BAPSના વડા મહંત સ્વામીનું દુબઈમાં રેડકાર્પેટથી ભવ્ય સ્વાગત, UAE સરકારે કર્યું બહુમાન
BAPSના આધ્યાત્મિક વડા પ.પૂ મહંત મહારાજ ગુરુવારે અબુધાબીમાં BAPSના મંદિરના શિલાન્યાસ માટે પહોંચતા એરપોર્ટ ખાતે અબુધાબીના રાજવી પરિવાર શેખ નહિયાન અલમુબારકે રેડકાર્પેટ બિછાવી સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મંદિરના શિલાન્યાસ માટે સ્વામિનારાયણના સંતોના આગમન માટે શેખ નહિયાન અલમુબારક તથા તેમનો પરિવાર આતુરતાથી રાહ જોતો હતો. તેમણે કહ્યું, સમગ્ર UAE તમારું હાર્દિક સ્વાગત કરે છે.
મહંત સ્વામી દુબઈના અલ મુક્તુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચ્યા ત્યારે યુએઈ રાજવી પરિવારના વરિષ્ઠ સભ્ય અને યુએઈના મંત્રી શેક નહ્યાન મુબારક અલ નહ્યાને તેમનું સ્વાગત કર્યું હતું. આ સમયે મહંત સ્વામી સાથે સાક્ષાત હરિકૃષ્ણ મહારાજની પણ પધરામણી દુબઈની ધરતી પર થઈ હતી. તેમનું સ્વાગત દેશના ખાસ મહેમાન તરીકે સ્ટેટ ગેસ્ટનું બહુમાન આપીને કરવામાં આવ્યું હતું.
20 એપ્રિલે છે વિશાળ મંદિરનો શિલાન્યાસ
20 એપ્રિલના રોજ યોજાનારા આ શિલાન્યાસમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે તેવી શક્યતાને ધ્યાને રાખીને UAE સરકારે તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉભી કરી છે. આ ભવ્ય મંદિરના શિલાન્યાસને લઈને સમગ્ર અબૂધાબી જાણે હરિકૃષ્ણ ભક્તિમાં રંગાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે. વડાપ્રધાન મોદી જ્યારે UAEના પ્રવાસે ગયા હતા ત્યારે તેમણે આ મંદિરની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા UAEએ ખ્રિસ્તિ ધર્મના વડા પોપ ફ્રાન્સીસનું પણ આ જ પ્રકારને બહુમાન આપી સ્વાગત કર્યું હતું.