આપ ઓર્ગેનિક ખેતી કરવા ઇચ્છતા હો તો આપ Mo. 9726399699 ઉપર ભરતભાઇનો સંપર્ક કરી શકો છો.
Source- agriscienceindia