ડાંગ જિલ્લામાં સૌપ્રથમ આદિવાસી વિદ્યાર્થી અવિરાજને મળ્યું IIT- દિલ્હીમાં એડમિશન, સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું

ગુજરાતના ડાંગ જિલ્લાનો આદિવાસી જાતિના 17 વર્ષીય અવિરાજ ચૌધરીએ એવું કામ કરી બતાવ્યું છે જેનાથી સૌ કોઈને તેના પર ગર્વ થાય. ગરીબ અને નિરક્ષર ખેડૂત પિતાનો દીકરો દેશની ઉચ્ચ ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મેળવે તે કોઈ નાની વાત નથી. અવિરાજ તેના સગાં કુલ 11 ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે. તેને પાંચ બહેનો અને પાંચ ભાઈઓ છે. ડાંગ જિલ્લાનો અવિરાજ પહેલો એવો છોકરો છે જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી- દિલ્હીમાં ભણવા માટે જશે.

પરિશ્રમ એ જ પારસમણી

અવિરાજના પિતા સખારામ ચૌધરી ખેતીકામ કરે છે અને માતા સેવંતીબેન ઘરકામ કરે છે. તેઓ આજે પણ કાચાં મકાનમાં રહે છે અને તેની માતા લાકડાં સળગાવીને જમવાનું બનાવે છે. અવિરાજ ધોરણ 10 અને 12માં બોર્ડમાં સમગ્ર ડાંગમાં પ્રથમ નંબરે હતો. તે ડાંગ જિલ્લાનો પહેલો એવો વિધાર્થી છે જે JEE એડવાન્સ માટે ક્વોલિફાય થયો ને IIT- દિલ્હીમાં એડમિશન મળ્યું.

ગામડાંની શાળામાં ભણ્યો

અવિરાજે તેનું પ્રાથમિક શિક્ષણ ગામડાંની શાળામાં જ પૂરું કર્યું હતું. ત્યારબાદ તે આહવા તાલુકાનાં માલેગાંવ ગામડાંની સંતોકબા ધોળકિયા વિદ્યા મંદિર સ્કૂલમાં 9થી 12 ધોરણ ભણ્યો અને ત્યાંની હોસ્ટેલમાં રહ્યો હતો. આ આશ્રમ સ્કૂલ સુરતના હીરાના વેપારીઓ દ્વારા ચલાવવામાં આવે છે. તેની પ્રતિભા જોઈને સ્કૂલે અને સુરતના અમુક વેપારીઓએ તેનું એડમિશન નાના વરાછાના એક પ્રાઇવેટ કોચિંગ ક્લાસમાં કરાવ્યું. અવિરાજ વીકેન્ડ પર અને વેકેશનમાં ક્લાસ અટેન્ડ કરવા જતો. અવિરાજનો સ્કૂલ ફીથી લઈને કોચિંગની ફી સહિતનો તમામ ખર્ચો સ્કૂલ આપતી હતી.

ગરીબ કુટુંબનો તેજસ્વી તારલો અવિરાજ

અવિરાજનો એક ભાઈ આર્ટ્સનો વિદ્યાર્થી છે જે સ્ટેટ રિઝર્વ પોલીસમાં વલસાડ ડિસ્ટ્રિક્ટમાં કામ કરે છે. જ્યારે બીજો ભાઈ રામુભાઇ ચૌધરીએ પણ આર્ટ્સમાં જ ગ્રેજ્યુએશન કર્યું છે અને તે પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. બાકીના બધા ભાઈઓ તેના માતા-પિતાને ખેતીમાં મદદ કરે છે. બધા ભાઈ-બહેનોમાં સૌથી નાનો અવિરાજ હવે દિલ્હી જઈને ટેક્સ્ટાઇલ ટેક્નોલોજી એન્જિનિયરિંગ કોર્સ કરશે.

અવિરાજે જણાવ્યું કે, ‘મારાં માતા-પિતાને IITનું મહત્ત્વ નથી ખબર. તેઓને માત્ર એટલી જ ખબર પડે છે કે તેમનો દીકરો દિલ્હી વધુ અભ્યાસ માટે જઈ રહ્યો છે. મારાં પરિવારના સભ્યો ખૂબ ખુશ અને અને તેમણે મને ઉચ્ચ અભ્યાસ માટે શુભેચ્છા પાઠવી છે.’

દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો