સુરતના 75 વર્ષના બકુલાબેન પટેલ છે ઇન્ટરનેશનલ સ્વિમર, અત્યાર સુધી 117 ગોલ્ડ મેડલ મેળવ્યા છે

58 વર્ષની ઉંમરે કોઝ-વેમાં સ્વીમિંગ શીખવાની શરૂઆત કરનાર 75 વર્ષીય બકુલાબેન પટેલ આજે ઇન્ટરનેશનલ સ્વીમર છે અને ઢગલેબંધ ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે. બકુલાબેને જણાવ્યું હતું કે, અભી તો મેં જવાન હું એ મારું સૂત્ર છે.

58 વર્ષે કરી સ્વિમિંગ શીખવાની શરૂઆત

રાંદેરમાં નવયુગ કોલેજ નજીક આવેલી દિવ્યકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા બકુલાબેને જણાવ્યું હતું કે, એ વખતે હું 58 વર્ષની હતી. મારી દિકરીનાં દિકરા અને દિકરીને હું સ્વિમિંગ માટે લઇ જતી. એ બંને જણ સ્વિમિંગ કરતાં હોય અને હું પુલ પાસે બેસી રહેતી. એ વખતે મને વિચાર આવ્યો કે, એમની સાથે હું પણ સ્વિમિંગ શીખવાનું શરૂ કરું તો? અને મેં તાપી નદીમાં કોઝ-વે પર સ્વિમિંગ શીખવા માંડ્યું. એ વખતે મને એક વાત સમજાઇ ગઇ, કે જો મનમાં નક્કી કર્યું હોય તો તમે કંઇપણ એચિવ કરી શકો છો. ક્યાંય પણ પહોંચવું હોય તો પહેલાં જ્યાં ઊભા છો, ત્યાંથી નીકળવાની શરૂઆત કરવી પડે. મેં શરૂઆત કરી અને આજે મારા હાથમાં નેશનલ-ઇન્ટરનેશનલ લેવલનાં 280 જેટલા મેડલ્સ-ચેમ્પિયનશીપ એવોર્ડસ છે.

બકુલાબેનનું રૂટિન

છેલ્લાં સત્તર વર્ષથી હું સ્વિમિંગ કરું છું. રોજ સવારે સવા ચાર વાગ્યે ઉઠી જાઉં, નવયુગ કોલેજથી પારલે પોઇન્ટ સુધી દોડવા જાઉં. દોડીને આવ્યા પછી સવારે સાડા સાત વાગ્યે તાપી નદીમાં કોઝ વે પર સ્વિમિંગ માટે જાઉં. સાડા નવે ઘરે પાછી આવું અને ઘરનાં કામકાજ કરી બપોરે ત્રણ વાગે જોગાણીનગરનાં સ્વિમિંગપુલમાં એક કલાક સ્વીમિંગ માટે જાઉં. ઘરે આવીને સાંજે છ વાગે ગ્રાઉન્ડમાં દોડવા માટે જાઉં અને સાડા સાત કલાકે દોડીને પાછી આવું.

75 વર્ષની ઉંમરે એકપણ હેલ્થ પ્રોબ્લેમ નહીં

રોજનો અડધાથી પણ વધારે દિવસ સ્વિમિંગ પાછળ ફાળવતા હોવાથી બકુલાબેનનાં હેલ્થ રિપોર્ટસ નોર્મલ જ રહે છે. એમની ફિટનેસ એમનાં સર્ટિફિકેટ્સની સંખ્યામાં અને સ્ટોપ વોચનાં ઓછામાં ઓછા સમયમાં વધારો કરતી રહે છે.

17 વર્ષમાં 117 ગોલ્ડ મેડલ મેળવ્યા

બકુલાબેન પટેલ સ્વિમિંગ અને એથલેક્ટિક્સના ખેલાડી હોવાથી તેમણે નેશનલ લેવલે જ નહી પરંતુ ઇન્ટરનેશલ લેવલે પણ ખુબ સારૂ પરફોર્મન્સ આપ્યું છે.અત્યાર સુધીમાં તેમણે 117 ગોલ્ડ મેડલ્સ સહિત 280 જટેલા મેડલ મેળવી ચૂક્યા છે. આ સાથે તેમણે કેનેડા, અમેરીકા,મોન્ટીયલ, ઓસ્ટ્રેલિયા,મલેશિયા, ચાઇના,ફ્રાન્સ માં યોજાયેલી ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેન્ટ કર્યું છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો