અપૂર્વમુની સ્વામીએ કહ્યું: ‘પાટીદારો ઇંડા-નોનવેજની લારીએ ઉભા રહેતા બંધ થાય, સરદારનું માથું શરમથી ઝુકી જશે’
રાજકોટ જિલ્લાના જસદણ ગામે (Jasdan)પાટીદાર શૈક્ષણિક ભવનના ભૂમિ પૂજન તેમજ પાટીદાર શહીદ સ્મારક ભવનના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ, ઊંઝા ઉમિયા સંસ્થાના મણીભાઈ પટેલ, હાર્દિક પટેલ, લાલજી પટેલ, વરૂણ પટેલ, અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિતના પાટીદાર આગેવાનો તેમજ નેતાઓ હાજર રહ્યા હતા. તેમજ આ પ્રસંગે બીએપીએસ (BAPS)સંસ્થાના અનેક સંતો મહંતો પણ હાજર રહ્યા હતા. બીએપીએસ સંસ્થાના અપૂર્વમુની સ્વામીએ પોતાના વક્તવ્યમાં પાટીદારોની અસ્મિતા અંગે અનેક વાતો કહી હતી.
અપૂર્વમુની સ્વામીએ પોતાના વક્તવ્ય દરમિયાન જણાવ્યું હતું કે, આપણને સૌને ગર્વ થવો જોઈએ કે પ્રમુખસ્વામી મહારાજ પણ એક પાટીદાર હતા. તેમજ હાલના બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ પણ પાટીદાર કુળમાંથી આવી રહ્યા છે. અપૂર્વમુની સ્વામીએ પોતાના વક્તવ્યો દરમિયાન યુવાનો એકઠા થાય યુવાનોનું જમીર જાગે તે માટે અનેક વાતો કહી હતી.
અપૂર્વમુની સ્વામીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે દેશનુ નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ એક પાટીદારનું છે. ત્યારે સરદાર વલ્લભભાઈનું માથું શરમના કારણે ઝુકી ન જાય તે ધ્યાન પાટીદારોએ રાખવાનું છે. આજે પાટીદાર સમાજના લોકો ઈંડા તેમજ નોનવેજની લારીએ ઉભા ઉભા નોનવેજ ખાય છે. આજે પાટીદાર સમાજમાં કેટલાક લોકો દુરાચારી છે, વ્યભિચારી છે. પાટીદારનો દીકરો દુરાચારી કે વ્યભિચારી નહીં પરંતુ નિર્વ્યસની હોવો જોઈએ. ખૂબ હિંમત કરી આ પ્રકારનું નિવેદન કરી રહ્યો છું. મને ખ્યાલ છે કે, કેટલાક લોકોને મારી આ વાત પસંદ નહીં પડે. પરંતુ હું બીએપીએસ સંસ્થાનો એક હિન્દુ સંત છું. ત્યારે મારે આ વાત કહેવી ફરજિયાત છે.
આ સાથે તેમણે કલેકટર અને કમિશનર પણ પાટીદાર જ હોવા જોઈએ તે પ્રકારનું નિવેદન કર્યું હતું. તો સાથે જ કહ્યું હતું કે ખેતી કરવા માટે અભણ પાટીદાર હશે તો ચાલશે પરંતુ બિનખેતી કરવા માટે ભણેલા-ગણેલા પાટીદાર હોવું જરૂરી છે.
સંગઠનની તાકાત અંગે વાત કરતાં અપૂર્વમુની સ્વામીએ જણાવ્યું હતું કે, હાલ દુબઈ-અબુધાબી મુસલમાનોના દેશમાં BAPS સંસ્થા હિન્દુ મંદિર નિર્માણનું કાર્ય કરી રહી છે. 28 એકર જમીન આપનાર મુસલમાન છે. આર્કિટેક્ટ યહૂદી છે. સ્ટ્રકચરલ એન્જિનિયર ખ્રિસ્તી છે. જ્યારે કે અંદરનો સિવિલ એન્જિનિયર પંજાબી છે. આપણે તે મંદિરમાં સીતા રામ સહિત હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ પધરાવવાના છીએ. આ તાકાત છે એકતાની, સંગઠનની.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..