અમદાવાદની કચરાપેટીમાંથી મળેલી ‘માન્યતા’ને મળ્યાં મમ્મી-પપ્પા, બેંગલુરુના ગુજરાતી દંપતીએ માન્યતાને દત્તક લીધી
અમદાવાદમાં 6 મહિના પહેલા રખિયાલ વિસ્તારમાંથી કચરાપેટીમાંથી મળી આવેલી તાજી જન્મેલી બાળકીને બેંગ્લોરના દંપતીએ દત્તક લીધી છે. 2019ના જાન્યુઆરી મહિનામાં કચરાપેટીમાંથી તાજી જન્મેલી બાળકી ત્યાંથી પસાર થઇ રહેલા એક વ્યક્તિને મળી હતી. વ્યક્તિએ પોલીસને જાણ કરતા બાળકી પાલડી શિશુ ગૃહને સોપવામાં આવી હતી. તે બાળકીને કાલે સાંજે (સોમવારે, 24-6-2019) બેંગલુરુની એક દંપતીએ દત્તક લીધી છે. આ દંપતી મૂળ ગુજરાતી છે અને વર્ષોથી બેંગ્લોરમાં જ રહે છે.
ફૂતરાઓનો શિકાર બને તે પહેલા જ એક રાહદારીએ બચાવી:
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં કોઇ તાજી જન્મેલી બાળકીને કચરાપેટીમાં મુકી ગયું હતું. બાળકી રખડતા ફૂતરાઓનો શિકાર બને તે પહેલા જ ત્યાંથી પસાર થઇ રહેલા એક વ્યક્તિએ તેને બચાવી લીધી અને પોલીસને જાણ કરી હતી. પોલીસે બાળકીને પાલડી શિશુ ગૃહને સોંપી હતી. શિશુ ગૃહમાં બાળકીને માન્યતા નામ આપવામાં આવ્યું હતું. થોડાક જ સમયમાં માન્યતા સમગ્ર સ્ટાફની લાડકી બની ગઇ હતી.
દંપતી ઘણા સમયથી આશ્રમના કોન્ટેક્ટમાં હતા:
ગઇકાલે સાંજે માન્યતાને નવા માતા-પિતા મળી ગયા છે. બેંગલુરુના ધ્રુવ અને નિમિતા નામના દંપતીએ માન્યતાને દત્તક લીધી છે. દંપતી માન્યતાના માસૂમ ચેહરાને જોઇને પોતાના આંશુ રોકી શક્યા ન હતા. જ્યારે માન્યતાની માતા બનેલી નિમિતાએ પણ બાળકીના સારા ઉછેર માટે પોતાની બેન્ક મેનેજરની નોકરી પણ છોડી દીધી છે. આશ્રમના સ્ટાફની કહેવું છે કે, માન્યતાના જવાથી દુ:ખ થઇ રહ્યું છે, પરંતુ સૌથી મોટી ખુશીએ છે કે બાળકીને એક સારો પરિવાર મળી ગયો છે. આ દંપતી છેલ્લા ઘણા સમયથી આશ્રમના કોન્ટેક્ટમાં હતા.
માન્યતાને હાથમાં લેતા જ ધ્રુવ અને નિમિતા પોતાના આંસુ રોકી નહોતા શક્યા. બેંકમાં મેનેજર તરીકે કામ કરતા ધ્રુવે જણાવ્યું હતું કે, લોકોને કદાચ એમ લાગતું હશે કે અમે બાળકીને દત્તક લઈ રહ્યાં છીએ. જોકે, ખરેખર તો બાળકી અમને દત્તક લઈ રહી છે. માન્યતાના અમારા જીવનમાં આવવાથી તે સંપૂર્ણ બન્યું છે. ધ્રુવ રાયચુરાના પત્ની નિમિતા પણ હજુ હમણાં સુધી એક પ્રાઈવેટ બેંકમાં મેનેજર તરીકે કાર્યરત હતાં. જોકે, માન્યતાનો ઉછેર સારી રીતે કરી શકાય તે માટે તેમણે નોકરી છોડી દીધી છે.