કાલાવડની ખેડૂત પુત્રી રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી, 1500 મીટર દોડમાં ગોલ્ડ
જામનગર: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના એવા વિભાણીયા ગામની ખેડૂત પુત્રી શ્રધ્ધાએ દિલ્હીમાં ખેલો ઇન્ડિયાના નામે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટેની આંતર રાજ્ય સ્પર્ધામાં 1500 મીટર દોડમાં ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો છે. તેણીની આ સિધ્ધિથી જામનગર જિલ્લાની સાથે રાજ્યની યશકલગીમાં એક વધુ પીછું ઉમેરાતાં ચોમેરથી અભિનંદનની વર્ષા થઇ રહી છે.
શિક્ષણના વધતા વ્યાપ વચ્ચે આજે પણ હજુ સમાજમાં પુત્ર અને પુત્રી વચ્ચે ભેદભાવ જોવા મળી રહ્યો છે અને દંપતીઓ પુત્રને વધુ મહત્વ આપી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લાની દીકરીએ દોડ હરીફાઇમાં દેશભરમાં નામ રોશન કરી પુત્રી પણ પુત્રથી કમ નથી તેનું પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂં પાડ્યું છે. દિલ્હીમાં ચાલી રહેલી ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં ભારતના તમામ રાજ્યના ખેલાડી ભાગ લઇ રહ્યા છે. ત્યારે 15 રાજ્યના ખેલાડી વચ્ચે યોજાયેલી 1500 મીટર દોડ સ્પર્ધામાં કાલાવડ તાલુકાના વિભાણીયા ગામના ખેડૂત રજનીકાંતભાઇ કથીરીયાની પુત્રી અને હાલમાં ધો.11 માં અભ્યાસ કરીતી શ્રધ્ધાએ ભાગ લીધો હતો. 1500 મીટરની દોડ શ્રધ્ધાએ 4 મિનિટ અને 42 સેકન્ડમાં પૂર્ણ કરી પ્રથમ નંબર અને ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચતા તેણીના વતન સહિત રાજ્યભરમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.
વિભાણીયા ગામમાં જન્મેલી શ્રધ્ધાએ ધો.1 થી 4 ગામની શાળામાં અભ્યાસ કર્યા બાદ કાલાવડની હીરપરા કન્યા વિધાલયામાં ધો.6 અને 7નો અભ્યાસ કર્યો હતો. બાદમાં તેણી રાજકોટ અભ્યાસ અર્થે ગઇ હતી અને ધો.10થી દેવગઢ બારિયા સ્પોર્ટસ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. ભાઇ બહેનમાં મોટી અને પિતાની એકની એક પુત્રી શ્રધ્ધા છેલ્લાં અઢી વર્ષથી પોતાના વતન આવી નથી.
પુત્રીની સિધ્ધિથી ગર્વ, આનંદની કોઇ સીમા નહીં
પુત્રીએ દોડમાં ઇતિહાસ રચી ગામની સાથે રાજ્યનું નામ દેશભરમાં રોશન કરતાં ગર્વ છે અને આનંદની કોઇ સીમા નથી તેમ પિતા રજનીકાંતભાઇએ જણાવ્યું હતું. નાનપણથી જ રમતગમત પ્રત્યેની અપાર રૂચિ અને આત્મબળથી શ્રધ્ધાએ આ સિધ્ધિ મેળવી હોવાનું જણાવી દીકરીનું મહત્વ દીકરાથી ઓછું ન હોવાનો સંદશો રજનીકાંતભાઇએ સમાજને આપ્યો છે.
ગીરનાર આરોહણ-અવરોહણ સહિતની હરીફાઇમાં પણ અવ્વલ
શ્રધ્ધા કથિરીયાએ ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા તેમજ ખેલમહાકુંભ, તરણેતર ગ્રામીક ઓલમ્પિક્સ તેમજ વિવિધ સંસ્થા, ટ્રસ્ટ, રાજકોટ ડિસ્ટ્રીક્ટ એથ્લેટીક્સ એસોસીએશન દ્વારા યોજાયેલી દોડ સ્પર્ધામાં અવ્વલ રહી મેડલ અને પ્રમાણપત્ર મેળવ્યા છે.