આને કહેવાય સરપંચ, પોતાના જન્મ દિવસે સરપંચે ગામની 11 ગરીબ દિકરીઓને લીધી દત્તક

કહેવાય છે કે કેટલું જીવ્યા તે મહત્વનું નથી પણ કેવું જીવ્યા તે મહત્વનું છે. આ બાબતની પ્રતીતિ આજે બહુચરાજીના 33 વર્ષીય યુવાન સરપંચે કરાવી છે. પોતાના જન્મ દિવસે સરપંચે 11 ગરીબ દીકરીઓને દત્તક લઈ આજીવન તેમની શૈક્ષણિક જવાબદારી ઉપાડવાની નેમ લઈ એક આગવો ચીલો ચાતર્યો છે. પોતાના જન્મદિવસને તો સરપંચે આ કાર્ય થકી યાદગાર બનાવ્યો પણ સાથે સાથે સમગ્ર રાજ્યના સરપંચ માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ 11 બાળકીઓ એવા પરિવારમાંથી આવે છે કે જેમને બે ટંક ખાવાના પણ ફાંફા છે. સરકાર તરફથી મળતા શાળાના ગણવેશ સિવાય આ બાળકીઓએ ક્યારેય સારા કપડાં નથી પહેર્યા. સરકારી પ્રાથમિક શાળામાં ભણતી આ બાળકીઓના પરિવાર પાસે ચોપડા લાવવાના પણ પૈસા નથી. પણ આજે આ બાળકીઓ ખુશખુશાલ જોવા મળી રહી છે. કારણ કે તેમની હવે એ ચિંતા ટળી ગઈ છે કે કપડાં ક્યાંથી લાવીશુ. પુસ્તક ક્યાંથી લાવીશું. બહુચરાજીના 33 વર્ષીય યુવાન સરપંચ દેવાંગ પંડ્યા આ બાળકીઓના ચહેરા પર આ ખુશી લાવ્યા છે.

પોતાના 33માં જન્મ દિવસે આ સરપંચે એક એવો નિર્ણય કર્યો અને આ બાળકીઓની કાયમ માટેની ચિંતા જ દૂર થઈ ગઈ. પોતાના 33માં જન્મ દિવસ નિમિત્તે બહુચરજીના સરપંચ દેવાંગ પંડ્યાએ આ 11 બાળકીઓને આજીવન દત્તક લેવાની જાહેરાત કરી છે. આ બાળકીઓ જ્યાં સુધી ભણે તેનો તમામ ખર્ચ તેમના કપડાંનો ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી છે. એટલું જ આ બાળકીઓ જ્યારે લગ્નની ઉંમરે પહોંચશે ત્યારે સરપંચ તેમના લગ્નનો ખર્ચ પણ ઉપાડશે.

 

બહુચરાજી એટલે મહેસાણા જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત. આ ગ્રામ પંચાયતના સરપંચની જવાબદારી દેવાંગ પંડ્યા નામના યુવાનને ગ્રામજનોએ સોંપી હતી. દેવાંગ પંડ્યાના સરપંચ કાળ દરમિયાન બેચરજીમાં વિકાસના અનેક કામતો થયા છે. પણ આજે તેમણે કરેલી એક આગવી પહેલને કારણે આજે બહુચરાજીના સરપંચ માટે સમગ્ર ગામના લોકો ગૌરવ લઈ રહ્યા છે. બહુચરાજીમાં હાલ સિદ્ધપુરમાં પૂર્વ ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના માતૃશ્રીના સ્મરણાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. આ સપ્તાહમાં આજે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી હતી. ત્યારે આ પ્રસંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં સરપંચે બાળકીઓને દત્તક લેવાની જાહેરાત કરી હતી.

કોઈના જીવનમાં વર્ષો ઉમેરવા કરતા વર્ષોમાં જીવન ઉમેરવું મોટી વાત છે. બેચરાજીના સરપંચે આજે 11 બાળકીઓને ચહેરા ઉપર સ્મિત લાવવાનું ઉમદા કાર્ય કર્યું છે. ત્યારે આ સરપંચની દિલેરીને સો સલામ…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો