એકોન્કાગુઆ પર્વત સર કર્યાના 50 દિવસમાં જ સુરતની બે બહેનો એવરેસ્ટ સર કરશે
શહેરની બે બહેનોએ 15મી ફેબ્રુઆરીએ જ અમેરિકાનો એકોન્કાગુઆ પર્વત સર કરીને ઇતિહાસ રચ્યો હતો. આ સાહસના 50 દિવસ પછી જ 21 વર્ષની અનુજા અને 25 વર્ષની અદિતી એવરેસ્ટ અભિયાન શરૂ કરશે. તેઓ 30મી માર્ચે સુરતથી માઉન્ટ એવરેસ્ટની ચઢાઇ કરવા માટે સુરતથી નીકળશે અને 4 એપ્રિલના રોજ બેઇઝ કેમ્પથી શરૂઆત કરશે. તેઓના અનુમાન પ્રમાણે મે મહિનાના બીજા અઠવાડિયા સુધી એવરેસ્ટ સર કરીને પરત ફરશે. બંને બહેનોએ ઉત્તરાખંડની નહેરુ ઇન્સ્ટિટ્યૂટમાંથી ટ્રેકિંગનો અભ્યાસ કર્યો છે. હાલ સુધીમાં ગુજરાતની બે મહિલાઓએ એવરેસ્ટ સર કર્યો છે.
નવા અભિયાનની તૈયારી
નેપાળે ખાસ પરવાનગી આપી
બંને બહેનો નેપાળથી ચઢાણ કરવાની શરૂઆત કરશે. તિબેટથી એવરેસ્ટ પર ચઢાણ કરવાની શરૂઆત કરે તો નેપાળ સરકારની પરવાનગી લેવી પડે છે. બંને બહેનોએ નેપાળ સરકાર પાસેથી પરમિશન લીધી છે. પરમિશન આપતા પહેલા સરકાર એ ચેક કરે છે કે ભૂતકાળમાં ક્યારેય કોઈ પહાડ સર કર્યો છે કે, નહીં ચઢાણ કરવા માટે સક્ષમ છો કે, નહીં ત્યારબાદ પરમિશન આપે છે.
માઉન્ટ એવરેસ્ટ સર કરવા બંને બહેનોનો અંદાજિત ખર્ચ 1 કરોડ
એવરેસ્ટ સર કરવા માટે વ્યક્તિદીઠ 45 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાં પરમિટ, ફૂડ અને ચઢાણ માટેના ઈક્વિપમેન્ટ પાછળ ખર્ચ થાય છે. સૌથી વધારે ખર્ચ ઈક્વિપમેન્ટ માટે થાય છે. સુરતની બહેનોએ ટ્રેકિંગ માટેના ઈક્વિપમેન્ટ જાપાનથી ખરીદ્યા છે.
પહાડ પર ચઢાઈ માટે કોઈ દિવસ અગાઉ 100 ટકા તૈયારી થઈ શકે નહીં
એવરેસ્ટ ચઢવું અમેરિકાના અકોન્કાન્ગુઆ પર્વત કરતા ખૂબ જ ટફ હશે. અકોન્કાગુઆ પર્વત સર કરતી વખતે ફકત પગની તાકાત વધારે મહત્વની હતી. એવરેસ્ટ માટે પગ, હાથ અને મગજની સ્થિરતા વધારે મહત્વની છે. પર્વતારોહણ માટે ખરેખર તો પહેલાથી કોઈ તૈયારી કરી જ ન શકાય, કારણ કે, ત્યાં મુશ્કેલીઓ કુદરતી રીતે જ આવે છે. ચઢાઈ માટે કોઈ દિવસ અગાઉ 100 ટકા તૈયારી થઈ શકે નહીં. ત્યાં જે મુશ્કેલી આવશે એ તમારે જ સહન કરવાની જ છે. ફિઝીકલ ટ્રેનિંગમાં તો અમે કંઈ અલગ કર્યુ જ નથી. કારણ કે, અમે સપ્ટેમ્બર મહિનાથી જ પર્વતોમાં સફર કરી રહ્યા છીએ. અમારા માટે અકોન્કાન્ગુઆ પણ એવરેસ્ટની ટ્રેનિંગ જ કહેવાય. આપણને રોજીંદા જીવનમાં કુદરતી ઓકિસજનની આદત હોય છે. એવરેસ્ટ પર ઉપર જઈને ઓકિસજન ઓછું હોય છે તેથી ત્યાં અમારે કદાચ ઓકિસજન માસ્ક પહેરીને પણ ચઢાઈ કરવી પડશે. અદિતી વૈદ્ય, 25 વર્ષ
મમ્મી-પપ્પાને લોકો કહે છે, ‘બંને દીકરીઓને કેમ સાથે મોકલો છો’
અમને ઘરેથી પૂરો સપોર્ટ મળ્યો છે. એવુ કહી શકીયે કે, અમે અમારા માતા-પિતાનું જ સપનુ પૂરુ કરી રહ્યા છીએ.અમારા માતા-પિતા બંને પર્વતારોહણ છે તેથી એમને દરેક વસ્તુની જાણ છે. મારા પિતાએ પહેલેથી અમને કહ્યું છે કે તમને ગમે એ વસ્તુ કરો. કોઈ દિવસ કોઈ વસ્તુમાં અમને રોકયા નથી.ભણવામાં પણ કોઈ દબાણ કર્યુ નથી અને સ્પોર્ટસમાં અમને પહેલેથી આગળ રાખવા ઈચ્છતા હતા. અત્યારે પણ ઘણા લોકો અમારા માતા-પિતાને કહે છે કે તમારી બંને દીકરીઓ છે અને બંનેને એકસાથે મોકલો છે ત્યારે તેઓ એવો જવાબ આપે છે કે, ‘અમને ખબર છે કે અમારી છોકરીઓ કેટલી ટ્રેઈન છે. બંને છોકરીઓ કરી લેશે તેમને ખબર છે કે તેમણે શું અને કંઈ રીતે પોતાની કાળજી રાખવાની છે તેથી અમને એવી કોઈ ચિંતા નથી. અનુજા વૈદ્ય, 21 યર