સુરત: તક્ષશિલામાં મોતને ભેટેલા માસૂમોની નિકળી અસ્થિયાત્રા, અનેક લોકો જોડાયા,

સુરતના સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 22 જેટલા માસૂમોના મોત નીપજ્યાં હતાં. મૃતકોને ન્યાય મળે અને અધિકારીઓ સામે પગલાં લેવાય સાથે જ ફરી ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે 22 મૃતકોના અસ્થિની યાત્રા યોજાઈ. અસ્થિયાત્રા અગાઉ તમામ મૃતકોના અસ્થિનું પૂજન કરવામાં આવ્યું હતું.અસ્થિયાત્રા વરાછામાંથી નીકળતાં જ શહેરીજનો હિબકે ચડ્યાં હતાં અને કાળમુખી દુર્ઘટના ફરી તાજી થઈ હતી.

વરાછાના વિવિધ વિસ્તારમાં અસ્થિના દર્શન કરાવાયાં

અસ્થિ યાત્રા શાંતિપૂર્ણ રીતે તક્ષશિલાથી શરૂ થઈને યોગીચોક, સ્પીનિંગ મીલ અને મીનીબજાર થઈને ખોડિયાર નગર રોડથી નીકળી વલ્લાભાચાર્ય રોડ થઈને હીરાબાગ થઈ તક્ષશિલાએ ફરી સમાપનનો કાર્યક્રમ યોજાયો. અસ્થિયાત્રામાં દરેક મૃતકનો રથ અને તેમના નામનું પ્લેકાર્ડમાં સ્લોગન સાથે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. અસ્થિના લોકો દર્શન કરી શકે અને તમામ લોકો આ દુર્ઘટનાથી જાગૃત થાય ફરી આ રીતની દુર્ઘટના ન બને તે હેતુથી અસ્થિયાત્રા યોજવામાં આવી છે.

ભારે હૈયે લોકોએ પુષ્પાંજલી આપી

તક્ષશિલાથી નીકળેલી અસ્થિયાત્રાના મૃતકોને સોસાયટી-સોસાયટીએ લોકોએ પુષ્પાંજલિ અર્પી હતી. ભારે હૈયે ગુમાવેલા માસૂમોની ફરી યાદ તાજી થઈ ગઈ હતી અને ફરી આ પ્રકારની દુર્ઘટના ન બને તેવી માંગ સાથે મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં લેવાયા અને લોકોમાં જનજાગૃતિ ફેલાય તે ઉદ્દેશ્યથી યાત્રાઃ મૃતકના વાલી

વાલીઓએ માંગ કરી હતી કે, હજુ જવાબદાર વાલીઓ સામે કોઈ જ પગલાં લેવાયા નથી. તેમની અટકાયત નથી કરાઈ તથા તેમને જેલના સળીયા પાછળ ધકેલવાની કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.જેથી લોકોને અપીલ કરાશે કે આ જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય પગલાં લેવામાં આવે. એસએમસી, ડીજીવીસીએલ અને ફાયરબ્રિગેડના ઉચ્ચઅધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો